એકસ્ટ્રા કોમેન્ટ- અપૂર્વ દવે
ગુજરાત વડી અદાલતમાં બુધવારે ન્યાયમૂર્તિઓ પર પગરખાં ફેંકવાની બે ઘટનાઓ બન્યા બાદ વધુ એક વખત આવા બનાવો પ્રત્યેની નવાઈ વધી ગઈ છે. ઉક્ત બંને ઘટનાઓમાં અરજદારોને તેમની સાથે તોળાયેલા ન્યાય બાબતે વિરોધ હતો અને તેથી તેમણે જૂતાં ફેંકીને તે વ્યક્ત કર્યો. ભારતમાં કોઈ બેભાન થાય ત્યારે ચામડાંનું ચપ્પલ સૂંઘાડવાથી માંડીને લગ્નપ્રસંગે વરની મોજડી કે બૂટ સંતાડવાની પ્રથાઓ સારા અર્થમાં વપરાય છે. આ એ જ ભૂમિ છે જ્યાં રામનાં ચરણને અડીને અહિલ્યા પથ્થરરૂપમાંથી બહાર આવી હતી અને રામની પાદુકાઓને સિંહાસન પર મૂકીને ભરતે ભાઈનો વનવાસ પૂરો થવાની રાહ જોઈ હતી. અહીંના કોલ્હાપુરના ચપ્પલ અને મારવાડની મોજડીઓ વખાણય છે પણ કોઈના પર જૂતાં ફેંકવાની વાત આવે ત્યારે આવી પહેલ ભારતમાં નહીં પણ આરબ દેશમાં થઈ. ૧૪ ડિસેમ્બર, ૨૦૦૮નો એ દિવસ હતો. ઇરાકના બગદાદમાં વડાપ્રધાનના મહેલમાં અમેરિકાના તત્કાલીન પ્રમુખ જ્યોર્જ ડબલ્યૂ. બુશ પત્રકારોને સંબોધી રહ્યા હતા ત્યારે પત્રકાર મુંતઝર અલ ઝૈદીએ તેમના પર પોતાના બંને જૂતાં ફેંકીને ઇરાકમાં બુશે કરેલી ચડાઈ અને લડાઈ સામે રોષ વ્યક્ત કર્યો હતો. તને ઈરાકી જનતાની આ ભેટ છે... એવું કહીને એક બૂટ ફેંક્યા બાદ બીજું બૂટ ઇરાકનાં યુદ્ધમાં માર્યા ગયેલાંઓની વિધવાઓ અને બાળકો વતી ફેંકું છું એમ તે પત્રકારે કહ્યું હતું. ચબરાક બુશે બંને ઘા ચૂકાવી દીધા એટલું જ નહીં, તેમણે મજાકમાં એમ પણ કહ્યું છે, ૧૦ નંબરના જૂતાં મારી સામે ફેંકવામાં આવ્યાં છે. બુશ લડાઈ કરવામાં માહેર હતા એ તેમની વિશેષતાને જોતાં જૂતાંનો પ્રહાર થવા માટે પણ જાણીતા છે. કેનેડાના મોન્ટ્રિયલમાં પણ દેખાવકારોએ ઇરાક અને અફઘાનિસ્તાનની લડાઈના વિરોધમાં તેમના પર પગરખાં ફેંક્યાં હતાં, આ ઉપરાંત તેમના જ સત્તાવાર નિવાસસ્થાન વ્હાઈટ હાઉસની બહાર યુદ્ધ વિરોધી એક જૂથ-કોડ પિંકે તેમનાં પૂતળાં પર બૂટના ઘા કર્યા હતા. તેમણે અલ ઝૈદીના સમર્થનમાં આ પગલું ભર્યું હતું, ત્યાર બાદ તો ઈરાકની ઐતિહાસિક ઘટનાની સ્મૃતિમાં કમ્પ્યૂટર ગેમ પણ બની હતી અને કોણ જાણે કેટલાંય લોકોએ બુશને તેમાં ઘાયલ કર્યાં હશે !
એ ઘટનાને પગલે એવા તો કેટલાય પ્રસંગો બની ગયા છે જ્યારે દેશના રાજકીય વડાથી માંડીને કોઈ એક નેતા અને અન્યો સામે પગરખાં ફેંકાયાં છે પણ બુશની ઘટના એ પ્રકારની પહેલી હોવાથી હજી પણ લોકોને જૂતાં ફેંકવાની વાત આવે ત્યારે તેમનો કિસ્સો જ નજર સામે દેખાય છે, તેના જેવી જ ઘટનાઓ યુરોપ, ઉત્તર અમેરિકા, ચીન, હોંગકોંગ, ઇરાન, તુર્કી અને ઓસ્ટ્રેલિયામાં બની ચૂકી છે, જો કે, ભારત જે રીતે પ્રગતિશીલ છે તેને જોતાં આ નવી પ્રથામાં પણ તેણે કાઠું કાઢયું છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા શરદ પવારના કેસમાં તો હરવિન્દરસિંહે પોતાનાં મોંઘાં ભાવનાં જૂતાં બગાડવાને બદલે તમાચો મારવાનું વધારે પસંદ કર્યું. બીજા અનેક કિસ્સાઓમાં પગરખાંનો ઘા કરાયો છે. મુંબઈની વડી અદાલતમાં એક આરોપીએ સ્લિપર ફેંક્યા બાદ અદાલત ખંડમાં પ્રવેશતાં પહેલાં જ આરોપીઓનાં પગરખાં બહાર ઉતરાવવાનો નિયમ કરાયો છે.
૨૦૦૯માં જર્મન વિરોધકે ચીની વડાપ્રધાન વેન જીબાબાઓ પર બૂટ ફેંક્યું હતું, તે જ વર્ષે ભારતના કેન્દ્રીય ગૃહપ્રધાન પી. ચિદમ્બરમ્ સામે જર્નેલસિંહ નામના શીખે આ રીતે વિરોધ વ્યક્ત કર્યો હતો. ૧૯૮૪નાં શીખવિરોધી રમખાણો બાબતે કોંગ્રેસના નેતા જગદીશ ટાઈટલરને ક્લીનચીટ આપવાનાં સીબીઆઈનાં પગલાં વિશે એક સવાલનો જવાબ આપતી વખતે ચિદમ્બરમ્ સંતોષકારક ખુલાસો કર્યો નહીં ત્યારે પત્રકાર જર્નેલસિંહે આ કૃત્ય કર્યું હતું. ૨૦૦૮ની ઘટના તાજી હોવાથી ૨૦૦૯માં આવા અનેક બનાવો બન્યા, તે જ વર્ષે વિપક્ષી નેતા એલ. કે. અડવાણી પર તેમના જ પક્ષના એક કાર્યકર્તાએ બૂટ ફેંક્યું હતું, તેમને ટિકિટ નહીં મળ્યાનો રોષ હતો. આવી ઘટનાથી આપણા શાંત વડાપ્રધાન મનમોહનસિંહ પણ બચ્યા નથી. તેઓ ૨૦૦૯માં અમદાવાદ ગયા ત્યારે ચૂંટણીસભાને સંબોધતી વખતે એક ૨૮ વર્ષીય યુવાને તેના પર પગરખું ફેંક્યું હતું પણ સિંહે તેને માફ કરી દીધો હતો. ૨૦૦૯માં પગરખાંનું સ્વાગત પામેલા અન્ય લોકોમાં કર્ણાટકના મુખ્યપ્રધાન બી. એસ. યેદીયુરપ્પા, કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર નવીન જિંદાલનો પણ સમાવેશ થાય છે.
૨૦૧૦માં પાકિસ્તાની પ્રમુખ આસિફઅલી ઝરદારી યુ.કે. ગયા ત્યારે ર્બિંમગહામમાં પાકિસ્તાની સમુદાયને સંબોધતી વખતે શમીમખાન નામની વ્યક્તિએ બૂટ ફેંક્યું હતું. પાકિસ્તાનમાં તે વખતે ભયંકર પૂર આવ્યું હતું અને છતાં પ્રમુખ પ્રવાસમાં મહાલી રહ્યા હતા તેથી શમીમે પોતાનો ગુસ્સો આ રીતે વ્યક્ત કર્યો હતો.
૨૦૧૧માં પાકિસ્તાનના ભૂતપૂર્વ શાસક પરવેઝ મુશર્રફ પર બ્રિટનમાં લંડનના એક જિલ્લામાં પાકિસ્તાનીઓની સભા દરમિયાન બૂટ ફેંકાયું હતું. આ વર્ષમાં ઇજિપ્તના શાસક હોશની મુબારક, લિબિયાના તાનાશાહ ગદ્દાફીના પુત્ર સૈફ અલ ઇસ્લામ ગદ્દાફી, કોમનવેલ્થ કૌભાંડના આરોપી સુરેશ કલમાડી, કોંગ્રેસના પ્રવકતા જનાર્દન દ્વિવેદી, આંદોલનના નેતા અરવિંદ કેજરીવાલ તથા ઇરાનના પ્રમુખ મહંમદ અહમદીજેનાદ પર પગરખાંનો ઘા કરાયો હતો.
આ વર્ષમાં જાણીતી હસ્તીની સામે વિરોધ કરવા માટે આ રસ્તો અપનાવવાનો કિસ્સો ૨૩ જાન્યુઆરીના રોજ દહેરાદૂનમાં ચૂંટણીસભા વખતે રાહુલ ગાંધી સંબંધે બન્યો. રાહુલે પણ પહેલેથી જવાબ તૈયાર રાખ્યો હોય એમ તરત જ કહ્યું હતું, “અમુક લોકોને લાગે છે કે, પગરખાં ફેંકવાથી હું ડગીને ભાગી જઈશ પણ આ તેમની ગેરસમજ છે. રાહુલ ગાંધી ભાગી જાય તેમાંનો નથી.”
સમાજશાસ્ત્રીઓએ આવા બનાવો વિશે કહ્યું છે કે, પગરખાં ફેંકવાની ઘટનાઓ લોકોનો ગુસ્સો વ્યક્ત કરે છે પણ દરેક કિસ્સામાં અલગ અલગ કારણ હોય છે, આથી બધાના માટે એક જ નિષ્કર્ષ લાગુ કરી શકાય નહીં, જો કે, અત્યાર સુધીના દરેક કિસ્સામાં ક્યાંક ને ક્યાંક રોષ રહેલો છે તેનો ઇનકાર કરી શકાય એમ નથી. અરવિંદ કેજરીવાલને બાદ કરતાં બધા જ પ્રહારો તત્કાલીન કે ભૂતકાળના સત્તાધીશો અથવા સત્તા સાથે સંકળાયેલાં લોકો પર થયા છે. તેના પરથી એ ફલિત થાય છે કે, જનતાને ક્યાંક ને ક્યાંક સત્તાઓ સામે વાંધો કે વિરોધ છે. શાસકે કરેલા અન્યાયના સ્વરૂપ અલગ અલગ હોઈ શકે છે પણ તેની સામેનો ગુસ્સો પગરખાં ફેંકીને વ્યક્ત કરવામાં આવ્યો એ પ્રકાર એક જ છે તેની નોંધ લેવી ઘટે. પગરખાંને ઘૃણાસ્પદ ગણવામાં આવતાં હોઈ તે ફેંકવાથી સામેવાળાનું ઘણું મોટું અપમાન કરી શકાય છે એવી તેની પાછળની ભાવના હોય છે, વળી, આ ‘શસ્ત્ર’ હાથવગું (શબ્દ બદલીએ તો ‘પગવગું’) હોય છે. આ ક્રિયાની સામે પ્રતિક્રિયા આવશે જ એવું નક્કી હોવા છતાં ગુસ્સો દાબી શકાયો નહીં અને પ્રહાર કર્યો એવી આ ઘટનાઓ છે, બીજી જોવા જેવી બાબત એ છે કે, ક્યાંય નિરર્થક કારણ વગર આવું પગલું ભરાયું નથી. પગરખું હાથમાં લઈને કાયદો હાથમાં લીધાનો ગુનો થયો એ વાત નિઃશંક છે, પરંતુ તેમ કરવું પડયું તેની પાછળનાં કારણો અને પરિબળો તરફ ધ્યાન દેવું આવશ્યક છે. ન્યાયમૂર્તિઓ જેવી પ્રતિષ્ઠિત વ્યક્તિઓ પર પણ આ રીતે ગુસ્સો વ્યક્ત થાય તેમાં સૂકા ભેગું લીલું પણ બળે જેવા સંજોગો છે. ભારતમાં લોકોને હવે ધીરે ધીરે ન્યાયતંત્રમાંથી પણ વિશ્વાસ ઊઠી રહ્યો છે તેનું આ ઉદાહરણ છે. સમાજશાસ્ત્રીઓની એ વાત સાચી છે કે, સામૂહિક ગુસ્સો વ્યક્ત કરવાની ઘટના હજી બની નથી. ફક્ત એકલદોકલ વ્યક્તિની જ પ્રતિક્રિયા હોય છે, જો કે, તેનો અર્થ એવો નથી કે, સમાજમાં અન્યોને કોઈ વાંધો નથી. અત્યારે શાસકોનાં અયોગ્ય પગલાં સામે જનસામાન્યમાં ફક્ત ગુસ્સો નહીં, ક્રોધ ફેલાયેલો છે. હજી તે સંગઠિત થયો નહીં હોવાથી સામૂહિક સ્વરૂપે દેખાતો નથી, આમાં પોતાનો તો કોઈ વાંક નથી ને એવું લોકો વિચારી રહ્યા છે. એક વખત એ સાબિત અથવા તો સ્પષ્ટ થઈ જશે કે, પ્રવર્તમાન મુશ્કેલીઓ માટે શાસકો જ જવાબદાર છે ત્યારે ગુસ્સાનું સામૂહિક સ્વરૂપ દેખાયા વગર રહેશે નહીં. તે દિવસ ક્યારે આવશે એ ચોક્કસ કહી શકાય નહીં પણ આવશે જરૂર. એકાદ-બે ચપ્પલોના ઘાને પગરખાંનો વરસાદ બનતાં કદાચ વાર નહીં લાગે. જેમણે તેનાથી બચવાની જરૂર છે તેઓ સાનમાં સમજી જાય તો સારું. ક્રોધિત જનતાના આ વરસાદ સામે કોઈ છત્રી કામે નથી આવતી તેની પણ નોંધ લેવી જરૂરી છે.