મુંબઈ : ૧૨ એપ્રિલ ૨૦૧૨
‘ઈશ્કિયા’ની સિક્વલ ‘દેઢ ઇશ્કિયા’માં વિદ્યાના સ્થાને માધુરીનું આગમન
માધુરી દીક્ષિતે વિશાલ ભારદ્વાજની ‘દેઢ ઇશ્કિયા’ ફિલ્મ સાઇન કરી લીધી છે. આ ફિલ્મનું ડિરેક્શન અભિષેક ચોબે સંભાળવાના છે, જે વર્ષ ૨૦૧૦માં આવેલી ફિલ્મ ‘ઇશ્કિયા’ની સિક્વલ છે. ‘ઇશ્કિયા’માં નસીરુદ્દીન શાહ, વિદ્યા બાલન અને અરશદ વારસી મુખ્ય ભૂમિકામાં હતા.
આ અંગે માધુરીએ ટ્વિટ કર્યું છે કે, “હલ્લો ગાયઝ, ફરી એકવાર સાવધાન. સ્ટારની ‘લાઇફ ઓકે’ ચેનલ પર છું. હું ‘દેઢ ઇશ્કિયા’ની સાથે ઝલક... પણ કરી રહી છું. તમારા બધાની ધીરજ અને સહકાર બદલ ખૂબ ખૂબ આભાર.”
‘દેઢ ઇશ્કિયા’માં પણ નસીરુદ્દીન અને અરશદ હોય એવી સંભાવના છે. વર્ષ ૨૦૦૭માં માધુરીએ અમેરિકાસ્થિત ડોક્ટર શ્રીરામ નેને સાથે લગ્ન કરીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધી હતી. માધુરીની છેલ્લી ફિલ્મ ‘આજા નચ લે’ હતી. ત્યાર પછી વર્ષ ૨૦૧૧માં તે ‘ઝલક દિખલા જા’ નામનો શો જજ કરવા પરત ફરી હતી. આ દરમિયાન તેણે કાયમ માટે ભારતમાં રહેવાનો નિર્ણય લીધો હતો. ભારત પરત આવ્યા પછી ‘દેઢ ઇશ્કિયા’ માધુરીની પ્રથમ ફિલ્મ હશે.