ભાવનગર, તા.૧ર
ભાવનગર શહેરમાં છેલ્લા એક માસથી બિનસત્તાવાર એકાતરે પાણી અપાતું હતું છતાં સત્તાવાર જાહેરાત કરાઈ ન હતી. આ અંગે અત્યાર સુધી ચુપ રહેલી મહાપાલિકાએ વ્યાપક દેકારાને ધ્યાને લઈ શહેરી વિકાસ વિભાગમાંથી સત્તાવાર પાણીકાપની જાહેરાત કરવા મંજૂરી માગવી પડી હતી. પરંતુ ક્રિકેટ મેચ રમવા ગાંધીનગર ગયેલા મેયર સુરેશભાઈ ધાંધલ્યાએ ગઈકાલે બુધવારે અનેક લોકોને આશા જાગે તેવું નિવેદન કરતા જણાવ્યું હતું કે, શહેરી વિકાસ મંત્રી સાથે પોતે કરેલી બેઠકમાં આગામી ૧લી મે પછી મહિપરીએજમાંથી ભાવનગરને વધુ ૧પ એમ.એલ.ડી. પાણી આપવામાં આવશે. આ જાહેરાતના ર૪ કલાક પણ નથી થયા ત્યાં આજે ગુરૂવારે સાંજે મહાપાલિકાએ સત્તાવાર એકાતરે પાણી કાપ જીકી દીધો હોવાની લેખીત યાદી અખબારી કચેરીઓ પર મોકલતા મેયરે જગાવેલા આશાવાદનો કહી શકાય કે ફિયાસ્કો થયો છે.
- એક માસથી બિનસત્તાવાર એકાતરે પાણી અપાતું હતું છતા સત્તાવાર જાહેરાત કરાઈ ન હતી
- બિનસત્તાવાર એકાતરે પાણી કાપ અંગે એક માસ પૂર્વે અને સત્તાવાર પાણી કાપ માટે ટાઈમટેબલની વાત સપ્તાહ પૂર્વે 'સંદેશ'એ પ્રસિધ્ધ કરી હતી
નપાણી મહાપાલિકાએ છેલ્લા એક માસથી લોકોને અંધારામાં રાખ્યા હતાં. ઠેરઠેર પાણીના દેકારા વચ્ચે પણ નગરસેવકોના ઘરે પાણીની રેલમછેલ થતી જોવા મળી હતી. નબળા વિપક્ષે પણ માત્ર મિડીયાના કેમેરા સામે આવે ત્યારે જ દેખાડા કરવા પાણી પ્રશ્ને વિરોધ કરેલો છે. આ પોકળ વિરોધને શાસકોએ લેશમાત્ર ગાઠયો નથી. ગઈકાલ સુધી વોટર વર્કસ ઈજનેર એમ.વી.રાઠોડ અને વોટર વર્કસ ચેરમેન મનભા મોરી પણ વધુ ર૦ એમ.એલ.ડી. પાણી મળશે એટલે પ્રશ્ન હલ થઈ જશે તેવા બણગા ફુકતા રહ્યા હતાં અને આજે ગુરૂવારે એજ વોટરવર્કસ ઈજનેરે કમિશનરની સુચનાથી લેખીતમાં એકાતરે પાણી કાપ જાહેર કરતી યાદીમાં જણાવ્યું છે કે મહિપરીએજમાંથી વધુ ર૦ એમ.એલ.ડી. પાણીનો જથ્થો મેળવવા પુરતો પ્રયાસ કરવામાં આવ્યો છે પરંતુ ઉનાળાના કારણે સૌરાષ્ટ્રના અન્ય શહેરોમાં પણ મહિના પાણીની વધારાની ડિમાન્ડના કારણે ભાવનગરને વધારાનો પાણી પુરવઠો મેળવવામાં મુશ્કેલી પડી છે. સાથોસાથ શેત્રુંજી પેરલલ પાઈપલાઈનનું કામ પુરતા પ્રયત્નો કરવા છતાં ઉનાળા પહેલા પુરૂ થઈ શકેલ નથી. જેના કારણે મહાપાલિકાની હાલની પાણી વિતરણ વ્યવસ્થામાં ફેરફાર કરીને અનિચ્છાએ એકાતરે પાણી આપવાનું આયોજન કરવું પડયું છે. આ નવી વ્યવસ્થા માટે સમગ્ર શહેરને બે જોનમાં વેચી એકાતરે પાણી વિતરણ કરવાનું સમયપત્રક બનાવાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે બુધવારે મેયર સુરેશભાઈ શહેરી વિકાસ મંત્રીને મળ્યા અને વધુ ૧પ એમ.એલ.ડી. પાણી મળશે તેવી ખાતરી અપાયાનું જણાવ્યું પરંતુ શહેરમાં એકાતરે પાણી કાપ ઝીંકવા વિસ્તારવાઈઝ ટાઈમ ટેબલ તૈયાર થઈ ગયું હોવાનું 'સંદેશ'એ ગત તા.પ એપ્રિલ ના રોજ પ્રસિધ્ધ કરી દીધું હતું અને શહેરમાં બિનસત્તાવાર એકાતરે પાણી કાપ ઝીકી દીધો હોવાનું 'સંદેશ'એ એક માસ પૂર્વે પ્રસિધ્ધ કરી પ્રજા સમક્ષ વાસ્તવિકતા મુકવામાં અગ્રેસર રહ્યું હતું. તેમ છતાં મહાપાલિકાના શાસકો અને તંત્રએ વાસ્તવિકતા કબૂલવાના બદલે ચહેરા પર મહોરા પહેરીને બે મોઢાની વાતો કરી હતી. જો કે આટલા દિવસ સુધી પ્રજાને અંધારામાં રાખનારી મહાપાલિકાને આખરે બધુ જ સત્તાવાર જાહેર કરવું પડયું છે.
ક્યા વિસ્તારમાં ક્યા દિવસે પાણી કાપ
શહેરના બે ગૃપ બનાવી એકાતરે પાણી કાપ જાહેર કરાયો છે. જેમાં ગૃપ-એ માં આવતા પિરછલ્લા, વોરાબજાર, કણબીવાડ, રાણીકા, ભગાતળાવ, ક.પરા, દિવાનપરા રોડ, કાળાનાળા, શિલ્પીનગર, બારસોહ મહાદેવની વાડી, આતાભાઈ, રૂપાણી, નવાપરા, સરદારનગર, અનંતવાડી, કલ્પના સોસા., સરિતા સોસા., મિલેટ્રી સોસા., ફુલસર, ઈન્દીરાનગર, વડવા, અમીપરા, ચાવડીગેટ, વિજયરાજનગર, બોરતળાવ, શિવઓમનગર, ગાયત્રીનગર, શહેરફરતી સડક, ઘોઘારોડ અને સુભાષનગરમાં એપ્રિલ માસ દરમિયાન તા.૧ર, ૧૪, ૧૬, ૧૮, ર૦ અને રર પાણી વિતરણ થશે અને વચ્ચેના દિવસોમાં પાણી કાપ રહેશે. જ્યારે ગૃપ-બી હેઠળ આવતાં ઘોઘાસર્કલ, મેઘાણી સર્કલ, આંબાવાડી, ડોન, ક્રેસન્ટ, દિપક ચોક, બોરડી ગેટ, શિશુવિહાર, આનંદનગર, જમના કુંડ, માણેકવાડી, ખેડૂતવાસ, નવાપરા, રસાલા કેમ્પ, હરિયાળા પ્લોટ, વિદ્યાનગર, મરીન સોસા., અનંતવાડી, કોલેજ, પોલીસ લાઈન, હોસ્પિટલ, કુંભારવાડા, નારી રોડ, હાદાનગર, મીલની ચાલી, એક્સલ-મફતનગર, વિઠ્ઠલવાડી, નિર્મળનગર, હિલડ્રાઈવ, સીંધુનગર, કાળીયાબીડ-ડી, કાળીયાબીડ, સાગવાડી, વિરાણી, સરદાર પટેલ સ્કૂલ, ભરતનગર, શ્રીનાથજીનગર, શિક્ષક સોસા. અને તળાજા રોડ પર તા.૧૩, ૧પ, ૧૭, ૧૯, ર૧, ર૩ અને રપ ના રોજ પાણી વિતરણ થશે, વચ્ચેના દિવસોમાં પાણી કાપ રહેશે.