વડોદરા,તા. ૧૩
શહેરના તરસાલી રોડ પર ગઈકાલે ગુરૃવારે મોડી રાતે હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. તરસાલીથી બરોડા ડેરી તરફ આવી રહેલા વૈભવી કારના ચાલકે પુરઝડપથી ફૂટપાથ પર કાર ચઢાવી દેતાં ખાટલા પર સુતેલાં શ્રમજીવી અને તેમની પાંચ વર્ષની કુમળી વયની દીકરીનુંં ઘટના સ્થળે કમકમાટીભર્યુ મોત થયું હતું. બનાવને પગલે આસપાસના રહીશો દોડી આવ્યા હતા. જયાં ફૂટપાથ પર પાંચ વર્ષની માસૂમ બાળા કાર નીચે ચગદાઈ જતા અરેરાટીભર્યા દ્શ્યો સર્જાયા હતા. બેફામપણે કાર હંકારી પિતા-પુત્રીને કચડયા બાદ કાર ચાલક ઘટનાસ્થળથી ફરાર થઈ ગયો હતો. જો કે કારનંબરના આધારે પોલીસે ડઈવરની ધરપકડ કરી હતી. કાર એટલી ભયાનક સ્પીડમાં હતી કે માસૂમ બાળા અને તેના પિતા ૩૦થી ૪૦ મીટર કાર સાથે ઘસડાયા હતા. જેના કારણે લોહીના ખાબોચિયા ભરાયા હતા.
- નિંદર માણી રહેલી પાંચ વર્ષની માસૂમ બાળા કચડાઈ જતા અરેરાટીભર્યા દ્રશ્યો સર્જાયા
- રાહદારીએ આપેલા કાર નંબર ઉપરથી પોલીસે માલિકને શોધી કાઢયા
શહેરના મકરપુરા તથા તરસાલી વિસ્તારમાં મજૂરી કામ કરતાં શ્રમજીવીઓ તરસાલી રોડ પર ઓએનજીસી કંપનીના છેલ્લા ગેટ પાસે ફૂટપાથ પર બસ સ્ટોપ નજીક ઝૂપડા બાંધીને કબીલા સાથે રહે છે. આ શ્રમજીવીઓ દાહોદના વતની છે. ગઈકાલે ગુરૃવારે રાતે રોજિંદા નિત્યક્રમ મુજબ શ્રમજીવીઓ ઝૂપડા પાસે ખાટલા નાંખીને સુઈ ગયા હતા. મોડીરાતે સાડા દસથી અગિયારના ગાળામાં તરસાલી તરફથી એક વરના કાર બરોડા ડેરી તરફ ધસમસતી આવતી હતી. બેફામ સ્પીડમાં આવતી વરના કારના ચાલકે સ્ટિયરિંગ ઉપરથી કાબુ ગુમાવતાં ચાલકે ફૂટપાથ ઉપર કાર ચઢાવી દેતાં ખાટલા ઉપર સુતેલાં શ્રમજીવી મુકેશ નરસિંહ ડામોર ( ઉ.વ.૩૫ ) અને તેમની પાંચ વર્ષની માસૂમ બાળકી શિવાની ( ઉ.વ.૫ ) લોહીલુહાણ હાલતમાં ૩૦થી ૪૦ મીટર કાર સાથે ઢસડાયા હતા. જેના કારણે રસ્તા પર ઠેર ઠેર લોહીના છાંટા અને ખાંબોચિયું ભરાયું હતું.
ઉંઘમાં જ કારની અડફેટે ચઢી ગયેલી માસૂમ બાળા અને તેના પિતાની દર્દનાક ચીસો પાડી હતી. પરંતુ ચાલકે કાર રોકવાની બદલે ભગાવી હતી. આખરે કારની સાથે ઘસડાયેલી બાળા અને તેના પિતા છુંદાઈ ગયેલી હાલતમાં રસ્તા પર જ ફસડાઈ પડયા હતા અને ત્યાં જ ઘટનાસ્થળે મોતને ભેટયા હતા. આ ધૃણાસ્પદ ઘટના દરમિયાન બાળકી અને પિતાની દર્દનાક ચીસોને પગલે આસપાસના લોકો પણ ઉમટી આવ્યા હતા. આવી પરિસ્થિતિ વચ્ચે કાર ચલાવનાર નાસી છૂટયો હતો. ત્યારે એક રાહદારીએ કારનો નંબર જોયો હતો. રાહદારીએ આપેલા કાર નંબર ઉપરથી મકરપુરા પોલીસે આરટીઓ ઓફિસમાંથી કાર માલિકનું માંજલપુર અમરનાથપુરમ સોસાયટી ખાતેનું સરનામું શોધી કાઢયું હતું. આ કાર માંજલપુર અમરનાથપુરમ સોસાયટીમાં રહેતા રશ્મીકાબેન પ્રજ્ઞોશભાઈ પટેલની હતી. જેઓની પૂછપરછમાં એવી વિગત સપાટી પર આવી હતી કે, કાર ગઈકાલે રાતે ૧૦-૩૦ થી ૧૧-૦૦ના ગાળામાં ડ્રાઈવર પાસે હતી. ડ્રાઈવર નરસિમ્હા શંકર રેડ્ડી (રહે, સુરભી પાર્ક, લક્ષ્મીનારાયણ મંદિર પાસે, માંજલપુર)ની પૂછપરછ કરતાં શરૃઆતમાં તેણે અકસ્માતનો ઈન્કાર કર્યો હતો. પરંતુ પોલીસે કડકાઈથી પૂછપરછ કરતાં આખરે તેણે કબૂલાત કરી હતી. શ્રમજીવી પિતા- પુત્રી ઉપર કાર ચઢાવીને મૃત્યુ નીપજાવવાના બનાવમાં ડ્રાઈવરની શુક્રવારે સાંજે ધરપકડ કરીને તપાસ આગળ ધપાવી છે.
કારનું રાતોરાત ટચિંગ પણ કરી દેવાયું
એક રાહદારીએ આપેલા કાર નંબર પરથી મકરપુરા પોલીસે આરટીઓની મદદથી કારના માલિકને શોધી કાઢયા હતા. માંજલપુર અમરનાથપુરમ સોસાયટીમાં રહેતા કાર માલિકના ઘરે પોલીસ ગઈ ત્યારે કાર કંપાઉન્ડમાં પડી હતી. કારને જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કેમ કે અકસ્માત થયાના કોઈ નિશાન કાર પર નહોતા. અમારી કારથી એક્સિડન્ટનો કોઈ બનાવ બન્યો જ નથી. તે વાત પર ડ્રાઈવર વળગી રહયો હતો. નંબર જોવામાં ભૂલ થઈ હશે. તેમ પોલીસને કહેતો હતો. એક તબક્કે પોલીસ પણ મૂઝવણમાં મૂકાઈ હતી. પરંતુ જે રાહદારીએ નંબર જોયો હતો તણે દ્રઢપણે ફરી એ જ નંબર દોહરાવતાં પોલીસે ડ્રાઈવરની કડકાઈથી પૂછપરછ કરતાં આખરે તણે ગુનાની કબૂલાત કરી હતી. હિટ એન્ડ રનની ઘટનાને અંજામ આપનાર ડ્રાઈવરે શુક્રવારે સવારે જ કારમાં ગોબા ઉઠાવીને ટચિંગ પણ કરાવી નાંખ્યુ હોવાનું મકરપુરા પોલીસ મથકના પી.એસ.આઈ. ભટ્ટે જણાવ્યુ હતુ. શુક્રવારે મોડી સાંજે મકરપુરા પોલીસે ડ્રાઈવરની ધરપકડ કરીને કાર કબજે કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા.