Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 23,2013 01:22:54 AM IST
 

છવિ રાજાવતઃ MBA મહિલા સરપંચની દાસ્તાં (બ્રેકિંગ વ્યૂઝ)

Apr 14, 2012 Supplements > Columnist
 
comment     E-Mail     Print    
 
Viewed: 1159
Rate: 5.0
Rating:
Bookmark The Article

બ્રેકિંગ વ્યૂઝ - રાજ ગોસ્વામી

છવિ કહે છે, “એક ભણેલી-ગણેલી વ્યક્તિથી ગભરાઈને જિલ્લા સ્તરે, બ્લોક સ્તરે અને ગ્રામ્ય સ્તરે રાજકારણીઓ અને સરકારી બાબુઓ અવરોધરૂપ બને છે. પંચાયતો પાસે કામોની યાદી બનાવવા સિવાય કોઈ સત્તા નથી. એ બધું રાજકારણીઓ અને બાબુઓના હાથમાં હોય છે.સિસ્ટમને બદલવા નીકળેલી છવિ હાલ સિસ્ટમથી તંગ છે, પણ એણે એની મકસદમાં આગળ વધતા જ રહેવું પડશે

ભારતની પ્રથમ એમબીએ મહિલા સરપંચ બનેલી છવિ (ગુજરાતીમાં છબિ) રાજાવત બે વર્ષમાં જ પુરુષપ્રધાન વ્યવસ્થાનો શિકાર બનીને તંગ આવી ચૂકી છે. જયપુરથી ૬૦ કિલોમીટર દૂર સોડા નામના ગામના સરપંચપદે એમબીએ ભણેલી છવિ ચૂંટાઈ આવી ત્યારે એને પરિવર્તનનો ચહેરો અને બદલતા ભારતની તસવીર એવાં લેબલોથી નવાજવામાં આવી હતી.

માર્ચ ૨૦૧૧માં સંયુક્ત રાષ્ટ્રસંઘની ગ્રામીણ વિકાસ પરની બેઠકમાં જિન્સ અને ટી-શર્ટ પહેરેલી છવિ રાજાવતનો પરિચય ભારતના એક ગામડાની સરપંચ તરીકે આપવામાં આવ્યો ત્યારે કોઈને વિશ્વાસ થયો ન હતો. પહેલી નજરમાં ટોપ મોડલ અથવા બોલિવૂડ એકટ્રેસ લાગતી છવિ યકીનન એક પરિવર્તન માટે સોડાની સરપંચ બની છે.

બે વર્ષ પછી એને સિસ્ટમ અથવા વ્યવસ્થા પરેશાન કરી રહી છે. એવું લાગે છે જાણે રાજકારણીઓ અને સરકારી નોકરો જ સિસ્ટમ ચલાવે છે. પંચાયતોને મજબૂત કરવાની વાતો બેકાર અને બેમતલબની છે. ૩૧ વર્ષીય છવિ કહે છે, એને ઘણાં કામ કરવાં છે, પરંતુ સ્થાનિક સ્તરે સહકાર મળતો નથી. છવિ કહે છે, “હું સ્ત્રી છું એ મુખ્ય કારણ છે. લોકોના અહ્મને ઠેસ વાગે છે.

છવિને જાણે ચેતવણી આપવાની હોય એમ એના ઘરમાં કામ કરતા એક માણસની પીટાઈ કરવામાં આવી. છવિએ પોલીસ રક્ષણ માગ્યું તો એય ન મળ્યું. હું જો પુરુષ હોત તો આ થયું ન હોત.” કડવાશ સાથે છવિ કહે છે. ગામમાં ગેરકાયદે બનેલા તળાવમાંથી મામલો છવિ વિરુદ્ધ જઈ રહ્યો છે. સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટની પરવાનગીથી બનેલું તળાવ પાણીની અવરજવરને અવરોધી રહ્યું છે. છવિએ આ મામલો ઉઠાવ્યો એટલે એને પરેશાન કરવામાં આવી રહી છે. જોકે છવિ અવાજ ઉઠાવીને કહે છે, “અવરોધો છતાંય હું ગામવાસીઓના હક્ક માટે લડીશ. મહિલા સશક્તિકરણ માટે પ્રખ્યાત શબાના આઝમીએ પણ એમના ટ્વિટર પર આ મુદ્દો ઉઠાવીને લખ્યું છે “છવિ, તું ગ્રામીણ ભારતની અમારી મોટી આશા છો. સ્થાપિત હિતોની પરવા ન કરીશ, લડતી રહે.”

૩૧ વર્ષીય છવિ રાજાવત ભારતની કદાચ સૌથી યુવાન અને એકમાત્ર એમબીએ સરપંચ છે. એક કમ્યુનિકેશન કંપનીમાં સિનિયર મેનેજમેન્ટની આરામદાયક નોકરી છોડીને એ એના બચપણના ગામ સોડાની સેવા કરી રહી છે. છવિ કહે છે, “એમબીએ પછી હું સિનિયર મેનેજમેન્ટની જોબ કરતી હતી એ વખતે મને થયું હતું કે કંપનીને જેટલી મારી જરૂરિયાત છે એના કરતાં વધુ જરૂરિયાત મારા ગામને છે. સિસ્ટમને દોષી માનવી એ કોઈ સમસ્યાનું સમાધાન નથી. એટલે હું ગામમાં આવી ગઈ.

રાજસ્થાનના ટોંક જિલ્લામાં માલપુરાનું એક નાનકડું ગામ છે સોડા. એની સમસ્યાઓને લઈને છવિ રાજાવત અન્ય મહિલા સરપંચોથી કાફી અલગ છે. ગામ અને ગામની સમસ્યાઓની જાણકારી, સમજદારી અને સંવેદનશીલતા એમ ત્રણ સ્તરે છવિ સક્રિય છે. ગામની બેઠકોમાં લાલ રંગની સાડી-ઓઢણી પહેરેલી પારંપારિક મહિલા સરપંચના સ્થાને બ્લૂ જિન્સ અને ટોપ પહેરેલી છવિ ધાંય ધાંય અંગ્રેજી બોલે છે, પણ એણે એના વેશ અને ભાષાને ગામવાસીઓ સાથેના સંવાદમાં અવરોધ બનવા નથી દીધા.

છવિ કહે છે, “ગામમાં રહેવા છતાં મારો પહેરવેશ મારા માટે મુસીબત નથી બન્યો, કારણ કે હું આ ગામની દીકરી છું. હા, અગર હું વહુ બનીને આવી હોત તો કદાચ વાત જુદી હોત. છવિએ ચિત્તૂર (આંધ પ્રદેશ)ની ઋષિવેલી સ્કૂલમાં દસમા સુધી અભ્યાસ કર્યો છે. એ પછી એ અજમેરની મેયો કોલેજમાં દાખલ થઈ હતી. દિલ્હીની લેડી શ્રીરામ કોલેજમાંથી સ્નાતક અને પુણેમાંથી એમબીએ. ટેલિકોમ કંપનીમાં જોડાતાં પહેલાં એણે થોડા વખત સમાચારપત્રમાંય કામ કર્યું હતું.

છવિનો પરિવાર હોટેલ બિઝનેસમાં છે. છવિ એના કામને એનાં મૂળ સાથે જોડી રાખવા માગે છે. એ કહે છે, “મેં આવી કોઈ યોજના બનાવી ન હતી. હું તો એ ગામનું ઋણ અદા કરી રહી છું જ્યાં હું મોટી થઈ છું.રાજસ્થાન જેવા રાજ્યમાં જ્યાં સ્ત્રીઓ ચહેરો ઢાંકીને બહાર નીકળે છે ત્યાં છવિ રાજાવત 'મેજિક' નામના ઘોડા પર સવાર થઈને રોજ સવારે સાત વાગ્યે ગામની આજુબાજુ ચાલતાં કામો પર નજર નાખવા નીકળી પડે છે.

કદાચ છવિને આ વારસામાં મળ્યું છે. એના નાના બ્રિગેડિયર રઘુવીરસિંહ આ જ ગામમાં સરપંચ હતા અને એ જમાનામાં છવિની માને ખુલ્લા માથે ગામમાં કારમાં ઘુમાવતા હતા. છવિ કહે છે, “સામાજિક કામ કરવું મારા ખૂનમાં છે અને મેનેજમેન્ટની મારી ડિગ્રીએ મને એમાં મદદ કરી છે. પંચાયતી રાજકારણમાં મને ગામવાસીઓનો ટેકો હતો. લોકો સરપંચ બદલવા માગતા હતા અને એમણે મને સરપંચની પત્ની (જે સરપંચપદની ઉમેદવાર હતી) સામે ઊભી કરી દીધી.

છવિએ સોડા ગામનું ઇન્ટરનેટ પોર્ટલ પણ બનાવ્યું છે. એના હોમ પેજ પર છવિ કહે છે, “મારે આ (સરપંચ બનવા) માટે બહુ વિચાર કરવાની જરૂર ન હતી, કારણ કે આ એ જમીન છે જ્યાં મારાં મૂળિયાં છે. મારા વિજય માટે ગામવાસીઓ જાત-પાત, ધર્મ ભૂલીને એક થઈ ગયા હતા. એમને સાબિત કરવું હતું કે વિકાસ માટે એ રાજકીય મતભેદ કોરાણે મૂકી શકે છે. સોડામાં મને મળેલા મતોમાંથી એક ટકોય મત મારી જાતમાંથી નથી આવ્યો.

છવિ કહે છે કે એના નાના (માતાના પિતા) નિવૃત્ત થયા તે પછી ૨૦ વર્ષમાં ગામની કોઈ પ્રગતિ થઈ નથી અને એટલે જ છવિની પ્રાથમિકતા પીવાનું પાણી, વૃક્ષારોપણ, આરોગ્ય સેવા, શિક્ષણ, રોજગાર, વીજળી અને રસ્તાઓ છે. છવિની ત્રણ પેઢી આ ગામ માટે કામ કરી ચૂકી છે. છવિ એના શિક્ષણ અને કોર્પોરેટ અનુભવને શસ્ત્ર બનાવીને નવી તરાહ પર કામ કરી રહી છે. છવિ કહે છે, “એક ભણેલી-ગણેલી વ્યક્તિથી ગભરાઈને જિલ્લા સ્તરે, બ્લોક સ્તરે અને ગ્રામ્ય સ્તરે રાજકારણીઓ અને સરકારી બાબુઓ અવરોધરૂપ બને છે. પંચાયતો પાસે કામોની યાદી બનાવવા સિવાય કોઈ સત્તા નથી. એ બધું રાજકારણીઓ અને બાબુઓના હાથમાં હોય છે.

સિસ્ટમને બદલવા નીકળેલી છવિ સિસ્ટમથી તંગ છે, પણ એણે એની મકસદમાં આગળ વધતા જ રહેવું પડશે. અન્યથા -

બુલંદી દેર તક કિસ શખ્સ કી કિસ્મત મેં હોતી હૈ,

અધિક ઊંચી ઇમારત હર ઘડી ખતરે મેં રહતી હૈ.

goswami_raj@yahoo.co.in
 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com