Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 20,2013 02:45:08 PM IST
સુદ એકાદશી - નિર્જળા એકાદશી,ગાયત્રી જયંતી
 

આર્મ્સ માફિયાઓનો લશ્કર પર ભરડો (રેડ રોઝ)

Apr 14, 2012 Supplements > Columnist
 
comment     E-Mail     Print    
 
Viewed: 3682
Rate: 4.0
Rating:
Bookmark The Article

સન્ડે સ્પેશિયલ - દેવેન્દ્ર પટેલ

જનરલ વી. કે. સિંહે તો દેશસેવા જ કરી છે

નામ
જનરલ વી. કે. સિંહ
આખું નામ
વિજયકુમાર સિંહ
પિતા
લશ્કરમાં કર્નલ અને
દાદા સિનિયર જેસીઓ
કારકિર્દી

તા. ૧૪ જૂન, ૧૯૭૦ના

રોજ રાજપૂત રેજિમેન્ટ
બટાલિયનમાં ભરતી
મેડલ્સ
પરમ અને અતિ વિશિષ્ટ મેડલથી સન્માનિત

યુવાન આર્મી ઓફિસર વી. કે. સિંહે આજથી ૪૦ વર્ષ પહેલાં સેકન્ડ રાજપૂત બટાલિયનમાં ભરતી થતાં જ બાંગલાદેશની યુદ્ધભૂમિ પર જવું પડયું હતું. એ વખતે તેઓ ઇન્ટેલિજન્સ ઓફિસર હતા. પાકિસ્તાનના સૈન્યને ભારતને શરણે લાવવાની કામગીરીમાં તેઓ પણ એક હતા. એ પછી ૪૦ વર્ષ બાદ તેઓ દેશના લશ્કરી વડા બન્યા. લશ્કરી વડા બન્યા બાદ સૌથી પહેલાં તેઓ ઉંમરના વિવાદમાં સપડાયા. તે પછી તેમણે વડા પ્રધાનને એક પત્ર લખ્યો, જેમાં ભારતીય લશ્કરની ખરાબ હાલત અંગેની ભીતરી વાત તરફ ધ્યાન દોર્યું. આ પત્ર લીક થયો. પહેલાં તો એમ માનવામાં આવ્યું કે જનરલ વી. કે. સિંહે જ પત્ર લીક કર્યો છે. પાછળથી સીબીઆઈએ જનરલ વી. કે. સિંહને ક્લીનચિટ આપી.

ત્રણ પ્રામાણિક વ્યક્તિ

આ દેશની વક્રતા એ છે કે દેશની ત્રણ શક્તિશાળી વ્યક્તિઓ : વડાપ્રધાન ડો. મનમોહનસિંહ, સંરક્ષણ પ્રધાન એ. કે. એન્ટની અને દેશના લશ્કરી વડા જનરલ વી. કે. સિંહ પ્રામાણિક વ્યક્તિઓ છે. તેમની સામે ભ્રષ્ટાચારનો એક પણ આક્ષેપ નથી. દેશનું અબજોનું લશ્કરી બજેટ ધરાવતી આર્મીના વડા જનરલ વી. કે. સિંહ પાસે દિલ્હી ગુરગાંવમાં ત્રણ બેડરૂમનો ફ્લેટ અને હરિયાણા સરકાર દ્વારા આપવામાં આવેલો માત્ર એક પ્લોટ જ છે. હરિયાણા સરકાર તેમના રાજ્યમાંથી કોઈ પણ વ્યક્તિ લશ્કરના વડા બને તો એક પ્લોટ નિયમ મુજબ આપે છે. આ સિવાય જનરલ વી. કે. સિંહ પાસે કોઈ મિલકત નથી. જનરલ વી. કે. સિંહે તેમના પુરોગામી લશ્કરી વડાઓની જેમ આદર્શ હાઉસિંગ સ્કીમના કૌભાંડથી કરોડો બનાવ્યા નથી.

આવા લશ્કરી વડાએ સંરક્ષણમંત્રીનું ધ્યાન દોર્યું કે એક લશ્કરી અધિકારીએ તેમને રૂ. ૧૪ કરોડની લાંચ આપવા પ્રયાસ કર્યો હતો. આ વાત બહાર આવતાં જ લાલુ-મુલાયમ ભડક્યા. એક કોંગ્રેસી નેતાએ તેમને 'હતાશ માનવી' પણ કહ્યા. તે પછી જનરલ વી. કે. સિંહનો વડાપ્રધાનને લખાયેલો પત્ર લીક થયો. જનરલ જ ગુનેગાર હોય તેમ કેટલાક નેતાઓ તેમની પર તૂટી પડયા, પરંતુ યુપીએ સરકારને પાછળથી ખબર પડી કે જનરલ નિર્દોષ અને પ્રામાણિક છે. તેમની સાથે આંતરિક યુદ્ધ ખેલવામાં જીતી શકાય તેમ નથી એટલે અંદરથી સુલેહ થઈ ગઈ.

આંખ ઉઘાડી નાખી

જનરલ વી. કે. સિંહે પહેલી જ વાર દેશના ભીતરથી ખોખલા થઈ ગયેલા લશ્કર અને તેના સરંજામ વિશે દેશની જનતાની આંખ ઉઘાડી નાખી છે. જનરલ વી. કે. સિંહે વડાપ્રધાનને લખેલા પત્રમાં સ્પષ્ટ કહ્યું છે કે ભારતની તોપો માટે દારૂગોળો નથી. અડધોઅડધ બોફોર્સ તોપ બેકાર થઈ ગઈ છે. લશ્કરના જવાનો રાત્રે લડી શકે તે માટે નાઈટ વિઝન ગોગલ્સ નથી. એરફોર્સનાં ૯૭ ટકા ઉપકરણો કામ કરતાં નથી. રાત્રે હવાઈ હુમલો થાય તો તેને રોકવા માટેનાં ઉપકરણો સક્ષમ નથી. જનરલના મુદ્દાઓ લગભગ સાચા છે. ભારત પાસે રશિયન બનાવટનાં મીગ વિમાનો છે, જે ખામીભર્યાં છે અને તાલીમ દરમિયાન જ તૂટી પડે છે. ભારતની એર ડીફેન્સ સિસ્ટમ રશિયાએ ગોઠવી આપેલી છે. રશિયાએ આપેલી વિમાનવિરોધી તોપો આઉટ ઓફ ડેટ અને બેકાર છે.

સંરક્ષણ બજેટ

ભારતનું સંરક્ષણ બજેટ પાંચ વર્ષ પહેલાં રૂ. ૯૬,૦૦૦ કરોડ હતું જે હવે વધીને રૂ. ૧,૯૩,૪૦૭ કરોડ થઈ ગયું છે. નિષ્ણાતો માને છે કે આટલું વિશાળ બજેટ હોવા છતાં આર્મીના આધુનિકરણ માટે જેટલા રૂપિયા ખર્ચાવા જોઈએ

એટલા અપાતા નથી. લશ્કરી વડા જનરલ વી. કે. સિંહ ભારતીય લશ્કરની ભીતરી હાલત અંગે પહેલાં સંરક્ષણ પ્રધાન એ. કે. એન્ટનીને મળ્યા હતા. તેમણે ફરિયાદ કરી હતી કે લશ્કર માટે શસ્ત્ર સરંજામની ખરીદીમાં સરકારી બાબુઓ અક્ષમ્ય વિલંબ કરે છે. લશ્કરના જ કેટલાક અધિકારીઓ વચેટિયા તરીકે કામ કરે છે અને હું તેમને રોકું છું તો મારી વિરુદ્ધ ખોટી વાતો કરે છે.

સંરક્ષણ પ્રધાન સાથેની વાતચીત બાદ કોઈ જ નક્કર પરિણામ ન આવતાં જનરલ વી. કે. સિંહે છેલ્લા ઉપાય તરીકે વડાપ્રધાનને પત્ર લખ્યો હતો અને વડાપ્રધાનની દરમિયાનગીરીની માગણી કરી હતી.

જનરલની ચિંતા

સૈન્યના વડા જનરલ વી. કે. સિંહે શસ્ત્ર સરંજામ ઉપરાંત બીજી પણ કેટલીક ચિંતાઓ વ્યક્ત કરેલી છે. તેમણે વડા પ્રધાનને જણાવ્યું છે કે ચીનની હરકતો જોતાં સિલીગુડીથી નોર્થ સિક્કિમ સુધી કોઈ પણ કટોકટી વખતે ભારતીય લશ્કર જઈ શકે તે માટે ભારત-ચીન સરહદ પર એક વૈકલ્પિક માર્ગની જરૂર છે. સરહદો પર અસરકારક રીતે ભારતીય લશ્કર કામ કરી શકે તે માટેના રસ્તા બાંધવા જલદી જમીનો મળતી નથી. યુદ્ધના સમયે સરહદ પર લશ્કરને શસ્ત્ર સરંજામ સાથે ઝડપથી મોકલી શકાય તે માટે નવા રેલવે ટ્રેક્સ બાંધવા નાણાંની જરૂર છે. ભારત-તિબેટની સરહદ પર લશ્કરના અંકુશની જરૂર છે. ભારત-ચીન સરહદ પર પર્વત પર ત્રાટકી શકે તેવી ટુકડીઓ માટે એક સ્ટ્રાઇકિંગ કોર્પસ ગોઠવવા રૂ. ૧૨૦૦૦ કરોડની જરૂર છે.

જનરલે વ્યક્ત કરેલી આ બધી ચિંતાઓ પર વિચાર કરવાના બદલે કેટલાક બેવકૂફો જનરલ પર આક્ષેપ કરવા માંડયા. જનરલ વી. કે. સિંહનો આ પત્ર ખરેખર તો એક દેશપ્રેમી લશ્કરી વડાનો પત્ર છે તેમણે પહેલી જ વાર દેશની આંખો ઉઘાડી નાખી છે.

આર્મ્સ માફિયાઓ

ભારતનું સંરક્ષણ બજેટ એટલું જંગી છે કે આખી દુનિયાના આર્મ્સ માફિયાઓને તેમનો શસ્ત્ર સરંજામ ભારતને વેચવામાં રસ છે. ભારત પાસે ૧૫ લાખ જવાનોનું સૈન્ય છે. ૬૫૦ યુદ્ધ વિમાનો છે. ભારત પાસે બે એરક્રાફ્ટ કેરિયર્સ છે. ન્યૂક્લિયર પાવર્ડ સબમરિન : રશિયા પાસેથી લીઝ પર લીધેલી આઈએનએસ ચક્ર છે. ન્યૂક્લિયર પાવર્ડ બેલિસ્ટિક મિસાઈલ સબમરીન : આઈએનએસ અરિહંત- આ વર્ષથી દરિયામાં કાર્યરત થશે. તેની સામે ચીનનું લશ્કરી સૈન્ય ૨૩ લાખ સૈનિકોનું છે. ચીન પાસે ૩૫૦૦ યુદ્ધ વિમાનો છે. ડોન્ગ ફેંગ સીરિઝની અનેક ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઈલ્સ છે. પરમાણુ ઊર્જાથી ચાલતી બે બેલિસ્ટિક મિસાઈલ સબમરીનો અને પરમાણુ ઊર્જાથી ચાલતી આઠ એટેક સબમરીનો છે. પાકિસ્તાન પાસે ૬ લાખ સૈનિકોનું લશ્કર છે અને ૫૦૦ યુદ્ધ વિમાનો છે.

આ પરિસ્થિતિમાં વિશ્વના કેટલાક શસ્ત્ર સોદાગરો મૂળ કિંમત કરતાં બેવડા ભાવે ભારતને શસ્ત્ર સરંજામ પધરાવી દે છે તેમાંથી એક ટેટ્રા ટ્રક્સ છે. ટેટ્રા ટ્રક્સ કામગીરીમાં શ્રેષ્ઠ છે, પરંતુ રવિ ઋષી નામના એક વચેટિયાએ મૂળ કિંમત કરતાં ડબલ ભાવે આ ટ્રકો ભારતને વેચી દેશને લૂંટી લીધો છે. આવી જ એક ફાઈલ ક્લીયર કરાવવા આર્મ્સ લોબિસ્ટે જનરલ વી. કે. સિંહને રૂ. ૧૪ કરોડની રકમની ઓફર કરી હતી. આ ઓફરની વાત જનરલે તરત જ સંરક્ષણમંત્રીને કરી દીધી હતી. અલબત્ત, એ જ વખતે લશ્કરી વડાએ અને સંરક્ષણ પ્રધાને લાંચની ઓફર કરનાર વિરુદ્ધ એ જ વખતે પગલાં લેવાની જરૂર હતી, પણ તેમ થઈ શક્યું નહીં. અલબત્ત, એનો મતલબ એ નથી કે તેઓ તેમાં સામેલ હતા. શસ્ત્રોનો એક સોદાગર લશ્કરી વડા સુધી પહોંચી ગયો તે હિંમત પણ ઘણી અને વધુ પડતી ગણાય.

લશ્કરમાં કૌભાંડો

હવે 'દેર આયે દુરસ્ત આયે' જેવી પરિસ્થિતિ છે. એ. કે. એન્ટનીની જગાએ સરદાર પટેલ દેશના સંરક્ષણ પ્રધાન હોત કે વી. કે. સિંહની જગાએ જનરલ માણેકશા દેશના લશ્કરી વડા હોત તો શસ્ત્રના એ સોદાગરને એ જ વખતે ગિરફ્તાર કરાવી દેત.

ભારતના લશ્કરમાં કૌભાંડો એ નવી વાત નથી. પંડિત જવાહરલાલ નહેરુ વડાપ્રધાન હતા ત્યારે પણ જીપ ખરીદી કૌભાંડ થયું હતું અને તેમાં નહેરુના પ્રધાનમંડળના એક વરિષ્ઠ મંત્રી જ સામેલ હતા. ૧૯૮૭માં બોફોર્સ તોપ કૌભાંડ થયું હતું. બોફોર્સ ડીલમાં રૂ. ૪૦૦ કરોડની હેરાફેરી અને સ્વિડનની એક કંપની તરફથી આ ડીલ કરાવવા માટે રૂ. ૮૦ લાખ ડોલરની દલાલી અપાઈ હોવાનો આક્ષેપ થયો હતો. ૨૦૦૨માં કારગિલ યુદ્ધ વખતે જવાનો માટે કોફિન ખરીદવામાં પણ કરોડોનું કૌભાંડ થયું હતું. ૨૦૦૬માં નેવી વોર રૂમ સ્કેન્ડલ થયું હતું. જેમાં રિટાયર્ડ લેફ્ટ. કમાન્ડર રવિશંકરન પર મહત્ત્વના દસ્તાવેજ લીક કરવાનો આક્ષેપ થયો હતો. ૨૦૦૮માં આર્મીના રેશનમાં રૂ. ૫૦૦૦ કરોડનું કૌભાંડ થયું હતું. ૨૦૦૯માં સુકના જમીન કૌભાંડ થયું હતું. પશ્ચિમ બંગાળના સિલીગુડીમાં સુકના સ્ટેશન પાસે એક શિક્ષણ સંસ્થાને એનઓસી આપવામાં ગોટાળા થયા હતા. ૨૦૧૦માં આદર્શ હાઉસિંગ કૌભાંડ થયું. આ કૌભાંડ હેઠળ મુંબઈસ્થિત કોલાબામાં શહીદ પરિવારો માટેની અનામત જમીન પર ૩૧ માળની વસાહતી ઇમારત ઊભી કરી દેવામાં આવી. ૨૦૧૧માં વાયુસેના જમીન કૌભાંડ બહાર આવ્યું જેમાં જમ્મુ-કાશ્મીરમાં મિલિટરી કેમ્પ પાસે ૨૦૦ એકર જમીન વેચવાની સંમતિ આપી દેવાઈ.

ટૂંકમાં ભારતીય લશ્કર હવે ખોખલું છે અને ભ્રષ્ટાચારથી ખદબદે છે. જનરલ વી. કે. સિંહના કારણે જ ભારતીય લશ્કરની ભીતરી વાતો પરથી પરદો હવે હટી રહ્યો છે.

www.devendrapatel.in
 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Supplements
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com