Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 21,2013 12:01:23 PM IST
 

ટનલ લૂંટઃ ક્યારે થઈ? કોઈ જાણતું નથી (ટોપ ટેન)

Apr 14, 2012 Supplements > Columnist
 
comment     E-Mail     Print    
 
Viewed: 1003
Rate: 3.7
Rating:
Bookmark The Article

TOP 10 ROBBERY - રશ્મિન શાહ

બ્રાઝિલના ફોર્ટેલ્ઝા નામના પોર્ટ પર આવેલી સેન્ટ્રલ બેન્ક ઓફ બ્રાઝિલને લૂંટવા માટે એક ટનલ બનાવવામાં આવી હતી, જે ટનલ બનાવવામાં ત્રણ મહિના લાગ્યા અને એમ છતાં લોકલ ઓથોરિટીને એની શંકા પણ ન ગઈ. લૂંટ થયાના લગભગ બે દિવસ પછી ફરિયાદ નોંધાઈ હતી

ઓગસ્ટ, ૨૦૦૫માં થયેલી આ લૂંટની ક્યારેય કોઈ પાક્કી તારીખ અને સમય બહાર આવ્યાં નહીં પણ પોલીસનું અનુમાન રહ્યું છે કે છઠ્ઠી ઓગસ્ટથી સાતમી ઓગસ્ટની મોડી રાત સુધીમાં આ લૂંટ થઈ હશે. આ અનુમાન પણ એ કારણ પર બાંધી શકાય છે કે શુક્રવાર અને પાંચમી ઓગસ્ટની સાંજે જ્યારે ફોર્ટેલ્ઝા પોર્ટની સેન્ટ્રલ બેન્ક ઓફ બ્રાઝિલ બંધ કરવામાં આવી ત્યાં સુધી બધું ક્ષેમકુશળ હતું પણ જ્યારે આઠમી તારીખે બેન્ક ખોલવામાં આવી ત્યારે ઓલરેડી અહીંયાંથી ૬૯.૮ મિલિયન ડોલરની લૂંટ કરી લેવામાં આવી હતી. લૂંટનો આ આખો પ્લાન એટલો સજ્જડ હતો કે એ જોઈને ચમરબંધી કહેવાય એવા ભલભલા ડિટેક્ટિવ પણ પોતાનું માથું ખંજવાળતાં રહી ગયા હતા. ફેડરલ પોલીસના સિનિયર ઓથોરિટી ઓફિસર ઈરોટાઈલ્ડસ બેઝેરાએ કહ્યું હતું કે, “અમને નવાઈ એ વાતની લાગતી હતી કે બેન્કની સામેના ભાગમાં જ લૂંટનું આ પ્લાનિંગ ચાલતું હતું, તૈયારી ચાલતી હતી અને એમ છતાં પણ ક્યારેય કોઈને આનો અણસાર પણ આવ્યો નહીં. આને લૂંટારાઓની ખાસિયત જ ગણવી પડે, બીજું કંઈ નહીં.”

આ લૂંટ માટે લૂંટારાઓએ બેન્કની સામેના ભાગમાં આવેલા એક મકાનને ભાડે રાખ્યું હતું અને એ મકાનથી બેન્ક સુધી આવવા માટે ખાસ ૨૨૫ ફૂટ લાંબી એક અન્ડરગ્રાઉન્ડ ટનલ બનાવી હતી. આ ટનલ બનાવવામાં ઓછામાં ઓછા અઢી મહિના થયા હતા. આ અઢી મહિના દરમિયાન લૂંટારાઓ ચૂપચાપ કામ કરતા રહ્યા અને કોઈને ખબર પણ નહોતી પડવા દીધી કે તે લોકો લૂંટ માટે આવ્યા છે.

કઈ રીતે થયું પ્લાનિંગ?

આ લૂંટનો માસ્ટરમાઈન્ડ લૂઇસ ફર્નાન્ડો રિબૈરો હતો. લૂઈસની ઉંમર માત્ર ૨૬ વર્ષની હતી. પોલીસ સાર્જન્ટ મિનાસ ગેરેઈસના કહેવા પ્રમાણે, લૂઈસને બેન્ક લૂંટવાનો વિચાર સૌથી પહેલા આવ્યો હતો. લૂઈસે જ આ લૂંટ માટે જરૂર હોય એવા લોકોને એકઠાં કર્યા અને આખા પ્લાનને હકીકતમાં ફેરવ્યો. કોલેજમાં ભણતી વખતે નાના-મોટા ક્રાઈમ કરી ચૂકેલા લૂઈસને બેન્ક લૂંટનો વિચાર જાન્યુઆરી, ૨૦૦૫માં આવ્યો હતો. એ જ સમય દરમિયાન લૂઈસે નક્કી કરી લીધું હતું કે લૂંટ એ પ્રકારે કરવી કે જેથી લૂંટ થયા વિશે પોલીસને મોડામાં મોડી ખબર પડે અને એ બધા લૂંટના સ્થળેથી દૂર ભાગી શકે. આ આખા કેસની સૌથી મજાની વાત એ છે કે લૂઈસે પહેલાં પોતાનો પ્લાન બનાવ્યો હતો અને એ પ્લાન બનાવ્યા પછી તેણે લૂંટ ક્યાં કરવી એનું વિચાર્યું હતું! લૂંટ માટે જ્યારે પ્લાન બન્યો ત્યારે લૂઈસ બ્રાઝિલની રાજધાની બ્રાઝિલિયામાં રહેતો હતો. લૂંટ માટે ટનલ બનાવવી અને એ ટનલમાંથી બેન્કમાં જઈને લૂંટ કરવી એ નક્કી કર્યા પછી લૂઈસ પોતાના પ્લાનને અનુરૂપ બેન્ક શોધવા નીકળ્યો જેમાં તેને ફોર્ટેલ્ઝા પોર્ટની સેન્ટ્રલ બેન્ક ઓફ બ્રાઝિલ મળી. આ બેન્કનું લોકેશન એક્ઝેક્ટ એ જ મુજબનું હતું જે મુજબનું તેને જોઈતું હતું. રસ્તાના ખૂણા પર આવેલી આ બેન્કની સામે એક મકાન ભાડે રાખવામાં આવ્યું અને એ મકાનથી બેન્ક સુધીની ટનલ બનાવવાનું કામ શરૂ કર્યું. આ ટનલ બનાવવાનું શરૂ કરતાં પહેલાં લૂઈસે ભાડે રાખેલા આ મકાનને એક ગાર્ડનિંગ કંપની તરીકે બતાવ્યું હતું અને પોતે એ કંપનીનો સિનિયર ઓફિસર હોય એવું દેખાડવા લાગ્યો હતો. એ મકાનની બહાર બોર્ડ પણ મૂકી દેવામાં આવ્યું હતું કે અહીંથી રિયલ અને આર્ટિફિશ્યલ પ્લાન્ટસ મળશે. ટનલ બનાવવાનું કામ ચાલતું હોવાથી દરરોજ ઘરમાંથી ઢગલાબંધ માટી નીકળતી હતી. આ માટી ફેંકવા જવામાં કોઈ તકલીફ ન પડે એ માટે આવું નાટક કરવામાં આવ્યું હતું. ટનલ બનાવવાનું કામ લગભગ ત્રણ મહિના ચાલ્યું. ત્રણ મહિના પછી જે ટનલ તૈયાર થઈ એ ચાર ફૂટ પહોળી હતી અને રસ્તાથી લગભગ તેર ફૂટ ઊંડી હતી. આ ટનલ સીધી બેન્કના સ્ટોરરૂમમાં ખૂલતી હતી. ટનલ એ હદે મજબૂત રીતે તૈયાર રાખી હતી કે ટનલમાં ચાર જગ્યાએ તેણે કારનાં નાનાં એસી મૂક્યાં હતાં જેનું કનેક્શન ઘરની ઇલેક્ટ્રિસિટી સાથે આપવામાં આવ્યું હતું.

આવી અમલની ઘડી

લૂંટ કયા દિવસે અને કેટલા વાગ્યે થઈ એની કોઈ ચોક્કસ તારીખ કે સમય ક્યારેય મળ્યાં નથી પણ પોલીસ એવું અનુમાન બાંધે છે કે છઠ્ઠી તારીખે વહેલી સવારે લૂઈસ અને તેની ગેંગે આ ચોરી કરી હશે. આ ચોરીમાં બેન્કના સ્ટોરમાંથી સાડા ત્રણ ટનના વજનવાળાં પાંચ કન્ટેઈનર કાઢવામાં આવ્યાં, જેમાં ૬૯.૮ મિલિયન ડોલરની નોટ ભરી હતી. કોઈને આ લૂંટ વિશે અંદાજ નહોતો આવ્યો. ન તો આડોશીપાડોશીને અને ન તો બેન્ક પાસેથી પસાર થતાં ટ્રાફિકને. લૂંટ કરીને લૂઈસ અને તેની ટીમે ભાડે લીધેલું મકાન ખાલી કરીને બધા ભાગી ગયેલા. સોમવારે આઠમી ઓગસ્ટની સવારે જ્યારે બેન્ક ખૂલી ત્યારે સ્ટોરરૂમમાં ડોલરનાં કન્ટેઈનર નહોતાં પડયાં એટલે લૂંટ થયાનો ખ્યાલ આવ્યો. લૂંટ પછી જ્યારે પોલીસને બોલાવાઈ અને પોલીસ એ ટનલમાં સૌથી પહેલી ઊતરી હતી. ટનલમાંથી પાસ થઈને જ્યારે પોલીસ સામેના ઘરમાં પહોંચી ત્યારે ઘર ખાલી હતું. પોલીસ સમજી ગઈ હતી કે આ લૂંટ અને આ લૂંટારાઓને પકડવાનું કામ હવે આસાન નથી.

તપાસ થઈ શરૂ

જે ઘરમાંથી ટનલ બનાવાઈ હતી તેને કલરને બદલે ચૂનો મારવામાં આવ્યો હતો, એટલે કોઈના ફિંગરપ્રિન્ટ ન મળ્યા. ઘરમાંથી જીપીઆર સિસ્ટમ મળી, જેનો ઉપયોગ સાચી દિશામાં ટનલ બની રહી છે એ માટે થતો હતો. આ ઉપરાંત બીજો અલ્ટ્રા મોડર્ન સામાન પણ મળ્યો, જેનો ઉપયોગ ટનલ બનાવવામાં થયો હતો. બંગલામાં છ - આઠ કે દસ લોકો રહેતા હતા, તેનો કોઈ ચોક્કસ આંકડો જાણવા મળ્યો નહોતો. પોલીસ દિશાશૂન્ય હતી પણ તેમને દિશા મળી ટનલ કામ કરનારાઓને શોધવામાંથી. બ્રાઝિલમાં ટનલ કામ કરવા માટે ખાસ કોર્સ કરાવવામાં આવતો હોય છે. પોલીસે એ ખાસ કોર્સ કરનારા દોઢસોથી વધુ લોકોની ઈન્ક્વાયરી કરી, જેમાંથી પાંચ શકમંદ પકડાયા અને એ પાંચ શકમંદે સ્વીકારી પણ લીધું કે તેમણે ટનલ બનાવવાનું આ કામ કર્યું છે. આ પાંચ પાસેથી પોલીસને લૂઈસ ફર્નાન્ડો રિબૈરોનું નામ મળ્યું. લૂઈસના ક્યાંયથી કોઈ સમાચાર મળતાં નહોતા અને એટલે જ પોલીસ રઘવાઈ થઈ હતી. પોલીસના આ રઘવાટ વચ્ચે કુલ ૧૦૭ શકમંદોની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી ચાલીસની અટકાયત પણ થઈ જો કે રિઝલ્ટ કંઈ મળે એ પહેલાં પોલીસને એક સળગેલી વેન મળી, જેમાંથી ડોલરની કેટલીક એવી નોટ મળી, જેના આંકડા લૂંટ દરમિયાન ચોરવામાં આવેલી કરન્સી સાથે મેચ થતા હતા. એ વેનની તપાસ શરૂ થઈ એટલે ખબર પડી કે વેન તો લગભગ છ મહિના પહેલાં જ ચોરાઈ ગઈ હતી. આ જ દરમિયાન એક ઘટના એવી ઘટી કે પોલીસે આ આખો કેસ જ બંધ કરી દેવો પડયો.

લૂંટનો માસ્ટરમાઈન્ડ લૂઈસ ફર્નાન્ડો રિબૈરોની ડેડબોડી લૂંટના ત્રણ મહિના પછી રસ્તા પરથી મળી હતી. અવાવરુ જ્ગ્યાએથી મળેલી લૂઈસની લાશમાંથી પોલીસને સાત ગોળી મળી આવી, જે બધી તેની પીઠના ભાગમાં લાગી હતી. સ્પષ્ટ હતું કે લૂઈસની પીઠ પાછળ ઘા કરીને તેને મારવામાં આવ્યો હતો. પોલીસ એવા અનુમાન પર પહોંચી કે લૂઈસની આ હત્યા લૂંટના સંદર્ભમાં જ થઈ હશે. લૂંટ પછી પણ બીજા આરોપીઓને શોધવાનું કામ ચાલુ રહ્યું. આરોપીઓ તો ન મળ્યા પણ લૂંટની રકમમાંથી અલગ અલગ શહેરમાંથી સાત મિલિયન ડોલર કબજે લેવામાં આવ્યા જ્યારે બાકીના ડોલર બ્રાઝિલ સરકારે કાયમ માટે ભૂલી જવા પડયા છે. આ કેસમાં માત્ર એ જ લોકોને સજા થઈ છે જે લોકોએ ટનલ બનાવવાનું કામ કર્યું હતું. લૂંટમાં એક્ટિવ રોલ કરનારા ક્યારેય પકડાયા જ નહીં.

માસ્ટર માઇન્ડ

માસ્ટરમાઇન્ડ લૂઈસ ફર્નાન્ડો રિબૈરો ઉસ્તાદ હતો. લૂંટ પછી જ્યારે તેના વિશે તપાસ કરવામાં આવી ત્યારે બ્રાઝિલિયન પોલીસને ખબર પડી હતી કે એક સમયના આ મિકેનિકલ સ્ટુડન્ટે અનેક નાના પણ નોંધ લેવી પડે એવા ક્રાઇમ કર્યા હતા. લૂઈસે એટીએમ ખોલીને એમાંથી ડોલર ચોરવાનો ક્રાઈમ પણ કર્યો હતો. એટીએમ લૂંટ દરમિયાન મળેલા ડોલરમાંથી જ બેન્ક લૂંટના પ્લાનની અમલવારી કરવામાં આવી હતી. લૂઈસના ફેમિલી મેમ્બરની ઈન્ક્વાયરી દરમિયાન એ લોકોએ સ્વીકાર્યું હતું કે તેમને અને લૂઈસને છેલ્લાં બે વર્ષથી કોઈ વ્યવહાર રહ્યો નહોતો. સેન્ટ્રલ બેન્ક ઓફ બ્રાઝિલમાં લૂંટ કરીને લૂઈસ ન્યૂઝીલેન્ડ સેટ થવા માંગતો હતો પણ એવું કશું બન્યું નહીં અને સાથી સાથેની અંદરોઅંદરની લડાઈમાં એ માર્યો ગયો.   

ફેક્ટસ એન્ડ ફિગર્સ
લૂંટની કુલ રકમ (મિલિયન ડોલર)
૬૯.૮
લૂંટમાં સામેલ લોકો (અંદાજે)
૧૦
લૂંટ કેસમાં ધરપકડ
પકડાયેલા શકમંદ
૧૦૭
તપાસ ચાલી
૭ મહિના
caketalk@gmail.com
 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com