ઈસ્લામાબાદ 14, એપ્રિલ
પાકિસ્તાની રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ શુક્રવારે ભારતનાં વડાપ્રધાન મનમોહન સિંહને અપીલ કરી હતી કે તેઓ માનવાઅધિકારને ધ્યાનમાં રાખી ખલીલ ચિશ્તીની મુક્તિ અને સ્વદેશપરતની અનુમતિ આપે. પાકિસ્તાની નાગરિક 80 વર્ષીય ચિશ્તીને હત્યા મામલે જનમટીપની સજા આપવામાં આવી છે.
રાષ્ટ્રપતિ ભવનનાં પ્રવક્તા ફરહતુલ્લા બાબરે જણાવ્યું હતું કે ઝરદારીએ એક પત્ર લખી ચિશ્તીની મુક્તિ માટે વડાપ્રધાનને અપીલ કરી છે. આ પત્રને ભારતનાં વડાપ્રધાન સુધી પહોંચાડવા માટે તેને ભારત સ્થિત પાકિસ્તાની ઉચ્ચઆયોગમાં મોકલવામાં આવશે.
બાબરે જણાવ્યું હતું કે, પાકિસ્તાનનાં રાષ્ટ્રપતિ ઝરદારીએ ગત્ રવિવારે નવી દિલ્હી ખાતેની વડાપ્રધાન સાથેની બેઠકમાં બપોરનાં ભોજન બાદ આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે પત્રમાં લખ્યું છે કે ડોક્ટર ચિશ્તીની વધતી ઉંમર અને ખરાબ સ્વાસ્થયને કારણે તેમને માનવીયતાને ધ્યાનમાં રાખીને પોતાના વતન પરત ફરવાની અનુમતિ આપવી જોઈએ.