અમદાવાદ, 14
ઝરદારીની ભારત યાત્રા પછી પાકિસ્તાની વૈજ્ઞાનિક ચિશ્તીના સમાચાર મુખ્ય રહ્યા છે. જો ચિશ્તી વિશે વાત કરવામાં આવે તો તેઓ પાકિસ્તાનના પ્રથમ સૂક્ષ્મજીવ વૈજ્ઞાનિક છે. તેમનો જન્મ સંત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની દરગાહની સારસંભાળ કરનાર અજમેરના એક સુખી સંપન્ન પરિવારમાં થયો હતો. તેમણે પોતાનો પ્રારંભિક અભ્યાસ અજમેરમાં અને ત્યાર પછી પાકિસ્તાન અને તે પછી 1968માં એડિનબર્ગ યુનિવરસિર્ટી, સ્કોટલેન્ડમાં પી.એચ.ડી કરી હતી. તેઓ કરાચી મેડિકલ કોલેજના ડૉક્ટર હતા. આઝાદી પછી ભાગલા સમયે એટલે કે 1947માં તેઓ પાકિસ્તાનમાં અભ્યાસ કરી રહ્યા હતા અને પછી ત્યાં જ રહી ગયા.
પાકિસ્તાની વૈજ્ઞાનિક ચિશ્તી એપ્રિલ 1992માં રાજસ્થાનના અજમેરમાં એક વિવાદ દરમ્યાન એક વ્યક્તિની હત્યા કેસમાં આરોપી હતા. તે સમયે ચિશ્તી પોતાના સંબંધીઓને મળવા અને ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની દરગાહમાં જિયારત કરવા ભારત આવ્યા હતા. 18 વર્ષની લાંબા સુનવણી પછી ગત વર્ષ જાન્યુઆરીમાં તેમને જન્મટીપની સજા ફટકારવામાં આવી. કોર્ટના આ નિર્ણય પછી તે અજમેર જેલમાં બંધ હતા. આ વર્ષે 9 એપ્રિલે સુપ્રીમ કોર્ટે તેમને જામની પર મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. ચિશ્તી બિમાર છે અને કોઈની પણ મદદ વિના હરવા ફરવામાં અસમર્થ છે.