Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 25,2013 07:40:07 PM IST
 

લોકેશનઃ વેકેશન માટે કે પરફેક્શન માટે? (મૂવિ મસાલા)

Apr 14, 2012 Supplements > Columnist
 
comment     E-Mail     Print    
 
Viewed: 579
Rate: 0
Rating:
Bookmark The Article

મૂવિ મસાલા - એ. ટી.

લોકેશન્સ વિદેશનાં હોય કે દેશનાં, વેકેશન કરતાં પરફેક્શનને કેન્દ્રમાં રાખીને તેની પસંદગી થાય તો ફિલ્મની ગુણવત્તામાં ચાર ચાંદ લાગી જાય છે

કોઈ પણ ફિલ્મને વધુ અસરકારક બનાવવામાં લોકેશન્સનો ફાળો મહત્ત્વપૂર્ણ હોય છે. સ્થળ ગમે તે હોય પણ સ્ટુડિયોઝમાં તેનો સેટ ઊભો કરવાથી જ ટેક્નિકની દૃષ્ટિએ ફિલ્મમાં ગુણવત્તા આવે છે એવું દૃઢપણે માનનાર સંજય લીલા ભણસાલી પણ હવે પોતાની એક આગામી ફિલ્મનું શૂટિંગ કચ્છમાં કરવા માટે તૈયાર થયા છે. આજકાલ ટેક્નિક અને ઇક્વિપમેન્ટને કારણે અગાઉ કરતાં આઉટડોર લોકેશન્સ ઉપર શૂટિંગ કરવાનું વધારે સરળ બન્યું છે.

રાજ કપૂરની 'સંગમ' કે પછીની 'અરાઉન્ડ ધ વર્લ્ડ' જેવી ફિલ્મોમાં તો વિદેશનાં લોકેશન્સ વિશેષ આકર્ષક બની રહ્યાં હતાં. ટીવી નહોતાં ત્યારે ફિલ્મ સાથે બનાવવામાં આવતાં ઇન્ડિયન ન્યૂઝ રિલમાં બે-ત્રણ મિનિટ માટે ટેસ્ટ મેચનાં દૃશ્યો જોવાં મળતાં અને એ જોવા લોકો ભંગાર ફિલ્મ પણ જોઈ લેતા! આજે તો ક્રિકેટની આખી મેચ લાઇવ ઘરમાં બેસી ટીવી પર જોઈ શકાય છે, આજે તો બે-ચાર નહીં, અનેક હિંદી ફિલ્મોનાં શૂટિંગ વિદેશમાં થાય છે.

વિદેશમાં શૂટિંગ કરો તો જે તે દેશની સરકાર અનેક વિશેષ સવલતો પૂરી પાડે છે. ઘરઆંગણે આઉટડોર શૂટિંગ કરવામાં ક્રાઉડ મેનેજમેન્ટ માથાનો દુખાવો બની રહે છે ત્યારે વિદેશમાં એ સમસ્યા નડતી નથી. કલાકારો વિદેશમાં વધુ રિલેક્સ રહે છે, કારણ કે કામ સિવાયના સમયમાં તેઓ છૂટથી હરીફરી શકે છે અને શોપિંગ કરી શકે છે. ઘણી વાર સાઉથ આફ્રિકામાં શૂટિંગ કરવામાં આવે છે. કલાકારો માટે કામનું કામ અને સાથોસાથ વેકેશન મળી જાય છે. વિદેશમાં ફિલ્મ માટે જોઈતા સહાયકો ટેક્નિશિયન્સ જુનિયર આર્ટિસ્ટ પણ મળી રહે છે.

દરેક ફિલ્મસર્જક પોતાની ફિલ્મ સાથે આવું સમાધાન નથી કરતો. ફિલ્મ'આમીર'માં મુંબઈનાં જે લોકેશન્સ બતાવવામાં આવ્યાં છે ત્યાં વર્ષોથી મુંબઈમાં રહેતાં લોકો પણ ક્યારેય નહીં ગયા હોય! 'ચશ્મે-બદ્દુર'થી 'નો વન કિલ્ડ જેસિકા' સુધીની અનેક ફિલ્મોમાં દિલ્હી પોતાની છાપ છોડી જાય છે. સુજોય ઘોષ અને વિદ્યા બાલનની ફિલ્મ 'કહાની' નું મુખ્ય પાત્ર બની ગયું છે કોલકાતા શહેર! અંગ્રેજી ફિલ્મ 'સિટી ઓફ જોય' બંગાળી ફિલ્મો 'ચૌરંગી', 'મહાનગર' અને અપર્ણા સેનની ફિલ્મ 'થર્ટી સિક્સ' ચૌરંગીલેનમાં પણ ફિલ્મસર્જકોએ મનભરીને કોલકાતા બતાવ્યું છે. રામ ગોપાલ વર્માની ફિલ્મ 'સત્યા'માં મુંબઈ શહેર અને વરસાદ એ સ્પેશિયલ પાત્રો છે.

ફિલ્મસર્જક ઇચ્છે તોય ચોક્કસ સ્થળો પર શૂટિંગ કરવાની મંજૂરી મળતી નથી અને ત્યારે વાસ્તવિક સ્થળ અન્યત્ર ઊભું કરવું પડે છે. હમણાં એક અંગ્રેજી ફિલ્મને પાકિસ્તાનમાં શૂટિંગ કરવાની મંજૂરી ન મળી એટલે આ ફિલ્મના યુનિટે ચંદીગઢમાં પાકિસ્તાન ઊભું કરી કામ ચલાવ્યું હતું. વૃંદાવનની વિધવાઓ વિશેની દીપા મહેતાની ફિલ્મ 'વોટર' નું શૂટિંગ બનારસમાં કરવા સામે તોફાનો અને દેખાવો થયાં ત્યારે થાકી હારીને છેવટે દીપા મહેતાએ શ્રીલંકામાં એવાં લોકેશન્સ શોધીને ફિલ્મનું શૂટિંગ કર્યું હતું. દેવ આનંદની ફિલ્મ 'ગાઈડ'ની વાર્તા સાઉથના માલગુડીની છે અને ફિલ્મમાં રાજુ ગાઈડને જયપુરમાં બતાવવામાં આવ્યો ત્યારે લેખક આર.કે. નારાયણે તેની ઉગ્ર ટીકા કરી હતી.

વર્ષો પહેલાં દેવ આનંદની ફિલ્મ 'તેરે ઘર કે સામને'ના એક ગીત 'દિલ કા ભંવર કરે પુકાર પ્યાર કા રાગ સુનો...' ના શૂટિંગ માટે કુતુબમિનાર ઉપર પસંદગી થઈ, પણ સત્તાવાળાઓએ મંજૂરી ન આપી ત્યારે કુતુબમિનારના અંદરના ભાગના સેટ ઊભા કરી કામ ચલાવી લેવાયું હતું.

મોટા કરતાં પણ મહાન ફિલ્મસર્જકોનેય ઘણી વાર સમાધાન કરવું પડે છે. ફિલ્મસર્જક બિમલ રોયની દિલીપકુમારની ભૂમિકાવાળી 'દેવદાસ' આજે પણ દર્શકોમાં પ્રિય છે અને તાજેતરમાં તેના સંવાદોનું પુસ્તક બહાર પડયું છે. તમને જાણીને નવાઈ લાગશે કે એક જમાનામાં અંધેરીના મોહન સ્ટુડિયોઝના પાછલા ભાગમાં બિમલ રોય સ્ટુડિયોઝ હતો અને તેની આસપાસ 'દેવદાસ'નાં કેટલાંક દૃશ્યો અને એક-બે ગીતોનું ચિત્રીકરણ થયું હતું.

રાજ કપૂરની ફિલ્મ 'બરસાત'ની કથા કાશ્મીરમાં આકાર લે છે, પણ હિરોઇન નરગિસની માતાએ બેબીને કાશ્મીર જવા ન દીધી એટલે નાછૂટકે ઘણું બધું શૂટિંગ મહાબળેશ્વરમાં કરીને જ સંતોષ માનવો પડયો હતો.

વિદેશનું શૂટિંગ હવે યુરોપ, અમેરિકા કે ઇંગ્લેન્ડ પૂરતું માર્યાદિત નથી રહ્યું. હંગેરી, રશિયા, જર્મની, ક્યુબા, શ્રીલંકા, ન્યૂઝીલેન્ડ વગેરે દેશોમાં પણ હિંદી ફિલ્મોનાં શૂટિંગ થયાં છે. કાશ્મીરમાં શૂટિંગ કરવામાં મુશ્કેલીઓ ઊભી થવા લાગી ત્યારે મોરેશિયસ અને સેસીલ્સમાં રોમેન્ટિક ગીતોના શૂટિંગ માટે ફિલ્મસર્જકો જતા હતા.

દેવ આનંદે તેની એક તદ્દન નિષ્ફળ ગયેલી ફિલ્મ 'ઇશ્ક ઇશ્ક ઇશ્ક'નું શૂટિંગ હિમાલયના એવા વિસ્તારોમાં અને એટલી ઊંચાઈએ કર્યું હતું જ્યાં કોઈ જવાનો વિચાર પણ ન કરે. મુકુલ આનંદની ફિલ્મ 'ખુદા ગવાહ' માં નેપાળનાં કેટલાંક અસામાન્ય લોકેશન્સ હતાં.

લોકેશન્સ વિદેશનાં હોય કે દેશનાં વેકેશન કરતાં પરફેક્શનને કેન્દ્રમાં રાખીને તેની પસંદગી થાય તો ફિલ્મની ગુણવત્તામાં ચાર ચાંદ લાગી જાય છે.

અને છેલ્લે

૧૯૫૪માં આવેલી શુભકરણ ઓઝાની ફિલ્મ 'નાઝ'ની ગણના વિદેશમાં શૂટિંગ કરનાર પ્રથમ ફિલ્મ તરીકે થાય છે. 'નાઝ'માં અશોકકુમાર-નલિની જયવંતની જોડી હતી. 

atshah13@gmail.com
 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com