મંથન - શાંડિલ્યા
જિંદગી આવાં રહસ્યના સોનેરી ટુકડાઓ તો સમયાંતરે કોઈપણ રૂપે, કોઈના પણ મુખે ખોલી પણ નાખે છે તોયે તેને ઓળખવા કે અપનાવવાની તત્પરતા માનવનામનું અબુધ પ્રાણી ભાગ્યે જ દાખવે છે
મ તો જિંદગીની વ્યાખ્યા આપનારા આપણે કોણ ! આપણે તો ખુદ જિંદગીની પહેલીને સમજી રહ્યાં છીએ, મથી રહ્યાં છીએ, પણ આપણી આવી મથામણોની પરવા કર્યા વગર લાખો રહસ્યો પોતાના અકળ ઝોળામાં ધરબીને જાદુગર જિંદગી તો વહ્યે જ જાય છે. છતાં માનવમાત્રની હંમેશાંથી એ ઝોળો ખોલવાની ઝંખના રહી છે. એ અપેક્ષાએ કે, ક્યાંકથી કોઈક અણમોલ રહસ્યનો ટુકડો હાથ લાગી જાય. કોઈ એવો સ્પાર્ક દેખાઈ જાય જેનાથી જિંદગી જીવવી સરળ બની જાય.
અને જિંદગી આવાં રહસ્યનાં સોનેરી ટુકડાઓ તો સમયાંતરે કોઈપણ રૂપે, કોઈના પણ મુખે ખોલી પણ નાખે છે તોયે તેને ઓળખવા કે અપનાવવાની તત્પરતા માનવનામનું અબુધ પ્રાણી ભાગ્યે જ દાખવે છે.
ક્ષણે ક્ષણે સરકી જતી જિંદગી દરેક પાસેથી કંઈક એવું છીનવી લેતી હોય છે જે ફરી કદી ભરપાઈ ના થઈ શકે. સામે દેખાતા અંતને જોઈ પછી માણસ પસ્તાવો કરતો રહે કે જીવનભર જે કાંઈ કર્યું તે તો અર્થવિહીન ગધ્ધામજૂરી જ હતી. ખરું જીવવાનું તો રહી જ ગયું. ખોટી ભ્રમણાઓમાં વર્ષો વિતાડી દીધા પણ હાથ કશું લાગ્યું નહીં.
અને ખરેખર આવું જ બનતું હોય છે. મોટાભાગના લોકો ભૂતકાળની ભૂલોને વાગોળવામાં અને ભવિષ્યની અખૂટ ચિંતાઓને હૈયે ચોંટાડવામાં વ્યસ્ત હોય ત્યારે તેમની જાણ બહાર જે કાંઈ પસાર થઈ જાય છે તે જ છે જિંદગી.
ભૂતકાળનો ભાર અને ભવિષ્યની ચિંતા તો સૌને હોય છે, પણ તેમને બેઉ બગલમાં દબાવી સામે દેખાતી વર્તમાન ક્ષણોને ઝડપી લેવાની ઝિંદાદિલી હોય તેઓ જ જીવવાની ખરી મજા માણી શકે છે.
માણસ જન્મે છે ત્યારથી આસપાસ નાની-મોટી માંદગીથી લઈને મોંઘવારી તથા મૃત્યુ સુધીની અપરંપાર સમસ્યાઓ ડોળાં કાઢતી રહે છે. આપણને રોજ કંઈ કેટલાંય એવાં લોકો જડી આવશે જેમનો સતત જિંદગી સાથેનો ઝઘડો ચાલતો હોય. પારાવાર ફરિયાદો કરતાં, તેને સતત કોસતાં અને કદીયે ના ખૂટે તેવાં નિસાસા નાખતા લોકો જિંદગીને ધિક્કારતાં હોય છે, પણ એવાં લોકો ભાગ્યે જ મળશે જેમના માટે જિંદગી અદ્ભુત ચમત્કાર સમાન હોય. અનેકાનેક તકલીફો વચ્ચે પણ તેઓ ખીલી ઊઠતાં હોય. પેલા અણમોલ રહસ્યનો કોઈ ટુકડો જાણે તેમના હાથમાં આવી ગયો હોય તેમ એક ખુમારીથી, મસ્તીથી જિંદગીનો અર્થ માણી રહ્યાં હોય.
બે પરિચિતો સામે મળ્યાં. ખબરઅંતર પૂછતાં જ એક કહે આજે જ મારા દીકરાને ત્યાં દીકરો જન્મ્યો, પણ જવા દે ને... એક તો આટલી ગરમી ઉપરથી તે ઓપરેશનથી આવ્યો એટલે ચાર-પાંચ દિવસના દવાખાનાંના દોડા ધક્કા અને ડોક્ટરોના મસમોટા બિલ વગેરેથી હું એટલો તો કંટાળી ગયો છું કે વાત ના પૂછ... !!
બીજો કહે, મારા બાપુજી હજુ ચાર દિવસ પહેલાં જ દેવલોક પામ્યા છે. તે ગયા તેનું દુઃખ તો ખરું, પણ હું ખૂબ ખુશ છું. મને એ વાતનો સંતોષ છે કે, હું તેમની બધી ઇચ્છાઓ પૂરી કરી શક્યો. તેમની લાંબી ચાલેલી માંદગીમાં ખર્ચા તો ઘણા થયા, પણ એ બહાને અમારા પરિવારમાં પ્રેમ, સંપ અને ઉદારતા, સેવા વગેરેની ભાવના વધી... !
આમ એક માણસ જ્યાં ખુશ થવાનું છે, જિંદગીના આગમનનો ઉત્સવ માણવાનો છે ત્યાં પણ દુન્યવી સમસ્યાઓનો ખાલી પ્યાલો આગળ ધરી અને રોદણાં રડતો રહે છે. આવા લોકો જિંદગીની પીઠમાં ખંજર ભોંકે તેવાં નગુણા હોય છે.
જ્યારે બીજો માણસ જિંદગીને એટલી તટસ્થ રીતે મૂલવીને જીવી જાણે છે કે, સ્વજનનું મૃત્યુ જેવો દુઃખદ પ્રસંગ પણ તેમના આશાવાદને હલબલાવી શકતો નથી. જિંદગી ખુદ આવા લોકોની પીઠ થપથપાવે છે, તેમનો ખાલી પ્યાલો પણ વગર માગ્યે ભરી આપતી રહે છે. જો કે સતત સીધા રસ્તે જિંદગી ક્યારેય નથી મળતી. જીવનમાં આવતાં અનેક સુખદ, દુઃખદ વળાંકો મુજબ માણસે પણ વળવું, નમવું અને બદલાતા રહેવું પડે છે. જે તેવું નથી કરતાં તેઓ કાં તો ઠોકર ખાય છે અથવા માર્ગ ભટકી જાય છે. આજે લોકો દુઃખી એટલા માટે વધારે થાય છે, કેમ કે સૌને સુખ અને સમૃદ્ધિ જ જોઈએ છે. જન્મ્યા પછીની જિંદગી પાસેની સૌથી મોટી અપેક્ષા કહો તો આ જ હોય છે, પણ અફસોસ એટલો કે, જિંદગી જ્યારે દરિયો લઈને ઊભી હોય છે ત્યારે એ અબુધ પ્રાણી ચમચી લઈને ઊભો રહે છે...!! જ્યાંથી ખોબલે ને ખોબલે લૂંટી લેવાનું છે ત્યાંથી ચપટી ભરીને ચાલતો જાય છે અને જ્યારે ચૂકી ગયાનું આત્મજ્ઞાન લાધે છે ત્યારે જિંદગી હાથતાળી દઈ સરકી જવા, સમેટાઈ જવાના આરે ઊભી હોય છે. હા જિંદગી એટલી બધી દાનેશ્વરી કર્ણ જેવી ઉદારદિલ પણ ક્યારેય નથી હોતી. તે જે કાંઈ જેટલું પણ આપતી હોય છે ત્યારે સામે તેનું વળતર પણ માગતી હોય છે. ઘણું બધું મેળવવા માટે અહીં કંઈક તો આપવું જ પડે છે. જો આમ જ તે બે હાથે સૌનું ધારેલું લૂંટાવતી રહે તો સુખ-દુઃખનાં લેખાંજોખાં કોણ કરશે ? બાંધ્યા કર્મોની ચુકવણીના હિસાબ કોણ રાખશે ? એટલે જ સુખ મેળવવાના ઉધામા દરમિયાન બાંધેલા કર્મોના પોટલારૂપે તેની ચૂકવણી પણ કરવી જ પડે છે.
આમ ક્યારેક હસાવે છે જિંદગી તો ક્યારેક તે રડાવે પણ છે. માગ્યું મળી જાય ત્યારે મજેદાર લાગતી જિંદગી ધાર્યું ના થાય ત્યારે બદમાશ લાગે છે. જિંદગીભર ઘણું મથ્યા, ઘસાયા અને દોડયા છતાં પણ મનગમતું, માફકસરનું ના મળે ત્યારે તે નગુણી અને નફ્ફટ લાગવા લાગે છે. આવાં અભાવોથી ભાવ દરમિયાન જે અનુભવો થાય તે જ જિંદગીનો નિચોડ હોય છે.
ભાઈ શ્રી સુકેતુ દેસાઈ કહે છે કે, “ક્યાંક ટાંકો તો ક્યાંક ટેભો છે જિંદગીની અસલિયત.” આ એક જ લીટીમાં જિંદગીનું રહસ્ય જડી આવે તેમ છે. આજે મોટાભાગના લોકો જિંદગીથી ત્રસ્ત દેખાય છે. કારણ તેમણે જાતે જ તેમના જીવનમાં કૃત્રિમતા, નીરસતા અને ભ્રમણાઓની માયાજાળ ગૂંથી દીધાં છે. અનુકૂળતા મુજબ જીવન ગોઠવવાના બદલે મરજી મુજબ ગોઠવવામાં એટલાં ગૂંથાઈ ગયાં છે કે, જીવંતતા જ ગુમાવી બેઠાં છે. સુખ, આનંદ, ખુશીઓ વગેરેનો પર્યાય તેઓ ભૌતિક સાધન-સગવડોમાં જ શોધતાં રહે છે, પણ ખાબોચિયું ગમે તેટલું મોટું હોય અંતે તો સૂકાઈ જ જતું હોય છે. જિંદગીનાં રહસ્યોને, તેની માગને સમજતાં જઈ ખળખળ વહેતાં ઝરણાંની જેમ ખુલ્લા દિલે, ખેલદિલી અને ઝિંદાદિલીપૂર્વક જે મળ્યું તેને માણી લેવાના ઉત્સાહથી જીવાય તો તે જરૂર એક મજેદાર પ્રવાસ સાબિત થશે.
જિંદગી જીવવાના મુખ્ય તો બે જ વિકલ્પો નજરે પડે છે. તે છે આશાવાદ અને નિરાશાવાદ. અર્થાત્ પ્રેમ અને ધિક્કાર. જો પ્રેમનો રાજમાર્ગ પસંદ કરાય છે તો પછી ફરિયાદ જેવું કંઈ બચતું નથી. જે સુખ મળે કે દુઃખ સામી છાતીએ ઝીલી લેવા તમે સદાય તત્પર રહો છો અને જો ધિક્કારનો રસ્તો (વાટ) પકડો છો તો ઘણું ઘણું ગુમાવ્યા પછી પણ અંતે મળતું તો કંઈ નથી. ફક્ત ગુસ્સો અને રોદણાં જ આવે છે.
બે મુસાફર હતાં ટ્રેનમાં સાથે જ જતાં હતાં. મંજિલ એક જ હતી, પણ બેઉની વિચારસરણી તદ્દન ભિન્ન. એકે વિચાર્યું, આપણે મુકામે પહોંચવા સાથે મતલબ. રસ્તાના ઝાડી-ઝાંખરાં, સૂકીભઠ્ઠ નદીઓ, ઠેરઠેર ગંદકીના ઢગલા જોયા કરવા કરતાં અને આસપાસના અજાણ્યા લોકો વચ્ચે નાહકનું ગૂંગળાયા કરતાં મુકામ આવે ત્યારે સામાન લઈને ઊતરી જવાનું. એણે ભાતું ખોલી એકલાં જ પેટ ભરીને ખાધું. પાણી પીને માથે ઓઢી સોડ તાણીને સૂઈ ગયો.
બીજો મુસાફર ખૂબ આનંદી, આશાવાદી અને ઉત્સાહી હતો. તેણે વિચાર્યું કે, મંજિલ આવવાની તો હજુ ઘણી વાર છે. ત્યાં સુધી હું માર્ગની મજા પણ કેમ ના માણી લઉં. તેણે આસપાસ બેઠેલા મુસાફરો સાથે પરિચય બનાવ્યો. જીવનમાં ઘટેલાં સારા પ્રસંગો અને ગમ્મતની વાતોની ગોઠડી માંડી. સૌની સાથે ભાતું વહેંચીને ખાધું, આનંદના ઘૂંટડા ભર્યાં. વળી બારીની બહાર જોવાની તેને મજા પડી ગઈ. નદીઓનાં સૂકા પટમાં દૂરથી દેખાતાં નાનાં નાનાં ઝરણાંની લકીરો જોઈને ખુશ થઈ જતો. કતાર બનાવીને ઊડતાં પંખીઓ, વૃક્ષો વચ્ચેથી સંતાકૂકડી રમતો અને જોડે જોડે જ દોડતો સૂરજ, ઝાડી ઝાંખરા વચ્ચેથી ઊગી નીકળેલાં રંગબેરંગી ફૂલો વગેરે જોઈ તે ખૂબ હરખાતો. બારી બહારની જિંદગી સાથે આમ સતત સંવાદ સાધતો તે ઈશ્વરને બે હાથ જોડી વાહ તારી લીલા એમ બોલી પડતો અને અંતે મંજિલ આવતાં તે એવાં જ ઉત્સાહથી, હળવાશથી અને ભર્યા હૃદયથી સાથેના મુસાફરોની પ્રેમથી વિદાય લઈને ઊતરી ગયો. આમ જુઓ તો કંઈ નહીં, પણ ઝીણવટથી વિચારો તો ઘણો મોટો તફાવત આ બેઉ મુસાફરોમાં મળી આવે. જિંદગી સૌને સરખી જ મળે છે. મંજિલ પણ સૌની સરખી જ હોય છે, પણ આ બેમાંથી કેવાં મુસાફર બનીને આપણે જીવવાનું છે અને જવાનું છે તે આપણે ક્યારે નક્કી કરીશું ?
શીર્ષક પંક્તિ - સુકેતુ દેસાઈ