તંત્રી સ્થાનેથી
આપણા દેશમાં ઋતુપરિવર્તન ચક્રની સાથે ગૃહવ્યવસ્થા પણ જાણે સંકળાયેલી છે. દિવાળી જાય એટલે ચોખા- તેલ ભરવા, પછી આવે બટાકાની કાતરી, સારેવડા, સૂકવણીની સિઝન, પછીના ક્રમે આવે મસાલા, અથાણાં, તુવેરની દાળ અને ઘઉં ભરવાની સિઝન. થોડી હાશ થાય ત્યાં શરૂ થાય તહેવારો. ગૃહિણીના કામનું ચક્ર ઘડિયાળના કાંટા સાથે ચાલતું જ રહે છે. નવરાશ મળે છે વરસાદી મહિનાઓમાં.
ગૃહસંચાલન પણ એક આવડત માંગી લેતી કળા છે. પરિવારજનોની આહાર સુવિધા સાથે નીતનવા ભોજન, તંદુરસ્તી એ બધું ગૃહિણીની કુશળતા દર્શાવે છે. રોજિંદા ભોજનમાં અથાણાં પાપડ, ચટણી, સલાડ વૈવિધ્યતા લાવે છે. હોળી જતાં કેરીના ટોપલા દેખાવા લાગે છે. કેરીનો લીલો રંગ જ મન મોહી લે છે. આ કેરીના તાજાં બારમાસી ચટાકેદાર અથાણાં સિસકારા સાથે મોંમાં પાણી પણ લાવી દે છે. અથાણું, છૂંદા, મુરબ્બા બનાવવા એ એક લાંબી પ્રક્રિયા છે. અથાણાંમાં ભેળવાતાં મસાલા પણ કેટલા ગુણકારી હોય છે. મેથી વાયુ હરનારી, જીરું શીતળતા આપનાર, રાઈ ગરમાવો લાવે. મીઠું-સબરસ એ પાચક અને રુચિકર છે. હળદર, રક્ત અને રંગશુદ્ધિ કરતી હોવાથી લાભદાયી છે. મરચું તીવ્ર હોવાથી શીતપ્રકૃતિ ધરાવનાર માટે સારું છે. ગોળ ગરમી આપે છે તો તેલ શરીરને ઇજન પૂરે છે. ત્વચાને નરમ સુંવાળી બનાવે છે. વળી એમાંય લીંબુ, ગુંદા, ગરમર,ડાળા, ફળો અને શાકભાજીના અથાણાં એમ અથાણાંમાં પણ વૈવિધ્યતા જોવા મળે છે. છૂંદો-મુરબ્બો બનાવવાનું પણ ઘણી મહેનત માંગી લે છે. અથાણાં માટે મસાલા, કેરી, લીંબુ , ગુંદા, મરચાં, શાકભાજી અને ફળોની ખરીદીનું કામ પણ સમય અને આવડત માંગી લે છે. આપણે ત્યાં કહેવત છે કે ‘દાળ બગડી એનો દિવસ બગડયો અને અથાણું બગડયું એનું વરસ બગડયું.’ એટલે જેટલું અગત્યનું કામ અથાણું બનાવવાનું છે એટલું જ મહત્ત્વ તેની જાળવણીનું પણ છે. આવા અથાણાં તાજાં તો સારાં જ લાગે. પણ મહેમાનગતિમાં થાળીનું એક નજરાણું બની રહે છે. ગરીબ ઘરોમાં શાકની ગરજ સારતું ખાણું બની રહે છે અને ચોમાસામાં એનો ચમચમાટો મોંને ખૂબ ગમે છે.
સમય પરિવર્તનની સાથે નાસ્તા, વાનગીઓની જેમ અથાણાં પણ તૈયાર મળવા લાગ્યા છે. ગૃહિણીઓ વ્યવસાય જગતમાં વ્યસ્ત થતાં બજારું અથાણાંએ તેના કામનો બોજો ઓછો કર્યો. આ અથાણાંની માગ દિનપ્રતિદિન વધી એની સાથે સાથે અથાણાં ગૃહઉદ્યોગને વેગ મળ્યો. એથી જરૂરિયાત ધરાવતી સ્ત્રીઓને કમાઈ પણ મળી. છતાં આજે ઘણાં ઘરોમાં અગાઉની જેમ જ કાળજીપૂર્વક અથાણાં બનાવાય છે ત્યારે સમયની સાથે ચાલીને બહેનોને ઉપયોગી બનવા લઈને આવી રહ્યા છીએ, આ અથાણાં વિશેષાંક....