હેલ્થ ઇઝ વેલ્થ - ડો. અજય શાહ
માનવ શરીરમાં કુદરતે જે ઈન્દ્રિયો આપી છે તે પૈકીની એક ઈન્દ્રિય - શ્રવણ છે. આ શ્રવણશક્તિ જો કોઈ પણ વ્યક્તિ ગુમાવી બેસે તો તેને બહેરાશ આવી કહેવાય. બહેરાશને અત્યાર સુધી અવગણવામાં આવતી હતી, પણ આજે એવું નથી રહ્યું. બહેરાશને દૂર કરવાની અનેક દવાઓ અને સર્જરીઓ થઈ શકે છે.
તબીબી ભાષામાં બહેરાશના જુદા જુદા પ્રકાર ગણાવાયા છે, જે આ પ્રમાણે છે :
* નસની બહેરાશ (Sensori Neural Deafness)
* પડદો કે હાડકીની બહેરાશ (Conductive Deafness) અને
* સંયુક્ત બહેરાશ(Mixed Deafness)
નસની બહેરાશ
* સામાન્ય રીતે નસની બહેરાશ વધતી જતી ઉંમરના કારણે અંદરના કાનના જ્ઞાન કોષો અને જ્ઞાનતંતુઓ નષ્ટ થવાથી ઉદ્ભવતી હોય છે. માથાના વાળ જેમ સફેદ થાય, આંખમાં મોતીયો આવે, તે જ રીતે બહેરાશને પણ ઉંમરથી સાથે સીધો જ સંબંધ છે અને તેને Presbycusis કહે છે.
* તાજા જન્મેલા બાળકમાં પણ આ તકલીફ જોવા મળે છે જેનાં કારણોમાં જન્મ વખતે ઓક્સિજન ઓછો મળવાથી, જન્મજાત પીળીયો, અધૂરા મહિને જન્મ થવો, માતાને પ્રેગ્નન્સી વખતે વાઈરસનો ચેપ લાગવો અને ઘણા કેસમાં વારસાગત બહેરાશ હોય તેવાં બાળકોનો સમાવેશ થાય છે.
* ઘણી વખત વીસ- પચીસ વર્ષે પણ આવી બહેરાશ જોવા મળે છે. તેનું કારણ વાઇરલ ઇન્ફેક્શન તથા અમુક કિસ્સાઓમાં કાનને નુકસાન કરે એવી દવા/ઈન્જેકશનને કારણે તથા મેનિન્જાઈટીસનો (લાપોટિયું) ચેપ વગેરેને કારણે પણ હોઈ શકે છે.
પડદા કે હાડકીની બહેરાશ
* આ પ્રકારની બહેરાશ બધી જ ઉંમરની વ્યક્તિમાં જોવા મળે છે, જે મોટે ભાગે કાનમાંથી રસી આવવાથી, પડદામાં કાણું પડવાને કારણે થાય છે અને મોટા ભાગે વારંવાર થતી શરદીને કારણે થાય છે.
* કાનની અંદર આવેલ બારીક હાડકીઓની આજુબાજુ એક પ્રકારનો સડો થાય છે. જેને Cholesteatoma કહેવામાં આવે છે. આ પ્રકારના સડાને કારણે કાનનો ચેપ મગજની અંદર પણ પ્રસરવાનો ડર રહે છે.
* નાના છોકરાંઓમાં નાકની પાછળ કાકડા જેવી એડનોઈડ કરીને ટિશ્યૂ હોય છે, જેને આપણે નાકની પાછળના મસા કહીએ છીએ. તેને કારણે કાનના પડદાની પાછળ પાણી ભરાય છે અને બહેરાશ આવે છે.
* ઘણી વખતે કાનની અંદર રહેલ સૌથી સૂક્ષ્મ હાડકી પેંગડું ચોંટી જાય છે અને તેને કારણે બહેરાશ આવે છે. જે વારસાગત હોય છે.
સંયુક્ત બહેરાશ
* આ જાતની બહેરાશમાં ઉપરનાં બંને કારણો સંકળાયેલાં હોય છે.
સારવાર
જરૂરી તમામ તપાસ કર્યા પછી બહેરાશ હોવાનું નિદાન થાય તો સર્જરી કરવી પડે છે. જે કોકલીઅર ઈમ્પ્લાન્ટ સર્જરી તરીકે ઓળખાય છે. આ સર્જરી ઘણી ખર્ચાળ છે. પણ એને હાર્ટની સર્જરી કે સાંધા બદલવાની સર્જરીની સાથે સરખાવવામાં આવે તો આ કિંમત ઘણી જ નીચી દેખાશે, કારણ કે કોકલીઅર ઈમ્પ્લાન્ટ કરેલ બાળકને પોતાના ૭૫થી ૮૦ વર્ષના જીવન દરમિયાન ફાયદો મળ્યા કરશે, જ્યારે હાર્ટસર્જરી કે જોઈન્ટ રિપ્લેશમેન્ટ મોટેભાગે ઘડપણમાં કરાવાય છે, જેનો ફાયદો માંડ દસ-બાર વર્ષ જ મળતો હોય છે.
* કાનમાં રસી આવતી હોય અથવા હાડકીનો સડો હોય તો તે ઘણી વાર મગજમાં જઈ શકે છે અને જિંદગી માટે જોખમી બની શકે છે તેને યોગ્ય દવા તથા ટીમ્પેનોપ્લાસ્ટિ સર્જરીથી મટાડી શકાય છે.
* સામાન્ય રીતે નસની બહેરાશ તથા મોટી ઉંમરની બહેરાશ દવા કે ઓપરેશનથી મટતી નથી. આ પ્રકારની બહેરાશ હીઅરીંગ એઈડ એકદમ મોડર્ન અને કાનની અંદર પહેરી શકાય તેવા અનવિઝેબલ (દેખાય નહીં તેવા) પણ આવે છે.
બહેરાશની તપાસ
* બહેરાશની તપાસ મુખ્યત્વે ઓડિયોમેટ્રીથી થઈ શકે છે. જેમાં જુદી જુદી ફ્રિકવન્સીના અવાજ જુદી જુદી માત્રામાં સંભળાવવામાં આવે છે અને તેના ગ્રાફ પરથી થઈ શકે છે.
* કાનમાં પાણી ભરાયું હોય તથા કાનમાં રહેલી હાડકીઓ ચોંટી ગઈ છે કે નહીં તે Audiometry થી જાણી શકાય છે.
* અત્યારના આધુનિક યુગમાં બાળક જન્મે કે તરત જ તે સાંભળે છે કે નહીં તેની તપાસ OAE (oto- acousticemission) અને BERA નામનાં સાધનોથી શક્ય બની છે.