Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 25,2013 04:49:01 AM IST
 

નક્સલવાદ :લોકોને પજવે, સરકારને લજવે! (સમય-સંકેત)

Apr 14, 2012 Supplements > Columnist
 
comment     E-Mail     Print    
 
Viewed: 407
Rate: 5.0
Rating:
Bookmark The Article

ઝીરો અવર - દિવ્યેશ વ્યાસ

આશરે સાડા ચાર દાયકાથી દેશમાં હિંસા ફેલાવીને નક્સલવાદીઓએ નાકે દમ લાવી દીધો છે. નક્સલવાદીઓ હવે સામાન્ય નાગરિકો તો ઠીક ધારાસભ્યનું અપહરણ કરવાનું દુઃસાહસ પણ કરવા લાગ્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ હવે બધા મતભેદોને હાંસિયામાં ધકેલીને નક્સલવાદને નાથવા માટે એકમત થવું રહ્યું

૨૪મે, ૧૯૬૭ના રોજ નક્સલવાદીઓ અને પોલીસ વચ્ચે પહેલી અથડામણ થઈ હતી, એ ઘટનાને લગભગ સાડા ચાર દાયકા વીતી ચૂક્યા છે. આ સાડાચાર દાયકામાં નક્સલવાદ દેશના ૪૦ ટકા વિસ્તારોમાં પ્રસરી ચૂક્યો છે. દેશનાં કુલ ૨૯ રાજ્યોમાંથી ૨૦ રાજ્યો નક્સલવાદથી ત્રસ્ત છે ત્યારે હવે એ બાબતે કોઈને શંકા ન હોવી જોઈએ કે નક્સલવાદ દેશનો સૌથી મોટો આંતરિક પડકાર છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી નક્સલવાદે જે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, તેણે દેશનો જીવ તાળવે ચોંટાડી દીધો છે. નક્સલવાદે દેશના કાયદા અને વ્યવસ્થા સામે મોટો પડકાર ઊભો કર્યો છે.

ઓડિશાના તાજેતરના ઘટનાક્રમે નક્સલવાદને ફરી રાષ્ટ્રીય સ્તરે ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધો છે. ઓડિશાની નવીન પટનાયક સરકારની હાલત અત્યારે એક તરફ કૂવો ને બીજી તરફ ખાઈ જેવી થઈ ચૂકી છે. રાજ્યના બે ઉગ્રવાદી નક્સલવાદી જૂથોએ ઈટાલિયન ટૂર ઓપરેટરની સાથે સાથે ઓડિશાના ધારાસભ્યનું પણ અપહરણ કરવાનું દુઃસાહસ કર્યું છે. નક્સલપ્રભાવી વિસ્તારોમાં સામાન્ય લોકો તો રોજે રોજ નક્સલવાદીઓની ગોળીઓ અને અત્યાચારોનો શિકાર બનતા હોય છે, જેના સમાચારો પણ ભાગ્યે જ વાંચવા મળતા હોય છે. પરંતુ આ વખતે નક્સલવાદીઓએ વિદેશી (ઇટાલિયન) નાગરિક બોસુસ્કો પાઓલો અને ઝીણા હીકાકા નામના સ્થાનિક ધારાસભ્યનું અપહરણ કરતાં મામલો દેશવ્યાપી ચર્ચાનો વિષય બની ગયો. નવીન પટનાયક સરકાર બરોબરની સલવાણી છે. વિદેશી નાગરિકની હત્યા કરવામાં આવે અથવા તો સરકાર પોતાના જ ધારાસભ્યને સહીસલામત છોડાવી ન શકે તો સરકારની આબરૂ જાય અને સામે છેડે નક્સલવાદીઓની તમામ શરતો માનીને ઘૂંટણિયા ટેકવીને આ બન્નેને છોડાવી લે તો પણ તેની પ્રતિષ્ઠા ઝાંખી પડે. આમ, નવીન પટનાયક સરકાર આ મામલે ભરાઈ પડી છે.

વિદેશી ટૂર ઓપરેટર અને ધારાસભ્યને પકડનાર ઉગ્રવાદી જૂથો જુદાં જુદાં છે. ગત ૧૪મી માર્ચે બોસુસ્કો પાઓલોને તેના એક સાથી સાથે સીપીઆઈ-એમના ઉગ્રવાદીઓ ઉઠાવી ગયા. જ્યારે ધારાસભ્ય ઝીણા હીકાકીનું અપહરણ ચાસી મુલિયા આદિવાસી સંઘ દ્વારા ૨૪ માર્ચના રોજ કરવામાં આવ્યું હતું. અપહરણકારોને સરકારને મંત્રણાના મેજ પર લાવવા માટે બોસુસ્કોના સાથીને ૨૫મી માર્ચે છોડી મૂકાયો હતો. ત્યારથી પછી વિદેશી નાગરિક અને ધારાસભ્યને છોડાવવા માટે વાટાઘાટ ચાલતી રહી. નક્સલવાદીઓનાં આ બન્ને જૂથે સરકાર સામે મુખ્ય ત્રણ શરતો મૂકી છેઃ એક, આદિવાસી વિસ્તારમાં પ્રવાસનની પ્રવૃત્તિ બંધ કરાવો. બીજી, નક્સલવાદીઓ વિરુદ્ધનાં ઓપરેશનો બંધ કરી દો અને ત્રીજી, અમારા માણસોને જેલમુક્ત કરો. ઓડિશા સરકારે વિધાનસભામાં જાહેરાત કરીને કુલ ૨૭ કેદીઓને મુક્ત કરવાની ખાતરી આપી હતી, પરંતુ આ લખાય છે ત્યાં સુધી એક પણ વ્યક્તિને છોડવામાં આવી નથી અને નક્સલવાદીઓ અને સરકાર વચ્ચેની મડાગાંઠ વણઉકેલાયેલી પડી છે.

ઓડિશાના ઘટનાક્રમ પછી મુખ્ય સવાલ એ ચર્ચાઈ રહ્યો છે કે શું આપણી સરકાર અને સુરક્ષા વ્યવસ્થા એટલી પાંગળી છે કે મુઠ્ઠીભર નક્સલોનાં નાનાં-મોટાં જૂથ સામે ઝૂકી જવું પડે? કેન્દ્ર સરકારે પણ નવીન પટનાયક સરકારના કેદીઓને છોડવાના પગલાં અંગે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી અને એવા સંકેત આપ્યા હતા કે આવા અપહરણના કિસ્સામાં સરકારે અને સુરક્ષા એજન્સીઓએ કઈ રીતે પગલાં લેવાં એ અંગે એક એસઓપી ઘડી કાઢવામાં આવશે અને આ અંગેની ચર્ચા મુખ્યમંત્રીઓ સાથેની આગામી બેઠકમાં કરવામાં આવશે. ઓડિશા રાજ્યના પોલીસ એસોસિયેશને પણ નવીન પટનાયક સરકારની નક્લસવાદીઓને છોડી મૂકવાની નીતિનો વિરોધ કર્યો છે અને ધમકી આપી છે કે સરકાર જો હાર્ડકોર ઉગ્રવાદીઓને છોડી મૂકશે તો પોલીસ દ્વારા એન્ટિ-માઓઇસ્ટ ઓપરેશનમાં સહકાર આપવામાં નહીં આવે. પોલીસ એસોસિયેશનની આ ઉગ્ર રજૂઆતને પણ ગંભીરતાથી લીધા વિના છૂટકો નથી.

ઓડિશા સરકારે આ મામલામાં નક્સલવાદીઓ સામે ઘૂંટણિયા ટેકવી દીધા છે, જે શરમજનક છે. આ ઘટનાના દેશવ્યાપી પડઘા પડી શકે છે. સુરક્ષા જવાનોના મોરલ પર તેની ખરાબ અસર પડશે તો નક્સલવાદીઓનો આત્મવિશ્વાસ વધી જશે. તેઓ માની લેશે કે સરકાર પાસેથી ધાર્યું કરાવી શકાય છે. સંજોગો વશમાં ન હોય ત્યારે પાંચ-પંદર નક્સલવાદીઓને છોડવા પડે એનો સવાલ નથી. ચિંતા ડોશી મરે એની નથી, પણ જમ ઘર ભાળી જાય, તેની છે.

ઓડિશાના ઘટનાક્રમ પછી આપણા દેશની રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારને સમજાવું જોઈએ કે નક્સલવાદને નાથવા માટે હવે મતભેદોને હાંસિયામાં ધકેલીને કોઈ નક્કર માળખું-વ્યવસ્થા તંત્ર ઊભું કરવું અત્યંત જરૂરી છે. નક્સલવાદની સમસ્યા માત્ર કાયદા અને વ્યવસ્થા સાથે સંબંધિત નથી પરંતુ તેનાં મૂળિયાં આર્થિક શોષણ અને સામાજિક ભેદભાવોમાં પડેલાં છે, ત્યારે માત્ર લશ્કરી ઉકેલ કે ગ્રીન હંટ જેવી મૂર્ખામીને બદલે ભૂદાન જેવા વ્યાપક આંદોલન થકી તેનો ઉકેલ લાવવો જરૂરી છે. 

divyeshvyas.amd@gmail.com
 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com