ન્યૂ હેવન, તા. ૧૩
USનાં કોઈ એરપોર્ટ પર શાહરુખને અટકાવાયો હોય તેવું ત્રીજી-ચોથી વાર બન્યું
કિંગ ખાનને યેલ યુનિર્વિસટીના કાર્યક્રમમાં પહોંચવામાં બે કલાકનો વિલંબ થયો
બોલિવૂડનો બાદશાહ શાહરુખખાન અહીંની યેલ યુનિર્વિસટીના સ્ટુડન્ટ્સને સંબોધવા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીનાં પત્ની નીતા અંબાણી સાથે એક ખાનગી વિમાનમાં ન્યૂયોર્કનાં એરપોર્ટ પર ઊતર્યો ત્યારે ઇમિગ્રેશન અધિકારીઓએ તેને બે કલાક માટે અટકાયત હેઠળ રાખ્યો હતો.
નીતા અંબાણીને અને ટીમના અન્ય સભ્યોને તત્કાળ ઇમિગ્રેશન ક્લિયરન્સ મળી ગયું હતું જ્યારે શાહરુખને અટકમાં લેવાયો હતો અને બે કલાક બાદ ઇમિગ્રેશન ક્લિયરન્સ અપાયું હતું. નોંધનીય છે કે અમેરિકાના કોઇ એરપોર્ટ પર શાહરુખને અટકાવાયો હોય તેવું આ પહેલી વખત નહીં પણ ત્રીજી-ચોથી વાર બન્યું છે. આ અગાઉ છેલ્લે ૨૦૦૯માં શાહરુખને ન્યૂજર્સીનાં નેવાર્ક એરપોર્ટ પર પણ અટકમાં લેવાયો હતો.
૪૬ વર્ષીય શાહરુખ સ્થાનિક સમયાનુસાર બપોરે ૨.૦૦ કલાકે પ્રેસ કોન્ફરન્સને સંબોધવાનો હતો અને ૪.૦૦ કલાકે યેલ યુનિર્વિસટી ખાતે લેક્ચર આપવાનો હતો, જોકે, તેને ન્યૂયોર્કના વ્હાઇટ પ્લેઇન્સ એરપોર્ટ ખાતે બે કલાક સુધી અટકાયત હેઠળ રખાતાં તે પ્રેસ કોન્ફરન્સ માટે ત્રણ કલાક મોડો પહોંચ્યો હતો અને યેલ યુનિર્વિસટી ખાતે તેનું એક કલાક લાંબું લેક્ચર સાંજે ૬.૦૦ કલાકે શરૂ થઇ શક્યું હતું.
યેલ યુનિર્વિસટી દ્વારા શાહરુખને પ્રતિષ્ઠિત Chubb ફેલોશિપથી સન્માનિત કરાયો હતો. ફેલોશિપના ભાગરુપે કિંગખાને યેલ કેમ્પસમાં સ્ટુડન્ટ્સ, પેરન્ટ્સ, ફેકલ્ટી તથા ભારતીય-અમેરિકી સમુદાયના અન્ય સભ્યોને સંબોધ્યા હતાં. બ્લેક કલરના સૂટમાં સજ્જ શાહરુખે લેક્ચર શરૂ કરતાં પહેલાં કહ્યું હતું કે, તેની ફ્લાઇટ ઘણી લાંબી રહી. તેણે પોતાને અમેરિકા લાવવા બદલ મુકેશ-નીતા અંબાણીનો આભાર પણ માન્યો હતો.
મુકેશ-નીતા અંબાણીની પુત્રી ઈશા યેલની સ્ટુડન્ટ છે અને યુનિર્વિસટીની સાઉથ આફ્રિકન સોસાયટીની પ્રેસિડેન્ટ પણ છે.