સાંપ્રત - રીના બ્રહ્મભટ્ટ
બજારમાં વિવિધ ચીજવસ્તુઓના વેચાણના સંદર્ભમાં ગ્રાહકો જ્યારે ખરીદી કરે છે ત્યારે વેચાણના સંદર્ભમાં અવેજ પેટે નાણાં ચૂકવી ગ્રાહકની વ્યાખ્યામાં આવે છે તેથી તેને એક ગ્રાહક તરીકે વસ્તુની વાસ્તવિક કિંમત જાણવાનો અને તે જ કિંમતે વસ્તુ ખરીદવાનો અધિકાર પ્રાપ્ત છે
વર્તમાન સમયમાં વિકાસ દર વધવાની સાથે સાથે લોકોની ખરીદશક્તિમાં વધારો થયો છે. જેના કારણે ઉપભોક્તાવાદ પણ વ્યાપક બન્યો છે. બજારમાં પ્રાપ્ત દરેક ચીજવસ્તુઓમાં ઉગ્ર હરીફાઈને પરિણામે આજે તમને એક જ ચીજવસ્તુમાં અનેક બ્રાન્ડ પ્રોડક્શનની ચીજો મળે છે. તેથી આજનો ગ્રાહક તેમ સમજીને ખરીદી કરે છે કે, હરીફાઈના આ યુગમાં તેને વસ્તુઓ તેના ભાવ કરતાં સસ્તી મળે છે, પરંતુ હકીકતમાં તમારી સાથે કેટલીક નામાંકિત કંપનીઓ અથવા તેના રિટેલ વેપારીઓ આ ચીજવસ્તુઓની વેચાણ કિંમત ઉપર અર્થાત્ પેકિંગ કરાયેલી ચીજવસ્તુઓ કિંમત બાબતે છેતરામણી કરતાં હોય છે. વિવિધ ચીજવસ્તુઓના વેચાણમાં વેપારીઓ ગ્રાહક પાસેથી એમઆરપી (મેક્સિમમ રિટેલ પ્રાઈસ) કરતાં પણ વધુ રકમ પડાવતાં હોય છે. આ અંગે ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિના પ્રદેશ પ્રમુખ મુકેશ પરીખે આ અંગે જણાવ્યું હતું કે, આ અંગે સરકારશ્રીનો પેકેજ્ડ કોમોડિટી રૂલ્સ રેગ્યુલેશનની અમલવારી અનિવાર્ય છે, પરંતુ ઉત્પાદકો-પેકર પેકિંગ કરેલ ચીજવસ્તુઓ પરના ધારાધોરણોનો અમલ કરતાં હોતા નથી. માન્યામાં ન આવે, પરંતુ કેટલીક કંપનીઓ તેમની ઉત્પાદક ચીજવસ્તુઓ બજારના ભાવ કરતાં કે એમઆરપી કરતાં પણ ઓછા ભાવે વેચતી હોય છે. દા.ત. કોઈક કંપનીના બોડી સ્પ્રેની કિંમત રૂ. ૧૨૫/- છે તેમ છતાં તે કેવળ રૂ. ૮૫/-માં જ મળે છે. આ જ રીતે અન્ય કેટલીક લેડીઝ કોસ્મેટિક ચીજો પણ એમઆરપી કરતાં ઓછી કિંમતે મળે છે. બજારની જ વાત કરીએ તો કેટલીક જથ્થાબંધ ભાવની દુકાનોમાં તમને શહેરભરની દુકાનોમાં જે ભાવ ચાલતો હોય તેના કરતાં એક રૂપિયા કે તેના કરતાં પણ ઓછા ભાવમાં આ ચીજો વેચાતી મળે છે.
વિશેષમાં દેશભરમાં મોટાં શહેરોમાં થોડા સમય અગાઉ કેટલીક નેશનલ અને મલ્ટિનેશનલ કંપનીઓએ મોટા પ્રમાણમાં મોલ્સ શરૂ કર્યા હતા અને તેની જાહેરાતોમાં સબસે સસ્તા જેવી જાહેરાતો કરાતી હતી. જેમાં તમને ખાંડ, તેલ, કરિયાણું, સાબુ, પાઉડર, મસાલા જેવી ઢગલાબંધ ચીજો ખરેખર બજાર કરતાં ઓછા ભાવે મળતી હતી. ત્યારે અહીં તે સવાલ ઊઠે કે, શું આ મોલ્સને જે તે ચીજવસ્તુઓ ઉત્પાદન કરતી કંપનીઓ અન્ય કરતાં ઓછા ભાવે માલ આપતી હતી જેથી તેઓ ઓછા ભાવે માલસામાન વેચતા હતા. તો તેનો જવાબ છે દરેક કંપનીમાં એમઆરપીનો ભાવ છથી સાત ટકા જેટલો વધારે કે અવાસ્તવિક હોય છે તેવું મુકેશ પરીખે જણાવ્યું હતું. જેના કારણે જે તે વેપારીઓ વધારે માલ વેચવા તેના નફાનો રેશિયો ઘટાડી દે છે. આમ અવાસ્તવિક ભાવ કે એમઆરપીને કારણે ગ્રાહકને સાચા ભાવનો ખ્યાલ આવતો જ નથી. તેથી જો તમને આ અંગેનો ખ્યાલ હોય તો તમે આવી વસ્તુઓની ખરીદી કરો ત્યારે બાર્ગેનિંગ કરી ભાવ ઓછા કરાવી શકો છો.
આ અંગે ચીજવસ્તુઓ ખરીદતા આટલું ધ્યાન રાખો.
૧. કોઈપણ ચીજની ખરીદી કરતી વખતે બિલ અવશ્ય લેવું.
૨. પાકું બિલ ન હોય તો વેપારી પાસેથી તેના વિઝિટિંગ કાર્ડની પાછળ રબર સ્ટેમ્પ સાથે તારીખ અને વિગત સાથે લખાવી લેવું.
૩. યાદ રાખો એમઆરપીથી પણ ઓછી કિંમતે તમને ચીજવસ્તુ મળી શકે છે.
૪. બાર્ગેનિંગ તે ગ્રાહકનો હક છે. (સ્ટાન્ડર્ડ ઉત્પાદકોની ચીજવસ્તુમાં ભાવમાં ખાસ બાર્ગેનિંગ ન પણ થાય).
૫. કેટલાક ઉત્પાદકોના ભાવો અવાસ્તવિક હોય છે. તેથી તેમાં તમને એમઆરપીથી ઓછા ભાવે વસ્તુ મળતી હોય છે અને તેથી જ આજે બજારમાં ઘણી વસ્તુઓ તેની એમઆરપીથી પણ ઓછી કિંમતે વસ્તુઓ વેચે છે.
ખરેખર તો સરકાર દ્વારા પેકેજ્ડ કોમોડિટી રૂલ્સ રેગ્યુલેશનનો ચુસ્ત અમલ ન કરાવાતો હોઈ એમઆરપી અંગે ગ્રાહકો છેતરાતા હોય છે એટલે કે તમે જે ચીજવસ્તુની ખરીદી કરો છો તેના ભાવમાં તમે છેતરાતા હોવ છો. ખરેખર તો આ અંગે ૧૯૭૭નો રૂલ્સ અમલમાં છે જ, પરંતુ બજારમાં તેમ છતાં કેટલીક બ્રાન્ડ કે વસ્તુઓમાં અવાસ્તવિક કિંમતે વેચાણ થતું હોય છે. બજારમાં વિવિધ ચીજવસ્તુઓના વેચાણના સંદર્ભમાં ગ્રાહકો જ્યારે ખરીદી કરે છે ત્યારે વેચાણના સંદર્ભમાં અવેજ પેટે નાણાં ચૂકવી ગ્રાહકની વ્યાખ્યામાં આવે છે તેથી તેને એક ગ્રાહક તરીકે વસ્તુની વાસ્તવિક કિંમત જાણવાનો અને તે જ કિંમતે વસ્તુ ખરીદવાનો અધિકાર પ્રાપ્ત છે. પેકેજ કોમોડિટીઝ રૂલ્સ ૧૯૭૭ અન્વયે પેક કરેલ પેકેજમાંથી ચીજવસ્તુઓની ખરીદી સમયે કઈ બાબતો ચકાસશો ?
૧. પેકિંગ કરેલી ચીજવસ્તુ.
૨. ઉત્પાદક/ પેકેરનું નામ/ સરનામું.
૩.ઉત્પાદન/ પેકિંગ કરેલ ચીજવસ્તુનો મહિનો અને વર્ષ.
૪. પેકિંગ કરેલ ચીજવસ્તુનું નેટ વજન.
૫. મહત્તમ વેચાણ કિંમત (એમ. આર. પી. , તમામ કરવેરા સાથે).
૬. બેસ્ટ બીફોર એક્સ્પાયરી ડેઈટ
(કાનૂની માપ વિજ્ઞાન તંત્ર, ગુજરાત)
સિનેમા-થિયેટરોમાં, હોટેલ, રેસ્ટોરન્ટ કે દુકાનોમાં લાખો ગ્રાહકોને આ રીતે છેતરાવાનો અનુભવ થતો હોય છે. આ દૂષણ વ્યાપક છે. ચીજવસ્તુઓના પેકિંગ ઉપર નિર્ધારિત નિશ્ચિત નાણાં દર્શાવવામાં આવેલ એમઆરપીથી પણ વધુ નાણાં પડાવી વેપારીઓ ખુલ્લેઆમ નફાખોરી આચરી ગ્રાહકોનું શોષણ કરે છે. વેપારીઓ એમઆરપીથી વધુ રકમ વસૂલ કરી વાસ્તવમાં તો ગ્રાહકો સાથે અનફેર ટ્રેડ પ્રેકિટ્સ આચરે છે. વેપારીઓ દ્વારા પેકિંગ કરાયેલ ચીજવસ્તુઓના વેચાણમાં એમઆરપી કરતાં પણ વધુ ભાવો પડાવવા તે ગ્રાહક વિરોધી વ્યવહાર છે.
સરકારના કાયદા-કાનૂનનો અને નિયમો અને ગ્રાહક સુરક્ષા ધારાનો આથી ભંગ થાય છે. ગ્રાહકોએ તેમની સાથે આ પ્રકારે છેતરામણી થાય ત્યારે ગુજરાત રાજ્યના કાનૂન માપવિજ્ઞાન તંત્ર (લીગલ મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ) ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિ તથા જિલ્લાઓમાં આવેલી સંબંધિત કચેરીઓના અધિકારીઓને લેખિત ફરિયાદ કરવી જોઈએ.
જો કે, આ સાથે તે બાબત પણ ધ્યાનમાં રાખવી જોઈએ કે, સસ્તી વસ્તુ કે સ્કીમ લેવાની લહાયમાં તમે કોઈ બોગસ કે ભેળસેળિયો માલ ઉઠાવી ન લાવો.
સસ્તા માલ કે સ્કીમવાળા માલમાં આવું બનવાના ચાન્સીસ વધુ માત્રામાં હોય છે અને તમે માલ ઉપર મફતમાં મળતી આવી ભેટો જોઈને મોટાભાગે લલચાઈ જાઓ છો અને તમે ભૂલી જાઓ છો કે, તમે જે ચીજ ખરીદી રહ્યા છો તેની ક્વોલિટી પણ તમારે ચકાસવી જોઈએ. તેથી જ જ્યારે તમે આવો માલ વાપરો છો ત્યારે તમને તેની ક્વોલિટી અંગે ભારોભાર પસ્તાવો થાય છે, પરંતુ પછી તમે કંઈ કરી શકતા નથી. માટે જ સસ્તું એટલું જ સારું તેવી પણ હરગીજ નહીં. ટૂંકમાં તમે જ્યારે કોઈપણ ચીજવસ્તુ વાપરો ત્યારે તેની એમઆરપી, એક્સપાયરી ડેટ અને વિશેષમાં તેની કંપનીની ખાસ તપાસ કરીને પછી જ તે ખરીદો.
કોઈપણ પ્રકારની લાલચમાં આવી જઈને તમે મફત ગિફ્ટને જ ધ્યાનમાં રાખીને માલ ન ખરીદો. અન્યથા આ મુદ્દે તમે કંપની કરતાં પણ વધુ જવાબદાર નીવડી શકો છો.