રાજકોટ તા.૧૩
યુવતીની ચિકિત્સા દરમિયાન વિનયભંગ કર્યાના સણસણતા આક્ષેપનો સામનો કરી રહેલા આગમ દિવાકર જનકમુનિ મહારાજના સુશિષ્ય શાસ્ત્ર દિવાકર મનોહરમુનિએ ઘટનાના સાત દિવસ બાદ મુંબઈના એક અખબાર સમક્ષ નિવેદન આપી જણાવ્યુ હતું કે, જે કંઈ બન્યુ એ 'મારી સાધુતાને દાગ લગાડવા અને મને મુંબઈ છોડાવવાનાં ષડયંત્રનો ભોગ બન્યો છું ' મને યુવતી કે, એના પરિવાર પ્રત્યે જરા પણ દ્વેષ નથી, એ ષડયંત્રમાં હાથો બની ગયા છે. હું આ ઘટના બની એ દિવસથી જ એને મારા કર્મનો ઉદય ગણું છુ. હું લોકઅપ, જેલમાં રહ્યો એ વખતે પણ ધ્યાન, જાપ અને માળા ગણવામાં જ વ્યસ્ત રહ્યો હતો. હું પહેલા દિવસથી જ સ્વસ્થ છું , કારણ કે, હું સાચો છું.
મારા ગોંડલ સંપ્રદાયના વડીલ ગુરૃ ગિરિશમુનિ મહારાજ સાહેબે ગઈ કાલે જ મને સંદેશો મોકલ્યો છે કે, ગોંડલ સંપ્રદાયે કરેલી સંપૂર્ણ તપાસમાં તમો નિર્દોષ છો. એમ, જણાવ્યું છે. મુંબઈ ખાતે એક અખબાર સમક્ષ મુનિશ્રીએ જણાવ્યુ હતુ
- મને યુવતિ કે એના પરિવાર પ્રત્યે જરા પણ દ્વેષ નથી, એ ષડયંત્રમાં હાથો બન્યા છે
કે, મારા ગુરૃદેવ જનકમુનિ મહારાજ દોઢ વર્ષ પહેલા કાળધર્મ પામ્યા એ પછી મેં મુંબઈમાં જે રીતે અલગ અલગ સંઘમા મારી પ્રતિષ્ઠા પ્રસ્થાપિત કરી છે. એને દાગ લગાડીને મને મુંબઈની બહાર કાઢવાનું આ એક મારી સામે રચાયેલું ષડયંત્ર છે. જેનો હાથો યુવતી અને એના કુટુંબીજનો બન્યા તથા હું એનો ભોગ બન્યો છે. આ યુવતીના કુટુંબીજનો સાથે આ કંઈ પહેલી મુલાકાત ન્હોતી. હુ અને યુવતીના કુટુંબીજનો ૧૯૯૫થી એકબીજાને ઓળખીએ છીએ. યુવતીના પિતાએ મને ૨૦મી માર્ચના રોજ એમની ઓફિસમાં પગલા કરવા બોલાવ્યો હતો. ત્યાં તેમણે મને યુવતીનો પરિચય કરાવતા કહ્યુ હતુ કે, તે બહુ ડીપ્રેશનમાં આવી જાય છે. તેનો કંઈ ઉપચાર કરો..ત્યારે મેં કુટુંબીજનોની વચ્ચે જ તે યુવતીના માથામાં વાસક્ષેપ નાંખ્યો હતો. ફરી તા.૩૧ માર્ચે યુવતીના દાદા પપ્પા, કાકા અને ભાઈ તેને લઈન મુલુંડના સેવારામ લાલવાણી માર્ગ પર આવેલા મુલુંડ સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘમાં મારી પાસે આવ્યા હતા. એ દિવસે પણ મેં માથામાં વાસક્ષેપ નાખી તેમને મોકલી દીધા હતા. ત્યાર પછી તેનામાં વધુ સુધારો થયો છે. એમ કહી ૬ એપ્રિલે સાંજે ૪ વાગ્યે મારી પાસે આવ્યા હતા. ત્યારે પણ બધાની વચ્ચે જ વાસક્ષેપ નાંખ્યો હતો. મેં કોઈને એકલા રૃમમાં બેસાડયા ન હતા. હું યુવતીને બધાની વચ્ચે જ મળ્યો છુ. આમ છતાં તેમણે મારા પર આવડો મોટો આક્ષેપ કરીને મને કેમ સંડોવ્યો એની સમજણ પડતી નથી. એટલુ જ નહીં કોઈ ઘટના બન્યા વગર માત્ર ૧૫ મીનીટમાં ત્યાં પોલીસ આવી ગઈ એનાથી મને આ ષડયંત્ર હોવાની શંકા જાગી હતી. નવાઈની વાત એ હતી કે યુવતી અને એના કુટુંબીજનોની વાત માનીને મને લોક અપમાં બેસાડીં દીધો હતો. પોલીસે હજુ મારી કોઈ પુછપરછ કરી નથી.