વડોદરા,તા. ૧૧
નંદેસરીના ગોહિલપુરા ગામે આવેલા ઈટોના ભઠ્ઠામાં ટ્રેક્ટરની બેટરીથી મોબાઈલ ફોન ચાર્જ કરવાનો અખતરો ડ્રાઈવરને ભારે પડયો હતો. ચાર્જિંગ દરમિયાન ટ્રેક્ટર ચાલુ થઈ જતાં ડ્રાઈવરને ઈજા થઈ હતી. જેને હોસ્પિટલમાં ખસેડાયો છે. ફતેગંજ વિસ્તારના કલ્યાણ નગરમાં રહેતો ૨૦ વર્ષનો નઈમખાન નુરખાન પઠાણ ટ્રેક્ટર ચલાવે છે. જે ગઈકાલે સાંજે ટ્રેક્ટર લઈને નંદેસરી વિસ્તારમાં આવેલા ગોહિલપુરા ગામે ગયો હતો.જ્યાં ગામની સીમમાં આવેલા ઈંટોના ભઠ્ઠામાં ઈંટો ભરતા પહેલા તેણે ટ્રેક્ટરની બેટરીથી પોતાનો મોબાઈલ ફોન ચાર્જ કરવાનો અખતરો કર્યાે હતો. જે દરમિયાન એકાએક ટ્રેક્ટર ચાલુ થઈ જતાં તે જમીન પર પટકાયો હતો અને ઈજા થઈ હતી. જો કે, ટ્રેક્ટરની બેટરીથી મોબાઈલ તો ચાર્જ થયો ન હતો અને આવો અખતરો નઈમખાનને ભારે પડયો હતો.