ભાવનગર, તા.૧૩
ભાવનગર-ધોલેરા હાઈ વે પરના ભડીયાદ પીર દર્શને જતાં ભાવનગરના નવાપરા વિસ્તારના મુસ્લિમ પરિવારની જીપને અકસ્માત નડયો હતો. જેમાં ઘટનાસ્થળે યુવાનનું મૃત્યુ નીપજ્યું હતુ. ત્યારબાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન વધુ બે મહિલાના મોત નીપજ્યા હતા. દરમિયાનમાં આજે શુક્રવારે સારવાર દરમિયાન ઘરના મોભી વૃધ્ધનું પણ મૃત્યુ નીપજ્યું હતુ. આમ, વાહન અકસ્માતમાં એક જ પરિવારના ચાર વ્યક્તિઓના મોત નીપજ્યા છે.
- વૃધ્ધનું પણ મૃત્યુ નીપજ્યું : એક જ પરિવારના ચાર વ્યક્તિના મોતથી મુસ્લિમ સમાજ શોકગ્રસ્ત
પ્રાપ્ત માહિતી મુજબ શહેરના નવાપરા વિસ્તારમાં ડોસલીનું નેરૃ, ચબુતરા પાસે રહેતા ઉમરભાઈ વલીભાઈ શાહ તેમના પરિવાર સાથે ગઈ તા.૪ ના બુધવારે તુફાન જીપ નં.જીજે.૪.એક્સ.૯૭૧૪ મારફતે ભાવનગર-ધોલેરા-અમદાવાદ હાઈ વે પરના ભડીયાદપીરની દરગાહ ખાતે દર્શન કરવા જતાં હતા, ત્યારે બાવળીયારીથી ત્રણેક કિ.મી. દુર પહોચતા સામેથી પુરપાટ ઝડપે આવતી સેન્ટ્રો કારને બચાવવા જતાં ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા જીપ નાળા પરથી પલટી મારી જતાં તેમાં બેઠેલા હનીફભાઈ ઉમરભાઈ શાહ(ઉ.વ.૩પ) નું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. તેમજ ઈજાગ્રસ્તોને ભાવનગર દવાખાને ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન રૃકસાનાબેન ફિરોજભાઈ શાહ(ઉ.વ.૩ર) નું સર ટી. હોસ્પીટલમાં રાત્રીના ૩-૪પ કલાકે મોત નિપજ્યું હતું. જ્યારે નસીમબેન હનીફભાઈ શાહ(ઉ.વ.૩૩) નું ખાનગી હોસ્પીટલમાં સારવાર દરમ્યાન મૂત્યુ થતા અકસ્માતમાં મોતનો આકડો ત્રણે પહોચ્યો હતો. દરમિયાનમાં અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ઉમરભાઈ વલીભાઈ શાહ (ઉ.વ.૬૦) નું આજે શુક્રવારે સાંજે પ વાગ્યાની આસપાસ સ્થાનિક સર તખ્તસિંહજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતુ. આમ, વાહન અકસ્માતમાં એક જ પરિવારની બે મહિલા સહિત ચાર વ્યક્તિના મોત નીપજતાં નવાપરાના મુસ્લિમ ઘાંચી સમાજમાં શોકનું મોજુ ફરી વળ્યું હતુ.