અમદાવાદ,તા.૧૩
ફિક્સ વેતનવાળા કર્મચારીઓને તમામ લાભો આપવા માટે તાજેતરમાં હાઈકોર્ટે આપેલા ચુકાદા મુજબ જો સરકાર લાભો નહીં આપે તો જલદ આંદોલન છેડવાની કોંગ્રેસે ચીમકી આપી છે.
- ભાજપ સરકાર યુવાનો વિરોધી છેઃ મોઢવાડિયા-ગોહિલ
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયા અને વિરોધપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે રાજયના દોઢ લાખ જેટલા ફિક્સ વેતનવાળા કર્મચારીઓને પુરો પગાર અને નોકરીમાં જોડાયા હોય ત્યારથી એરિયર્સ સાથે નાણા ચુકવી આપવા હાઈકોર્ટે સરકારને આદેશ કર્યો છે. ભાજપ સરકાર યુવાનો વિરોધી છે. રાજયના ઓળખસમા અનેક ઉદ્યોગો બંધ થયા છે અથવા તો મૃતઃપાય થયા છે. ભાજપ સરકાર માલેતુજારોની વકીલાત કરે છે.
એસ્સાર, અદાણીના કેસ હોય કે અન્ય મુડીપતિઓના કેસ હોય તેમાં સરકાર રીવ્યુ પીટીશન કરતી નથી. પરંતુ ગુજરાતના લાખો પરિવારને સીધી અસર કરતાં દોઢ લાખથી વધુ ફીક્સ વેતન કર્મચારીઓના પ્રશ્ને સરકાર રીવ્યું પીટીશન કાનૂની લડત આપીને અડચણો અને મુશ્કેલીઓ ઉભી કરી રહી છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ફિક્સ વેતન ધારકોની ન્યાયિક લડતમાં સ્પષ્ટ આદેશ છતાં રાજય સરકાર વધુ કાનૂની લડત આપીને રાજયના શિક્ષિત યુવાનોને અન્યાય કરી રહી છે. ભાજપ સરકારની રીવ્યુ પીટીશન ગુજરાત હાઈકોર્ટે ફેંકી દીધા બાદ પણ સરકાર સુધરવાનું નામ લેતી નથી.
ત્યારે કોંગ્રેસે માંગણી કરી છે કે જો હાઈકોર્ટના આદેશ મુજબ ફિક્સ વેતનવાળા કર્મચારીઓને તેમના લાભ નહીં આપવામાં આવે તો કોંગ્રેસ પક્ષ ન્યાય માટે ઉગ્ર આંદોલન કરશે.