Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 19,2013 11:38:47 PM IST
 

આવકાર

Apr 13, 2012 Supplements > Stree
 
comment     E-Mail     Print    
 
Viewed: 1912
Rate: 5.0
Rating:
Bookmark The Article

નવલિકા - ગીતા ત્રિવેદી

અભિમન્યુ વિચારી રહ્યો કે, કોલેજમાં તદ્દન કદરૂપી દેખાતી કાજલ સૌંદર્ય સ્પર્ધામાં ભાગ લઈ શકે તેવી સ્વરૂપવાન કેવી રીતે બની હશે ?

આજે આવકારની પ્રથમ વર્ષગાંઠ છે. આવકાર એટલે હૃદયના ઉમળકાથી થતું સ્વાગત. માલસરમાં નર્મદાના સાંનિધ્યમાં લીલી વનરાજીની વચ્ચે લાલ પથ્થરોની નાની ઇમારત શોભી રહી છે તે જ આવકાર. આજુબાજુમાં આસોપાલવ, પીપળો, આંબો જેવાં વૃક્ષો આ ઇમારતને વધુ સજીવન કરી રહ્યાં છે. અહીં ભૌતિક સંપત્તિ હોવા છતાં લાગણી અને પ્રેમની સંપત્તિથી વંચિત એવા પ્રૌઢો અને વયસ્કો રહે છે.

આજે ઈમારતને સંપૂર્ણપણે રોશનીથી સજાવી દેવાઈ છે. આજે અહીં સાવ અનોખો પ્રસંગ ઉજવવાનો છે.

આવકાર સંસ્થાને સાકાર સ્વરૂપ આપવામાં જેનો મહત્ત્નો ફાળો છે તેવી કાજલને મળીએ. ત્રીસ વર્ષની ઉંમરે તે આટલાં બધાં વૃદ્ધોને ખૂબ લાગણી અને મમતાથી સાચવે છે.

આજે વડોદરાની એમ. એસ. યુનિર્વિસટીના કેટલાંક વિદ્યાર્થીઓ આવકારના સદસ્યો સાથે થોડોક સમય ગાળવા આવ્યા છે. તેઓ દરેક સભ્યો માટે કેક અને પ્રેમના પ્રતીકરૂપ નાની નાની ભેટો લાવ્યા છે.

દાંત વગરના બોખાં મોંથી કેકના ટુકડાને મોંમાં ચાવતા તેઓ તેમના જીવનની આ મહત્ત્વની પળને માણી રહ્યા છે. જેમને જીવનમાં ક્યારેય કોઈએ આ રીતે સમય આપ્યો હોય તેવું તેમને યાદ આવતું નથી.

આવનાર કોઈ તેમને દાદા, નાના, દાદી, મા, આજી, અમ્મા, આઈજી, ગ્રેની જેવા વિધવિધ સંબોધનોથી નવાજતા હતા. જો કે ભાષાથી પર તેમાંથી છલકાતી લાગણી આ તમામના હૃદયને સ્પર્શી જતી હતી.

વીણાબેન, મનસુખભાઈ, પ્રમોદભાઈ, લીલાબેન, સુબ્બા રાવ, મેરી આન્ટી, સુલભા આજી, કપૂર અંકલ જેવા દરેકની પોતાની એક વ્યથા-કથા છે. હા, તેઓમાં એક વાત સાવ સામાન્ય છે કે તેમનાં સંતાનો પરદેશ વસે છે અને તેઓ એક યા બીજા કારણે ત્યાં જઈ શકે તેમ નથી.

વીણાબેનની જ વાત લઈએ તો જ્યારે તે આ સંસ્થામાં આવ્યાં હતાં ત્યારે માનસિક રીતે હતાશ થઈ ચૂક્યાં હતાં. તેમનામાં જીવવાની ઇચ્છા મરી ચૂકી હતી. તે પોતાની જાતને ધરતી પરનો બોજ માનતાં હતાં.

કાજલે તેમનામાં ખાસ રસ લઈ તેમને જીવન પ્રત્યે હકારાત્મક અભિગમથી જીવતાં કર્યાં.

બીજે દિવસે સવારે સૌ બગીચાના બાંકડા પર બેસી ગઈકાલની માણેલી આનંદની પળોને વાગોળતા હતા. તેવામાં જ આવકાર’ના દરવાજામાંથી અંદર આવતા એક યુવાનને જોતાં લીલાબેન બોલી ઊઠયાં, “બેટા, અભિ તું અહીં ? એકાએક !” નજીક આવી વીણાબેનને પગે લાગી તેણે કહ્યું, “મમ્મી, તને મળવાનું બહુ જ મન થયું હતું. માટે એક અઠવાડિયા માટે આવ્યો છું.” હરખઘેલા થઈ ગયેલાં વીણાબેને કાજલને બૂમ મારતાં કહ્યું, “કાજલ બેટા, મારો અભિ મને મળવા આવ્યો છે.” ‘આન્ટી એક મિનિટ.” અભિમન્યુ એ ચિરપરિચિત અવાજને ઓળખવા મથી રહ્યો. નામ પણ એ જ હતું. તે કંઈક વિચારે તે પહેલાં એક ખૂબ જ સુંદર યુવતી તેની સામે આવી ઊભી રહી. વીણાબેને કહ્યું, “કાજલ, આ મારો દીકરો અભિમન્યુ.” કાજલે બે હાથ જોડી નમસ્તે કરતાં કહ્યું, “હું તેમને સારી રીતે ઓળખું છું. અમે એન. એમ. કોલેજમાં સાથે ભણતાં હતાં. સાંભળતા જ અભિમન્યુને વીજળીનો એક જોરદાર આંચકો લાગ્યો. આશ્ચર્યથી તેની આંખો પહોળી થઈ ગઈ. અભિમન્યુની આ સ્થિતિ જોઈ કાજલ અર્થસૂચક સ્મિત કરી ચાલી ગઈ.

અભિમન્યુ વિચારી રહ્યો કે, કોલેજમાં તદ્દન કદરૂપી દેખાતી કાજલ સૌંદર્ય સ્પર્ધામાં ભાગ લઈ શકે તેવી સ્વરૂપવાન કેવી રીતે બની હશે ?

સાંજના અભિમન્યુ આવકારના બગીચામાં ફરવા નીકળ્યો. દૂર એક બાંકડા પર બેઠેલી જોઈ તે તેની પાસે ગયો. કાજલ જાણે તેના મનનો સવાલ જાણી ગઈ હોય તેમ બોલી, “મારામાંનો ફેરફાર એક અકસ્માતની દેન છે.” વાત ઘણી લાંબી છે તમે બેસો.”

અભિમન્યુ સંકોચાઈને બાંકડા પર બેઠો.

કોલેજમાં મેં તમારી સમક્ષ મારા પ્રેમનો એકરાર કર્યો, પરંતુ તમે ‘માફ કરજો, પણ હું સૌંદર્યનો પૂજારી છું’ એવું કહ્યું ત્યારે મને મનોમન અફસોસ થયો કે મેં તમારી સમક્ષ વાત કરવામાં ઉતાવળ કરી હતી. મેં તમને જેવા ધાર્યા હતા તેવા તમે નહોતા.

આ બનાવના થોડા જ અઠવાડિયાં પછી હું મારી સખી સ્નેહા સાથે બસસ્ટોપ પર ઊભી હતી ત્યારે એક બાઈક ઝડપથી અમારી બાજુમાંથી પસાર થઈ ગઈ. બાઈક પર પાછળ બેઠેલા છોકરાના હાથમાં કંઈક હતું જે તેણે સ્નેહા તરફ ફેંકવા કોશિશ કરી, પરંતુ હું વચ્ચે આવી જતાં તે મારી પર પડયું. તે તેજાબ હતો. સ્નેહા ગભરાઈ ગઈ. આજુબાજુ લોકો ભેગા થઈ ગયા અને મને હોસ્પિટલમાં લઈ ગયા. જ્યાં મને પ્રાથનિક સારવાર આપવામાં આવી. મારો આખો ચહેરો વિકૃત થઈ રહ્યો હતો. સ્નેહાનાં માતા-પિતા ખૂબ જ શ્રીમંત હોવાથી મને પ્લાસ્ટિક સર્જરી માટે પરદેશ મોકલી મારી સાથે સ્નેહા પણ આવી હતી. પરદેશ મોકલવાની જરૂરી વિધિ માટે તેમણે મને દત્તક લીધી. જો કે તમારી જેમ મારી માતાને પણ હું નહોતી ગમતી. આથી તેણે પણ આસાનીથી મને દત્તક આપી દીધી.

પ્રેમ, હૂંફ, લાગણી, સંવેદના આ બધું મારા માટે કાગળ પરના શબ્દોમાં જ હતું. સ્નેહા અને તેનાં મમ્મી-પપ્પા, સોરી મારાં મમ્મી-પપ્પાએ પ્રેમ એટલે શું પ્રેમ વહેંચવાથી વધે છે તે અનુભવે શીખવ્યું.

પરદેશથી સારવાર લઈ પાછી ફરી ત્યારે મારો ચહેરો તદ્દન બદલાઈ ચૂક્યો હતો.

થોડા સમયમાં સ્નેહાની સગાઈ થઈ અને તે લગ્ન કરીને અમેરિકા ચાલી ગઈ. મારા માટે પણ મુરતિયાઓ આવતા, પરંતુ મેં પપ્પાને હ્યું, “પપ્પા, હું તમારી દીકરી નહીં, પણ દીકરો છું.”

એક દિવસ બ્રેકફાસ્ટ ટેબલ પર પપ્પાએ કહ્યું, “બેટા, અમને તો કાજલ મળી, પરંતુ જેમનાં સંતાનો પરદેશ વસતા હોય તેવા એકાકી વૃદ્ધોનું શું ?” તે જ વખતે મારા મનમાં ‘આવકાર’નું બીજ વવાયું. જે આજે વૃક્ષ બની તમારી સામે છે.

આ સંસ્થાને સાકાર સ્વરૂપ આપવા માટે અમે કામ શરૂ કર્યું. સૌપ્રથમ જગ્યા શોધવી જરૂરી હતી, કેમ કે વાતાવરણની અસર આપણા મન પર ઝડપથી થાય છે. ઘણી બધી જગ્યાઓ જોયા પછી નર્મદા નદીના કિનારે આવેલા માલસર પર અમે પસંદગી ઉતારી.

કોઈપણ જાહેરાત વિના સૌપ્રથમ અહીં પાંચ સદસ્યો આવ્યા હતા. આજે અહીં ચાલીસ સદસ્યો છે.

આર્િથક રીતે સમૃદ્ધ એવા વડીલો પાસે ખાલીપો છે જેને અમે સંવેદના અને હૈયાની હૂંફથી ભરીએ છીએ.

કાજલ એકધારું બોલતી રહી અને અભિમન્યુ તેને સાંભળતો રહ્યો. કોલેજમાં પણ ડિબેટ અને બીજા સાંસ્કૃતિક કાર્યક્રમમાં કાજલ હંમેશાં પ્રથમ રહેતી. આથી આજે તેની આવી અનોખી પ્રતિભા આગળ પોતે સાવ વામણો લાગી રહ્યો હતો. અઠવાડિયું રોકાઈને અભિમન્યુ અમેરિકા પાછો ફર્યો, પણ આ વખતે તેનું મન ભારતમાં અને તન અમેરિકામાં હતું. તેની મમ્મીને અને કાજલને અન્યાય કર્યાનો વસવસો તેને કાયમ સતાવતો. થોડા સમય પછી કાજલે વીણાબેનની બીમારીના ખબર ફોન દ્વારા અભિમન્યુને આપ્યા.

અભિમન્યુની અંગ્રેજ પત્ની તેને ભારત જવા દેવા તૈયાર નહોતી. તેણે અભિમન્યુને કહ્યું, “અભિ, જો તું જઈશ તો આપણે કાયમ માટે છૂટા થવું પડશે.” આ સંજોગોમાં મનમાની રકમ આપી તેણે પત્નીથી આસાનીથી છુટકારો મેળવી લીધો અને મનમાં એક નવા નિશ્ચય સાથે ડોલરિયા દેશને રામ રામ કર્યાં.

કાજલ અને અભિમન્યુની સેવા અને ડોક્ટરોની સમયસરની સારવારથી વીણાબેનને નવજીવન મળ્યું.

કાળની અકળ ગતિને કોણ જાણી શક્યું છે ? સંપૂર્ણ સ્વસ્થ દેખાતાં કાજલના પિતાને જીવલેણ હૃદયરોગનો હુમલો થતાં તેમણે જીવનલીલા સંકેલી લીધી. બીજાને લાગણીથી હિંમત આપનાર કાજલને આજે કોઈના આશ્વાસનની જરૂર હતી. અભિમન્યુની હાજરીને લીધે તે ધીમે ધીમે પુનઃ સ્વસ્થતા પ્રાપ્ત કરી રહી હતી. દિવાળી આવી રહી હતી.

અભિમન્યુ પાછા જવાનું બોલતો નહોતો. આથી એક દિવસ વીણાબેને તેને પૂછયું, “બેટા, અમેરિકા ક્યારે જવાનો છે ? દિવાળી આવે છે.”

મમ્મી, હું કાયમ માટે અહીં રહેવા આવી ગયો છું. ઊંબરામાંથી અંદર પ્રવેશતી કાજલે અભિમન્યુના શબ્દો સાંભળ્યા.

અભિમન્યુના શબ્દોએ કાજલની સંવેદનાને જગાડી અને તેની આંખોમાંથી અશ્રુ વહી રહ્યા જે રાતરાણીના છોડ પર પડી રહ્યા હતા. જેની સુગંધ ચોમેર ફેલાઈ રહી.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Columns/Editorial
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com