અમદાવાદ, તા.૧૩
હાલમાં સળગી રહેલા સિંગતેલના ભાવો પાછળ ભાજપ સરકાર અને તેલિયા રાજાઓની સાંઠગાંઠ જવાબદાર હોવાનું જણાવી વિરોધપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે ઉમેર્યું હતું કે ભૂતકાળમાં કોંગ્રેસની સરકારો જ્યારે ખેડૂતોના ઘરમાં મગફળી આવે ત્યારે ગ્રોફેડ અને સહકારી સંસ્થાઓ દ્વારા મગફળી અને સિંગતેલનો બફર સ્ટોક કરાવતાં હતા. જેથી ખેડૂતોને મગફળીના પુરતા ભાવો મળે અને સિંગતેલના ભાવ ભડકે બળે ત્યારે તેના પર બફર સ્ટોકથી કન્ટ્રોલ રાખી શકાય.
- બફર સ્ટોક દ્વારા સિંગતેલના ભાવ પર પણ કન્ટ્રોલ રખાતો હતો
- કોંગી સરકાર મગફળીનો બફર સ્ટોક કરી ખેડૂતોને ફાયદો કરાવતી હતીઃ ગોહિલ
શક્તિસિંહ ગોહિલે વધુમાં જણાવ્યું હતું કે હવે અત્યારે ભાજપ સરકાર ખેડૂતોને પુરતા ભાવો મળે તેની ચિંતા કરતી નથી અને સંગ્રહખોરો સાથે સાંઠગાંઠ રચી ખેડૂતોના ઘરમાં મગફળી નથી રહી ત્યારે સિંગતેલના ભાવો આસમાને પંહોચાડે છે. ગુજરાતના પશુધન માટેનું ગૌચર છેલ્લા થોડા સમયમાં ખૂબ મોટા પાયે ઉદ્યોગપતિઓને મફતના ભાવે આપી દેવાયું છે. પરિણામે પશુપાલકો અને ખેડૂતોએ નાછૂટકે પોતાનું પશુધન કતલખાને મોકલવું પડે છે.
ગુજરાત સરકારના પેટ્રોલિયમ કોર્પોરેશનમાં ૧ર હજાર કરોડનો ભ્રષ્ટાચાર પકડાયો છે. તટસ્થ ઓડિટ કરતી કેગ જેવી સંસ્થાએ છેલ્લા એક વર્ષમાં ગુજરાતના મુખ્યમંત્રીએ ૧૬૭૦૬.૯૯ કરોડનો ભ્રષ્ટાચાર કર્યો છે તે પકડી પાડેલું છે. વિધાનસભામાં વિરોધપક્ષના નેતા અને બાદમાં સમગ્ર વિરોધપક્ષને સસ્પેન્ડ કરી લોકશાહીનું ખૂન કર્યું છે.
ખેડૂતોને દિવસે પુરતી વીજળી અપાતી નથી. નગરોમાં વસતાં લોકોને ઘરનું ઘર મળે તેવી કોઈ વ્યવસ્થા નથી. દેશમાં સૌથી વધુ વેટ ગુજરાતમાં લેવાય છે. દેશમાં સૌથી મોંઘું પેટ્રોલ અને ડીઝલ ગુજરાતમાં છે. ફિક્સ પગારના કર્મચારીઓને પુરતો પગાર મળતો નથી.
તેમણે વધુમાં કહ્યું હતું કે નગરપાલિકાઓમાં જકાત બંધ કરાવી અને વેટમાં જકાતની રકમ ઉમેરી સરકાર વસૂલાત કરી રહી છે. પરંતુ તેની સામે જકાતના વિકલ્પની ગ્રાન્ટમાં વધારો અપાતો નથી. આ બધા પ્રશ્નોને વાચા આપવા કોંગ્રેસ જનસભાઓ યોજી રહી છે. જેમાં આગામી સોમવારે કલોલ ખાતે સાંજે ૭ વાગ્યે જનસભાનું આયોજન કરાયું છે.