જીવનની ખાટીમીઠી - નિલમ દોશી
ઘણાં વરસો બાદ મોટીબહેન નિશા પોતાને ઘરે આવેલી હતી તેથી ઉમંગી ખુશ થઈ હતી. આમ તો બંને બહેનો વચ્ચે આવવા જવાનું બહું ઓછું બનતું. નિશા લાખોપતિ અને ઉમંગી અપરમીડલ ક્લાસ.. સારી રીતે રહી શકે એટલું જ ... બાકી નિશાની જેમ લાખોના દાન કરવા કે મંદિરોમાં ધજા ચડાવવી, ફંડફાળા આપવા... આવું બધું તેને માટે શક્ય નહોતું. ઉમંગી નિશાને ઘરે ખાસ જતી નહીં. ત્યાં માપસર ખાવાનું. માપસર બોલવાનું, એટીકેટમાં રહેવાનું, અમુક ટાઈપના જ કપડાં જોઈએ. એવી બધી ફોર્માલિટી સગી બહેનને ઘરે પણ કરવી પડે એ ઉમંગીને બહુ ફાવતું નહીં. કદાચ મોટાઓની જેમ માપસર જીવવું તેને ગમતું નહોતું. તેથી નિશા આગ્રહ કરતી તો પણ બને ત્યાં સુધી તે બહેનને ઘરે જવાનું ટાળતી. અલબત્ત બંને બહેનો વચ્ચે એવો કોઈ અણબનાવ નહોતો, પરંતુ બંનેનો સ્વભાવ, રહેણીકરણી, વિચારો બિલકુલ અલગ હતા અને નિશાના શબ્દોમાં પૈસાના રૂઆબની એક છાંટ તેને દેખાતી. અલબત્ત મોઢેથી નિશા કદી એવું કહેતી નહીં, પરંતુ ઘણી વાતો કહ્યા સિવાય પણ માણસને સમજાઈ જ જતી હોય છે ને ?
હમણાં ઉમંગીના શહેરની એક મહિલા સંસ્થામાં નિશાએ મોટું દાન આપેલું. તેનું સન્માન કરવા માટે ટ્રસ્ટીઓએ તેને બોલાવી હતી. તેથી નિશા બહેનને ઘરે આવી હતી. ઉમંગીએ હોંશથી બહેનને આવકારી. બંને બહેનો ક્યાંય સુધી વાતો કરતી રહી. આજે ઉમંગીએ બહેનને ભાવતી પૂરણપોળી અને ખાંડવી વગેરે બનાવવાનું નક્કી કરેલું. તેના ઘરમાં કંઈ બહેનની જેમ ચોવીસ કલાકનો ઘરઘાટી નહોતો તેથી સમય થતા તેણે બહેનને કહ્યું.
‘તું તારે આરામ કર... ત્યાં હું રસોડાનું કામ પતાવીને આવું છું. એમ કહી તે રસોડામાં ગઈ. ત્યાં નિશા તેની પાછળ આવી. ઉમંગી કામ કરતી ગઈ અને નિશા સાથે વાતો થતી રહી. ઉમંગી
પુરણપોળી બનાવતી હતી તે જોઈ નિશા બોલી ઊઠી.
‘અરે, આટલી બધી કોને માટે બનાવે છે ? હું તો માંડ એક ખાવાની.’
‘વધારે ક્યાં છે ? આઠ દસ તો માંડ થશે.
‘અરે, બાબા ગણીને જોઈતી હોય તેટલી જ બનાવને.... બધાની ગણી લે. કોણ કેટલી ખાશે ? તે મુજબ જ કરવાની.
ઉમંગીએ બહેનની સૂચના મુજબ ગણી. તેમાં નોકરની પણ ચાર પૂરણપોળી ગણી.
નિશા કહે,
‘તેં વળી ઘરઘાટી રાખ્યો છે ? અને રાખ્યો હોય તો પણ તેને ચાર થોડી અપાય ? એક તો બહુ કહેવાય. બાકી ઠંડી રોટલી કે જે વધ્યું હોય તે આપી દેવાનું.’
‘ના, ઘરઘાટી તો નથી. આ તો છૂટક નોકર છે. પણ હું રોજ બપોરે તેને અહીં જ જમાડી લઉં છું.’
‘કેમ ? તું કેમ જમાડે છે ?’
બસ એમ જ.... ખાસ કોઈ કારણ નથી. એ બિચારો છ સાત ઘરના કામ કરે છે. અને અહીં આવે ત્યારે મોટે ભાગે જમવાનો સમય જ હોય. તેથી મને થાય કે હું કંઈ તારી જેમ મોટા દાન તો નથી આપી શકતી કે એવું બીજું કશું ખાસ નથી કરી શકતી, પરંતુ એક માણસને ભરપેટ જમાડી શકું એટલે તો ભગવાને મને આપ્યું જ છે. બસ, એમ વિચારીને નોકરને જ રોજ પેટ ભરીને જમાડું છું. બીજા કોઈને શોધવા જવું એના કરતા આ યે બિચારો ગરીબ માણસ જ છે ને ? અને ક્યારેક બીજા કોઈ ઘરેથી એને જમવાનું આપ્યું હોય તો અહીં હું આપું એ પોતાને ઘરે લઈ જાય. ઘરે પણ નાના છોકરા છે એને ખવડાવે.’
‘અરે, તું યે ખરી છે. આ નોકરોને એમ માથે ન ચડાવાય. મારે ત્યાં તો તને ખબર છે. આખા દિવસનો ઘરઘાટી છે અને પાછો એક છૂટો નોકર પણ ખરો. હું જો આમ ખવડાવવા બેસું તો તો તારા બનેવીનું દેવાળું જ નીકળી જાય ને ?
નોકરને ખવડાવવાથી નિશાનું દેવાળું કઈ રીતે નીકળી જાય. ઉમંગીને સમજાયું નહીં. પરંતુ તે મૌન રહી ત્યાં નિશાએ આગળ સમજાવ્યું.
‘જો, મારે તો રસોઈ પણ એ જ કરે છે અને હમેશાં મારે ઘરે જ રહે છે એટલે જમાડવો તો પડે જ. પણ માપસરનું જ આપવાનું. જરાયે ખોટો બગાડ નહીં. જે શોભતું હોય તે જ શોભે. બાકી આ લોકોને તો પેટ નહીં પટારો જ હોય. આપીએ એટલું ખાધા જ કરે. ગમે તેટલું નાખો એમનું પેટ તો ભરાય જ નહીં.
હું તો એના ચોખા પણ અલગ જ રાખું અને તે પણ માપસર જ આપવાના અને આપણી ચા થઈ જાય પછી એ જ કૂચામાં પાણી અને જરાક દૂધ નાખી દેવાનું. આજકાલ બધી વસ્તુઓના ભાવ કેવા છે એ તો ખબર છે ને ? આવું બધું ધ્યાન ન રાખીએ તો તો ક્યાંય પાર જ ન આવે. પૈસો કંઈ મફત થોડો આવે છે ? આટલી સાદી સમજણ પણ તારામાં નથી. જો હવેથી ધ્યાન રાખજે. કદીક કંઈ વધ્યુ ઘટયું હોય ને આપીએ એ બરાબર... પણ એના માટે કંઈ આમ બનાવવા ન બેસાય.’
નિશા ન જાણે કેટલું યે બોલતી રહી. ઉમંગી ચુપચાપ પૂરણપોળી બનાવતી રહી. બહેનની આ સાદી સમજણ તેને કેમેય સમજાઈ નહોતી.