નિરામય - વૈદ્ય મનુભાઈ ગૌદાની
કાકાઈનું નામ કોઈ નહીં સાંભળ્યું હોય ? ઔષધરૂપે તેનો સીધો ઉપયોગ ખૂબ જ ઓછા પ્રમાણમાં થાય છે, પરંતુ વાળની વિકૃતિઓ માટે જેવી કે વાળ ખરી જવા, વાળ બટકી જવા, ખોડો થવો, ઉંદરી થવી, વાળની વૃદ્ધિ અટકી જવી વગેરેમાં અમે વૈદ્યો વાળની સ્વચ્છતા માટે એટલે કે વાળ ધોવા માટે ચીકાકાઈના ઉપયોગની ખાસ સૂચના આપવાના જ.
ચીકાકાઈમાં અરીઠા જેવા જ તત્ત્વો હોય છે, તેથી માથાના વાળ ધોવા માટે તેનો ઉપયોગ અરીઠાની જેમ જ કરી શકાય. ચીકાકાઈમાં સાબુ જેવા વાળને નુકસાન કરે એવા દાહક અને રુક્ષ ગુણો હોતા નથી.
તેમાં શીતળ અને સ્નિગ્ધ ગુણો હોવાથી વાળને રેશમ જેવા સુંવાળા બનાવે છે. સાબુમાં રહેલ કોસ્ટિક સોડા તેના દાહક ગુણથી વાળની ઉપર સૂક્ષ્મ ઉઝરડા પાડે છે, જેથી વાળની મજબૂતાઈ ઘટે છે. ચીકાકાઈમાં એક બીજો વિશેષ ગુણ ‘જંતુઘ્ન’ રહેલો હોવાથી તે માથાની ત્વચાની વિકૃતિઓ જેવી કે ઉંદરી, તપોડિયા, ખોડો, મસા, ખંજવાળ વગેરેને મટાડે છે. સાબુમાં આ ગુણ હોતો નથી. આ ગુણને ધ્યાનમાં રાખીને જ અમે વૈદ્યો તેના ઉપયોગની સલાહ આપીએ છીએ.
દક્ષિણ તેમ જ ઉત્તર ભારતમાં આ ચીકાકાઈનાં વૃક્ષો ઝાડીના રૂપમાં ઊગી નીકળે છે. દક્ષિણ ભારત કરતાં ઉત્તર ભારતમાં થતી ચીકાકાઈની સિંગો ગુણની દૃષ્ટિએ ઉત્તમ ગણાવાય છે.
ઔષધરૂપે તેની સિંગો અને પાન બંને વપરાય છે. ચીકાકાઈની સિંગોનો સ્વાદ અરીઠા જેવો સહેજ ખાટો, સહેજ કડવો અને વધારે પડતો તીખો હોય છે. ચીકાકાઈનાં પાન આમલી જેવા ખાટા અને રુચિ ઉપજાવનારા છે. ચીકાકાઈમાં બીજા ઘણાં ઔષધોય ગુણો રહેલાં હોય છે. જેવા કે, ચીકાકાઈની સિંગ કફને દૂર કરનાર અને વાયુનું અનુલોમન કરે છે. અનુલોમ એટલે નીચેની ગતિ. ઊલટીઓ કરાવવા પણ માટે ચીકાકાઈની સિંગોનો ઉપયોગ કરવામાં આવે છે. નાડીની ગતિ મંદ પડી ગઈ હોય એ વખતે તેનો ઉપયોગ કરવામાં ચીઆવે તો નાડીની ગતિ ઉત્તેજાઈને તીવ્ર બને છે. તેના ઉપયોગથી મૂત્રપ્રવૃત્તિ વધે છે. તેથી જ વૈદ્યો મૂત્રકૃચ્છ્ર, મૂત્રાઘાત, સોજો અને પથરીના રોગમાં તેને વાપરે છે.
તેનાં પર્ણો ખાટાં હોવાથી આમલીની જગ્યાએ વપરાય છે. તેનાં પર્ણોના ઉપયોગથી યકૃત એટલે કે લીવરની ક્રિયાને ઉત્તેજન મળે છે. તે જમવામાં રુચિ ઉત્પન્ન કરે છે અને તેનામાં અનુલોમન કરાવવાના ગુણો હોવાથી તે મળ પ્રવૃત્તિ સાફ લાવે છે.
ચીકાકાઈ વિશે વૈદકના પ્રાચીન ગ્રંથો ચરક અને સુશ્રુતમાં તેનો ઉલ્લેખ થયો છે, પરંતુ તેના નામમાં હજુ મતભેદ પ્રવર્તે છે. કોઈ એને સપ્તલા ગણે છે અને કોઈ એને થોરની જાત ગણે છે. આપણે એ મતભેદમાં પડવાની જરૂર નથી.
ચરક-સુશ્રુતમાં તેનો ઉપયોગ વાયુના અને ઉદરના રોગોમાં થયો છે. તે મૂત્રલ એટલે કે મૂત્ર પ્રવૃત્તિ વધારનાર અને મળનું સંશોધન કરનાર છે. પિત્તના કોઠાવાળા અથવા મૃદુ કોષ્ટવાળા તેના મૂળને સૂંઘે તો પણ રેચ લાગી જાય છે.
અરીઠાની જગ્યાએ માથાના વાળ સાફ કરવા માટે ચીકાકાઈ વપરાય છે. ચીકાકાઈનો સાબુ પણ બજારમાં મળે છે, પરંતુ સૌથી ઉત્તમ ઉપયોગ તો તેનો ઉકાળો બનાવીને વાપરવાનો ગણાવાય છે.
તેની સિંગોના ભૂકાનો ક્વાથ-ઉકાળો બનાવી સ્નાન કરવાથી માથાના વાળ સ્વચ્છ, સુંવાળા અને લાંબા બને છે. તેના ઉપયોગથી માથાનો ખોડો, જૂ, લીખ, ઉંદરી, ખરજવું વગેરે દૂર થાય છે. ખોડાને જડમૂળથી મટાડવા માટે તેનો નિયમિત ઉપયોગ હિતાવહ છે.
તેનો ઉકાળો બનાવવાની રીત આ મુજબ છે. આશરે ચાર ગ્લાસ પાણીમાં ૫૦ ગ્રામ ચીકાકાઈની સિંગોનો અધકચરો ભૂકો નાખી તેને ઉકાળો. ઉકાળતા જ્યારે પાણી બરાબર ઊકળે એટલે તેને નીચે ઉતારી ઠંડું પાડો. પછી આ ઉકાળાથી સ્નાન કરતી વખતે માથાના વાળ ધોવા. આ ઉકાળાથી જાણે સાબુથી માથું ધોતા હોઈએ એવા ફીણ વળે છે.
એક બીજો ઉપયોગ
ચીકાકાઈનાં પાન વાટી, મરીના ચૂર્ણ સાથે આપવાથી કમળો અને લીવરના રોગો મટે છે, તે પિત્તનું વિરેચન કરાવે છે. તેથી કમળાના દર્દીને ચીકાકાઈનાં પાન હિતાવહ છે. કારણ કમળામાં પિત્તના માર્ગોમાં સોજો આવવાથી તે બહાર પાચનતંત્રમાં આવી શકતું નથી અને તે અવરુદ્ધ થયેલું પિત્ત લોહી સાથે ભળવાથી કમળાના દર્દીની આંખ, નખ, જીભ, ત્વચા વગેરે પીળા પડી જાય છે. આમ ચીકાકાઈ પિત્તનું વિરેચન કરાવતું હોવાથી કમળાના દર્દીને માટે હિતાવહ છે. (ઉપયોગમાં માત્ર પાન જ લેવા). મર્હિષ ચરકે તેનો વિરેચન દ્રવ્યોમાં ઉલ્લેખ કર્યો છે. સુશ્રુતમાં તેનો અનેક રોગોમાં ઘણી જગ્યાએ ઉલ્લેખ થયેલો છે.
સંગ્રહણી જેવા કષ્ટસાધ્ય રોગોમાં તેનો ક્ષાર દ્યૃતનો પ્રયોગ ઉત્તમ પરિણામ આપે છે.
ખીલ, ખરજવું, દાદર અને ત્વચાના રોગોમાં તેનો ક્ષારદ્યૃતનો પ્રયોગ ઉત્તમ પરિણામ આપે છે.
ખીલ, ખરજવું, દાદર અને ત્વચાના રોગોમાં તેનો ઉપયોગ સ્નાનમાં કરવો એ વધારે હિતાવહ ગણાય.
આપનો પત્ર મળ્યો
વૈદ્યશ્રી મનુભાઈ,
બે મહિના પહેલાં મને શરદી થયેલી. છીંકો આવવી, વારંવાર ટાઢના ચમકારા લાગવા, માથું દુઃખવું, તાવ આવવો, ઉધરસ સતત આવવી વગેરે લક્ષણો છ-સાત દિવસ ચાલેલા. પછી શરદી તો મટી ગઈ, પરંતુ ઉધરસ હજુ પીછો છોડતી નથી. ખાંસી પણ કેવી ? ખૂબ જ આવે. ગળું બળે અને ઊલટી જેવું થઈ જાય. તો આ માટે આપ કોઈ એવો આયુર્વેદિક ઉપચાર અને સલાહ આપો કે જેથી મારી ઉધરસ મટી જાય.
- મહેન્દ્રભાઈ દવે (સુરેન્દ્રનગર)
ભાઈશ્રી મહેન્દ્રભાઈ,
એક બાબત યાદ રાખો, ખાંસી-ઉધરસ એ કફની પ્રધાનતાવાળી વિકૃતિ ગણાવાય છે. ઉધરસ શાથી થાય છે ? તેના કારણો વિશે અહીં નિરુપણ કરતો નથી. આપ આ પ્રમાણે ઉપચાર કરો. આપની ઉધરસ આ ઉપચારથી અવશ્ય મટી જશે.
* સૂંઠ, મરી અને લીંડીપીપર આ ત્રણે ઔષધો સારી જાતના લાવી, ખૂબ ખાંડી, બારીક ચૂર્ણ કરી બાટલીમાં ભરી લો.
* એક ચમચી જેટલું સીતોપલાદી ચૂર્ણ સવારે, બપોરે અને રાત્રે લો.
* વાસાસવ ચારથી છ ચમચીની માત્રામાં સવારે, બપોરે અને રાત્રે લો.