લે કર વાત!
જોન ‘શૂટ આઉટ એટ વડાલા’ના શૂટિંગમાં અને ‘હાઉસફુલ-૨’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. અંગત જિંદગીમાં ફુલ ટુ સેટલ થવાના પ્લાન દ્યડી રહેલા જોનને પૂછવામાં આવે કે શાદી કબ? તો ડિમ્પલવાલી સ્માઇલ સાથે આપણા સવાલને હવામાં તરતો મૂકતાં જવાબ આપે છે કે, આપ કહો તબ...
મસલમેન જોન અબ્રાહમે એક તરફ ‘ધૂમ’ અને ‘દોસ્તાના’ જેવી કર્મિશયલ મૂવિમાં બેજોડ એક્ટિંગ કરી છે, તો ‘વોટર’ અને ‘નો સ્મોકિંગ’ જેવી પેરેલલ ફિલ્મમાં પણ તેનો અભિનય કાબિલે તારીફ રહ્યો છે. ‘ગરમ મસાલા’, ‘દેશી બોય્ઝ’ અને હાલમાં જ આવેલી ‘હાઉસફુલ’ની સિક્વલમાં પણ તેનો અભિનય સરેરાશ સારો છે. જોન એક્શન ફિલ્મ ‘ફોર્સ’ના પોતાના સ્ટંટ્સને લીધે ચર્ચામાં રહ્યો છે અને હવે તે ‘ફોર્સ’ની સિક્વલ અને ‘શૂટ આઉટ એટ વડાલા’ના મનિયાના કેરેક્ટર દ્વારા છવાઈ જવા રેડી છે. ‘દેશી બોય્ઝ’માં તેણે અક્ષય કુમાર સાથે ઘણા ખતરનાક સ્ટંટસીન આપ્યા હતા. હવે ‘શૂટ આઉટ એટ વડાલા’માં પણ તેણે દેઢ પસલી બનીને ટપોરી દોડના ઘણા સીન શૂટ કરી નાખ્યા છે. જોનને જ્યારે પૂછીએ કે એક્શન સીન કરતા બીક નથી લાગતી? તો કહે છે કે, મને એક્શન ફિલ્મો કરવી ગમે છે અને સ્ટંટ્સ કરવા એ મારો શોખ છે.
‘શૂટ આઉટ’ના એક સીન માટે તેણે ગરમીમાં સતત દોડતા રહેવું પડયું છે, છતાં તેણે ઊંહકારો કર્યો નથી. એ બાબતે તે પોતે કહે છે કે ફિલ્મમાં હું રિયલ ટપોરી મનિયો લાગુ એટલા માટે મારે એ શોટ આપવા જ પડે તેમ હતા. જોકે એ શોટ કરતાં મને પણ એમાં રોમાન્ચ થયો હતો અને પૂરી મહેનતથી એ સ્ટંટસીન કર્યો.
જોન જરા હટકે કરવામાં માને છે એટલે જ તે યુવા નિર્દેશકોનો ફેવરિટ છે. યુવા નિર્દેશકોને જાણ છે કે જોન રિસ્ક લેતા ડરતો નથી. એ અંગે જોનનું માનવું છે કે, મને ફિલ્મ હિટ જાય કે ફ્લોપ એનો કોઈ ડર હોતો નથી. હું કોઈ એક ઇમેજમાં બંધાઈ જવા માગતો નથી. મારો બોલિવૂડમાં ફિલ્મો કરવાનો એક પોતાનો વિચાર છે, વ્યૂહ છે. શો બિઝમાં મારી પોતાની એક જગ્યા છે. હજી તો હું વધુ એક્સપરિમેન્ટ કરવા માગું છું. શો ટાઉનમાં તમારી બોડી બિલ્ડિંગનાં ઘણાં વખાણ થતાં રહે છે. ફિલ્મો પ્રમાણે શરીરને મેઇન્ટેઇન કરો છો? એ અંગે જોને કહ્યું કે, હા, અત્યારની એ ડિમાન્ડ છે. હું નિયમિત વર્કઆઉટ તો કરું જ છું, પણ નિર્દેશકની ડિમાન્ડ પ્રમાણે પણ બોડીને શેપ આપવાના પ્રયત્નમાં હોઉં છું. ગર્લફ્રેન્ડ પ્રિયા રુચાલ સાથે લગ્નબંધનથી જોડાવા અંગે જોન કહે છે કે, હું તો કાલે જ લગ્ન કરી લેવા તૈયાર છું, પણ શું કરું ટાઇમ જ નથી મળતો. ટાઇમ મળશે તો લગ્ન પણ કરી લઈશ.