ઈસ્લામાબાદ,13 એપ્રિલ
અમેરિકાની સાથે સંબંધો ફરીથી સુધારવા માટે પાકિસ્તાની સંસદે ગુરુવારે સર્વસહમતિથી એક પ્રસ્તાવ પારિત કર્યો હતો.પ્રસ્તાવમાં અમેરિકન ડ્રોન હુમલા તાત્કાલીક બંધ કરવાની અપીલ અને નાટો હવાઈ હુમલામાં 24 પાકિસ્તાની સૈનિકોની મોત પર માફીની માંગણી પણ કરવામાં આવી છે.
નેશનલ એસેમ્બલી (પાક સંસદનું નીચલુ ગૃહ) અને સેનેટ (ઉચ્ચગૃહ)ની સંયુક્ત બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલ સંસદીય સમિતિના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. તેમાં અમેરિકાની સાથે સંબંધો અને સમગ્ર વિદેશ નીતિના સંબંધમાં 14 ભલામણોનો સમાવેશ થાય છે.
રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે આ પગલાથી અફઘાનિસ્તાન જનાર નાટો આપૂર્તિ માર્ગને ફરીથી ખોલવાનો માર્ગ સહેલો થશે.ગત વર્ષે પાકિસ્તાની સરહદી ચોકીઓ પર નાટોના હવાઈ હુમલા બાદ આ આપૂર્તિ માર્ગ બંધ છે.
પ્રસ્તાવમાં કેટલીક ભલામણો ભારતની સાથે સંબંધો અને ક્ષેત્રીય મુદ્દાઓ સાથે પણ સંબંધીત છે. પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે ભારત-અમેરિકા અસૈન્ય પરમાણુ કરારથી વિસ્તારમાં વ્યૂહાત્મક સંતુલન બગડી ગયુ છે.તેથી પાકિસ્તાનને પણ અમેરિકા અને અન્ય દેશોની સાથે આ પ્રકારનો કરાર કરવો જોઈએ.