Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 24,2013 09:18:09 AM IST
 

ખેલાડીની કદરઃ પશ્ચિમ પાસેથી શીખીએ (પેવેલિયન)

Apr 14, 2012 Supplements > Columnist
 
comment     E-Mail     Print    
 
Viewed: 536
Rate: 5.0
Rating:
Bookmark The Article

પેવેલિયન - એ. ડી. વ્યાસ

ખેલાડી જ્યારે તેની કારકિર્દીની ટોચ પર હોય છે ત્યારે આપણે તેની વાહવાહ કરવામાં કે તેને ભગવાનનો દરજ્જો આપવામાં ક્યારેય કંજૂસાઈ નથી કરતા. પણ તેની નિવૃત્તિ કે નિધન બાદ ભાગ્યે જ તેને યાદ કરવામાં આવે છે. પણ પશ્ચિમના દેશોમાં તેની યોગ્ય કદર કરવામાં આવે છે. પશ્ચિમના દેશોનું અનુકરણ બીજી બાબતોમાં ભલે આપણે ન કરીએ પણ ખેલાડીઓની કદર કરવાની રીતને તો દાદ આપવી જ રહી.

૨૭ જુલાઈથી શરૂ થઈ રહેલી લંડન ઓલિમ્પિક ગેમ્સના આયોજનમાં કોઈ કચાશ ન રહી જાય એ માટે ગોરાઓ મથી રહ્યા છે. વિશ્વભરમાંથી આવતા લોકો કાંઈક નવું જ જોઈને જાય તે માટે કમિટી દ્વારા ઘણા બધા નવા પ્રયોગો કરવામાં આવ્યા છે. તેમાંનો એક પ્રયોગ છે લંડનના ૩૬૧ ટયુબ સ્ટેશન સાથે જુદી જુદી રમતોના દંતકથા સમાન વિશ્વભરના ખેલાડીઓનાં નામ જોડવાનો છે. ટ્રાન્સપોર્ટ ફોર લંડન દ્વારા 'ઓલિમ્પિક લિજેન્ડરી મેપ' અને પોસ્ટર તૈયાર કરવામાં આવ્યાં છે. જેમાં વોટફોર્ડ જંક્શનને ધ્યાનચંદ, વોટફોર્ડ હાઇસ્ટ્રીટને રૂપસિંઘ અને બુસી સ્ટેશનને લેસ્લી ક્લાઉડિયસ નામ આપવામાં આવ્યું છે. આ ત્રણેય હોકી ખેલાડી છે.

ધ્યાનચંદે ૧૯૨૮, ૧૯૩૨ અને ૧૯૩૬ની ઓલિમ્પિકમાં, રૂપસિંઘે ૧૯૩૨ અને ૧૯૩૬ની ઓલિમ્પિકમાં ભારતને ગોલ્ડમેડલ અપાવ્યા હતા. લેસ્લી ક્લાઉડિયસે ૧૯૪૮, ૧૯૫૨ અને ૧૯૫૬માં ગોલ્ડ અને ૧૯૬૦માં સિલ્વર જીત્યો હતો. લાગલગાટ ચાર ઓલિમ્પિક રમવાનો વિશ્વવિક્રમ પણ તેમના નામે છે. પણ આ બધા મહાન ખેલાડીમાં માટે આપણે શું કર્યું? આંતરરાષ્ટ્રીય હોકીમાં ૧૦૦૦ ગોલ નોંધાવનાર ધ્યાનચંદને ભારતરત્ન આપવાની વાત સ્વીકારાઈ નથી.

ગ્વાલિયરના એક સ્ટેડિયમ સાથે રૂપસિંઘ અને લખનૌના એક સ્ટેડિયમ સાથે કે.ડી. સિંઘબાબુનું નામ જોડવામાં આવ્યું છે. આ બધા તો ભગવાનને પ્યારા થઈ ગયા છે પણ ૮૫ વર્ષના લેસ્લી ક્લાઉડિયસ હાલમાં કોલકાતામાં બીમાર અવસ્થામાં જિંદગીના અંતિમ દિવસો પસાર કરી રહ્યા છે. ૧૯૩૬માં જર્મનીના ર્બિલનમાં રમાયેલ ઓલિમ્પિકની હોકી ફાઈનલમાં ધ્યાનચંદ અને રૂપસિંઘની શાનદાર રમતને કારણે જર્મની ૮-૧ ગોલથી હારી ગયું હતું અને તેથી હિટલરને મેદાન છોડીને ભાગવું પડયું હતું. તેમ છતાં તેણે ર્બિલનની શેરી સાથે તેમનું નામ જોડી દીધું હતું. ચંદીગઢના એક સેકટરના દરેક રોડ સાથે પણ ઓલિમ્પિક ખેલાડીઓનાં નામ જોડવામાં આવ્યાં છે. ઓલિમ્પિકમાં રમેલા ગુજરાતના એકમાત્ર ખેલાડી ગોવિંદ સાવંતની આપણે કદર નથી કરી. પણ ચંદીગઢના સેકટરના રોડ પર તેમના નામની તકતી જોતાં ગર્વ અનુભવાય છે.

આ વાત તો થઈ વિદેશમાં અને દેશનાં કેટલાંક શહેરોમાં થયેલા ખેલાડીઓના સન્માનની, પણ આપણે ગુજરાતીઓ આ બાબતે ખૂબ ઊણા ઊતર્યા છીએ. ભારતને ટેસ્ટમાં પ્રથમ વિજય અપાવનાર કેટલાય વિક્રમો પોતાના નામે કરનાર વિજય હઝારેની ત્રણ વર્ષ પછી જન્મ શતાબ્દી ઊજવાશે પણ રાજ્ય સરકાર કે વડોદરા સેવાસદન દ્વારા કોઈ એક રસ્તા સાથે નામ જોડયું નથી. તેમની પૂર્ણ કદની પ્રતિમા મૂકવાની જાહેરાત પાંચ વર્ષ પહેલાં બરોડા ક્રિકેટ એસોસિયેશન દ્વારા કરવામાં આવી હતી પણ તે યોજના હજુ કાગળ પર જ રહી ગઈ છે. વડોદરા સેવાસદન દ્વારા કરોડોનાં ખર્ચે ઇન્ડોર અને આઉટડોર સ્ટેડિયમ બની રહ્યાં છે. આજે એટલી તો આશા રાખીએ કે તેની સાથે કોઈ નેતાનું નહીં પણ વિજય હઝારેનું નામ જોડાય.

ખંડેરી ગામમાં નિર્માણરત સ્ટેડિયમ સાથે અમરસિંહનું નામ જોડાય તો આ ભડવીરે ૮૦ વર્ષ પહેલાં લોર્ડ્ઝ ગ્રાઉન્ડ પર અંગ્રેજોના દાંડિયા ડૂલ કરીને કરેલા કારનામાની ખરી કદર કરી કહેવાશે. મુંબઈ ક્રિકેટ એસોસિયેશનને વાનખેડે સ્ટેડિયમના બે દરવાજાને વિનુ માંકડ ગેટ અને પોલી ખોલી ઉમરીગર ગેટ નામ આપ્યું છે. વળી સ્ટેડિયમમાં બે સ્ટેન્ડ સાથે વિજય મરચન્ટ અને સુનીલ ગવાસકરનાં નામ જોડયાં છે. ગુજરાત ક્રિકેટ એસોસિયેશન દ્વારા પણ મોટેરા સરદાર સ્ટેડિયમમાં નરી કોન્ટ્રાક્ટર, જસુ પટેલ અને દીપક શોધનનું નામ જોડે તેવી આશા અસ્થાને નહીં ગણાય.

મુંબઈના બ્રેબોન સ્ટેડિયમ ખાતેની ક્રિકેટ કલબ ઓફ ઇન્ડિયા સંચાલિત લિજેન્ડ કલબ દ્વારા દર વર્ષે વિજય હઝારે, વિનુ માંકડ અને વિજય મરચન્ટનો જન્મદિવસ ક્રિકેટના વાર્તાલાપ સાથે મનાવવામાં આવે છે. આપણા રાજ્યનાં શહેરોમાં પણ જૂના ખેલાડીઓને યાદ કરવા માટે આ પ્રકારના પ્રયાસ કરવા જોઈએ.

newsvnm@yahoo.com
 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com