મુંબઈ : ૧૨ એપ્રિલ ૨૦૧૨
કરીના કપૂરે એક પીણાની જાહેરખબર માટે રૂ. પાંચ કરોડની ડીલ કરીને પોતાની પ્રતિસ્પર્ધી કેટરિના કૈફને મ્હાત આપી છે. હાલ કેટરિના કૈફ એક મેંગો ડ્રિંકની બ્રાન્ડ એમ્બેસેડર છે. નવાઇની વાત તો એ છે કે, હમણાં સુધી કરીનાકપૂર એક કોલા કંપનીની બ્રાન્ડ એમ્બેસેડર હતી. આ કોન્ટ્રાક્ટ પૂરો થતા જ બેબોએ સહેજ પણ સમય બગાડયા વિના આ કંપનીની જ હરીફ પ્રોડક્ટ માટે કોન્ટ્રાક્ટ સાઇન કરી લીધો છે, અને તેના શૂટિંગની તૈયારી પણ ચાલુ થઇ ગઇ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, અત્યારે કરીના કપૂર પૂર કુલ ૧૬ બ્રાન્ડનું માર્કેટિંગ કરી રહી છે. કરીના ટેલિવિઝન પરની જાહેરખબરોમાં સૌથી વધારે દેખાતી અભિનેત્રી છે. વર્ષ ૨૦૧૧માં તેની અનેક ફિલ્મો સફળ થવાના કારણે તેને અનેક જાહેરખબરોની પણ ઓફર થઇ રહી છે.
કરીના કપૂરે મધુર ભંડારકરની બહુર્ચિચત ફિલ્મ ‘હીરોઇન’ માટે પણ ધરખમ રકમ મેળવી છે. આ ફિલ્મ માટે કરીનાને રૂ. આઠ કરોડ જેવી માતબર રકમ મળી છે. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક ફિલ્મ માટે એક પણ અભિનેત્રી આટલી રકમ મેળવવામાં સફળ થઇ નથી.
કરીનાના એક અંગત મિત્રના જણાવ્યા મુજબ, “બેબો પાસે અત્યારે ઢગલાબંધ ફિલ્મની ઓફર છે, પરંતુ તે પોતાની બ્રાન્ડ માટે પણ પૂરતો સમય કાઢી લે છે અને તેના માટે મ્હોં માંગી રકમ પણ વસૂલે છે.”
તાજેતરમાં જ કરીનાએ મુંબઇના બ્રેબોર્ન સ્ટેડિયમમાં પોતાની નવી બ્રાન્ડનું શૂટિંગ પૂરું કર્યું છે. આ જાહેરખબર સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યાનુસાર, કેટરિના અને અસીને પણ એક સોફ્ટ ડ્રિંકની જાહેરખબર કરી છે, અને તે યુવાનોમાં ખાસ્સી લોકપ્રિય બનશે.
આ અંગે કરીના કહે છે કે, “એ કોર્મિશયલ કેચી અને એન્ટરટેઇનિંગ હશે.” પરંતુ કરીનાએ જાહેરખબરની રકમ વિશે કહ્યું હતું કે, “ના, જાહેરખબરની ફી વિશે હું બિલકુલ વાત નહીં કરું.”