બોલિવૂડમાં ફિલ્મ ગમે તે રીતે હિટ થઈ હોય, પરંતુ તેનો યશ ફિલ્મનાં હીરો-હિરોઇનની જોડીને જ મળે છે. મોટા ભાગના દર્શકો સફળ ફિલ્મનાં અન્ય પોઝિટિવ પાસાંઓ ભૂલીને ફિલ્મોની જોડીઓને લાંબા સમય સુધી યાદ રાખે છે. હિંદી સિનેમામાં એક ફિલ્મ હિટ જાય એટલે જોડીને રિપિટ કરવા નિર્માતાઓની લાઇન લાગે છે. જોકે એક હકીકત એ પણ છે કે બોલિવૂડમાં સફળ જોડીઓ લાંબું ખેંચતી નથી. અંગત, વ્યાવસાયિક કે બીજા કોઈ પણ કારણોસર જોડીઓ તૂટતી રહી છે, જોડીઓ બદલાતી પણ રહી છે. બોલિવૂડની આવી જ બોમ્બસેલ મનાતી જોડીઓ કબકી બિછડ ગઈ કે આજ સુધી પાછી મળી નથી એના પર એક નજર...
કરીના અને અભિષેક
ભારત અને પાકિસ્તાનના સંબંધોની પૃષ્ઠભૂમિ પર આધારિત ફિલ્મ ‘રેફ્યુજી’માં બંનેએ બોલિવૂડમાં એન્ટ્રી કરી. ફિલ્મ ખાસ ચાલી નહીં, પરંતુ બંને નવોદિત કલાકારોની કેમેસ્ટ્રી લોકોને ખૂબ જ ગમી ગઈ. એ પછી ‘મૈં પ્રેમ કી દીવાની’માં બંનેએ સાથે કામ કર્યું. કરિનાની મોટી બહેન કરિશ્માની સગાઈ અભિષેક સાથે થવાની વાતો થઈ, પણ એ જોડી ન જામી એવી જ રીતે અભિ-કરીનાની જોડી ફિલ્મોમાં જામી નહીં.
દિલીપ કુમાર અને મધુબાલા
સિક્સટીઝમાં આવેલી કે આસિફની ફિલ્મ ‘મુગલે આઝમ’માં પોતાની મહોબ્બતને મેળવવા માટે બગાવત પર ઊતરેલા સલીમના રોલમાં દિલીપ કુમાર અને સલીમના પ્રેમમાં પાગલ અનારકલીના રોલમાં મધુબાલાએ જીવ રેડી દીધો હતો. દિલીપ કુમાર અને મધુબાલાની જોડીને ચાહકો હંમેશને માટે પડદા પર જોવા આતુર હતા, પરંતુ ‘મુગલે આઝમ’ એ આ જોડીની પહેલી અને છેલ્લી ફિલ્મ બની રહી. દરમિયાન દિલીપ કુમાર મધુબાલાનો પ્રેમ પણ પાંગર્યો હતો, પણ કુટુંબીજનોને આ જોડી રિયલ લાઈફમાં ગમી નહીં અને રીલ લાઇફ હિટ જોડી પણ પછી બની નહીં.
રીના રોય અને શત્રુઘ્ન સિંહા
રીના રોયે સુનીલ દત્ત, વિનોદ ખન્ના, જિતેન્દ્ર અને શત્રુઘ્ન સિંહા એમ ઘણા હીરો સાથે ફિલ્મો કરી, પણ શત્રુજી સાથેની તેની જોડી ખૂબ જામી હતી. શત્રુ - રીનાની જોડી દર્શકોને પણ ગમતી. બંનેનાં અફેર તથા લગ્નની વાતો પણ ચાલી હતી, પણ રીના કાર્રિકદીના મધ્યાહ્ને પાક ક્રિકેટર મોહસિન ખાન સાથે લગ્ન કરીને પાકિસ્તાન રહેવા ચાલી ગઈ. મોહસિન સાથેનું લગ્નજીવન લાંબું ચાલ્યું નહીં. રીના ભારત પાછી ફરી ત્યારે બોલિવૂડમાં ઘણું બદલાઈ ગયું હતું. પાછી આવીને તે ‘આદમી ખિલોના હૈ’ નામની ફિલ્મમાં દેખાઈ હતી.
અમિતાભ અને રેખા
‘મુકદ્દર કા સિકંદર’, ‘ખૂન પસીના’, ‘મિ. નટવરલાલ’ અને ‘સિલસિલા’ જેવી હિટ ફિલ્મો આપનાર રેખા અને અમિતાભની જોડી સિને રસિકોને ૧૯૮૦ના દાયકાની યાદ તાજી કરાવે છે. આ જોડી વચ્ચેનો રિયલ રોમાન્સ પણ ખૂબ જ ચાલ્યો. અમિતાભ અને જયા ભાદુરીનું લગ્નજીવન ભંગાણના આરે આવીને ઊભું રહી ગયું. અંતે અમિતાભના કુટુંબીજનોએ આખી પરિસ્થિતિ સંભાળી લઈને અમિતાભનું ઘર ભાંગતું અટકાવ્યું. એ પછી અમિતાભ રેખા વચ્ચેનું અંતર વધતું ગયું. ‘સિલસિલા’ ફિલ્મ પછી બંને રૂપેરી પડદા પર દેખાયાં નહીં.
જિતેન્દ્ર અને શ્રીદેવી
બોલિવૂડની આ ખૂબસૂરત જોડીએ ૧૬ ફિલ્મોમાં એકસાથે કામ કર્યું. જેમાં ‘હિંમતવાલા’, ‘મવાલી’, ‘તોહફા’, ‘મકસદ’, ‘જસ્ટિસ ચૌધરી’ અને ‘ધર્મ અધિકારી’ જેવી સફળ ફિલ્મોનો સમાવેશ થાય છે. ‘તોહફા’ના ટાઇટલ ગીતે તો એ જમાનામાં ધૂમ મચાવી હતી. બંને વચ્ચે પ્રેમ હોવાની પણ ગોસીપ શરૂ થયેલી. ચેન્નઈમાં ‘જસ્ટિસ ચૌધરી’ના શૂટિંગ દરમિયાન તો શ્રીદેવીના પરિવારજનોને એવું જાણવા મળ્યું કે શ્રીદેવી અને જિતેન્દ્રનાં લગ્નનો પ્લાન ચાલી રહ્યો છે. આ પછી તો વાતનું વતેસર એવું ચાલ્યું કે આ જોડી પડદા પર જોવા મળી નહીં.
સંજય દત્ત અને માધુરી
માધુરીએ અનિલ કપૂર સાથે ‘તેજાબ’, ‘રામલખન’, ‘બેટા’ જેવી સફળ ફિલ્મો આપી અને તેના અભિનયનાં ભરપૂર વખાણ થયાં. આમિર ખાન સાથેની સુપરહિટ ‘દિલ’ લોકો આજે પણ ભૂલ્યા નથી, પરંતુ માધુરી-સંજુબાબાની જોડી એઈટીઝ અને નાઈન્ટિઝમાં વધુ હિટ માનવામાં આવતી હતી. ‘ખલનાયક’ ‘સાજન’, ‘થાનેદાર’ જેવી ફિલ્મોમાં તેમની કેમેસ્ટ્રી ગજબની હતી. રિયલ લાઇફમાં પણ બંને એકબીજાની ખૂબ જ નજીક આવી ગયેલાં. ફિલ્મ ‘ખલનાયક’ના શૂટિંગ વખતે સંજય દત્ત ગેરકાનૂની મામલામાં ફસાયો અને પછી માધુરીના લગ્ન થઈ ગયા. આ સાથે જ હિટ જોડી પણ તૂટી ગઈ.
શાહરૂખ અને ઐશ્વર્યા
‘બાજીગર’થી લઈને ‘માય નેમ ઇઝ ખાન’ સુધીની સફળ ફિલ્મો સાથે શાહરૂખની જોડી કાજોલ સાથે હંમેશાં હિટ છે, પણ ‘મહોબતે’ અને ‘દેવદાસ’ પછી એશ અને કિંગખાનની જોડી પણ દર્શકોને ગમી. શાહરૂખે હોમ પ્રોડક્શનની ફિલ્મ ‘ચલતે ચલતે’માં એશને સાઈન કરી, પરંતુ આ ફિલ્મના સેટ પર સલમાને એશના પ્રેમમાં પાગલ બનીને ધમાચકડી મચાવી અને કિંગખાને ફિલ્મમાંથી એશને દૂર કરી દીધી. આમ શાહરૂખ અને ઐશ્વર્યાની ફિલ્મી જોડીનો તો અંત આવી જ ગયો અને એશ સલ્લુના બ્રેક અપ પછી એશ અભિ સાથે ઠરીઠામ થઈ છે એટલે સલ્લુ સાથે પણ એશ ભાવિમાં કામ નહીં કરે એ ફાઈનલ છે.
કરિશ્મા અને અજય દેવગણ
૧૯૯૦ના દાયકામાં કરિશ્મા અને અજય દેવગણની ‘જિગર’ ફિલ્મ હિટ ગણાતી હતી. બંને વચ્ચેની ગાઢ મૈત્રીમાં કાજોલની એન્ટ્રી થતાં સંબંધો વણસી ગયા. એવું કહેવાય છે કે, ‘સુહાગ’ ફિલ્મનું પ્રખ્યાત થયેલું ગીત ગોરે ગોરે મુખડે પે કાલા કાલા ચશ્માં શૂટ કરવાનું હતું, પરંતુ છેવટે અક્ષય કુમાર અને નગ્મા પર દર્શાવવામાં આવ્યું. ૧૯૯૪માં ‘સુહાગ’ એ બંનેની છેલ્લી ફિલ્મ હતી.
સલમાન ખાન અને ભાગ્યશ્રી
સલમાન તો હાલમાં હિટ છે, પરંતુ ભાગ્યશ્રીને યાદ કરવી પડે તેમ છે. ૧૯૮૯ના વર્ષમાં ‘મૈને પ્યાર કિયા’ નામની પ્રેમકથા ધરાવતી ફિલ્મમાં ભાગ્યશ્રી અને સલમાન ખાનની જોડીએ ધૂમ મચાવી હતી. ગીત-સંગીતના કારણે સુપરહિટ રહેલી આ ફિલ્મ પછી બંનેને લઈને ફિલ્મ બનાવવા માટે અનેક નિર્માતાઓ આતુર હતા, પરંતુ ભાગ્યશ્રીએ લગ્ન કરી લીધાં ને આ જોડીનો અકાળે અંત આવી ગયો.