મુંબઈ,
તા. ૧૫
ભારતીય કંપનીઓને બિહાર આવવા નીતીશનું આમંત્રણ
બિહારના મુખ્યમંત્રી નીતીશકુમાર તેમની મુંબઈ મુલાકાત મામલે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ના અધ્યક્ષ રાજ ઠાકરેના નરમ પડયા બાદ આજે મુંબઈ પહોંચ્યા હતા. બિહાર શતાબ્દી દિવસની ઉજવણીના ભાગરૂપે મુંબઈની મુલાકાતે ગયેલા નીતીશકુમારે આજે ભારતીય કંપનીઓને તેમનાં રાજ્યમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું હતું. નીતીશકુમારે તેમનાં રાજ્યમાં સૌર ઊર્જા, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે ઉદ્યોગની ઉજ્જ્વળ તક હોવાનું જણાવતાં ભારતીય કંપનીઓના માલિકોને બિહારમાં આવવા આમંત્રણ આપ્યું હતું તથા તેમને રોકાણ કરવાની અપીલ કરી હતી. આ દરમિયાન તેઓ વેદાન્ત જૂથના ચેરમેન અનિલ અગ્રવાલ, ભારત ફોેર્ગ જૂથના અધ્યક્ષ બાબા કલ્યાણી, આઇસીઆઇસીઆઇ બેંકના સીએમડી ચંદા કોચર અને એક્સિસ બેંકના અધ્યક્ષ શિખા શર્માને પણ મળ્યા હતા.
બિહાર સરકારે ગયા વર્ષે નવી ઉદ્યોગનીતિની જાહેરાત કરી હતી, જેમાં વીજળી, ખેતીલક્ષી ઉદ્યોગો, પર્યટન, અત્યાધુનિક હોસ્પિટલ, આઇટી, ટેક્નિકલ, ઉચ્ચ શિક્ષણ, ફૂડ પ્રોસેસિંગ, ઇલેક્ટ્રોનિક્સ, હાર્ડવેર જેવાં ક્ષેત્રે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે બિહારદિવસની ઉજવણી નિમિત્તે મુંબઈ આવવા સામે એમએનએસે ઉગ્ર વલણ દાખવતાં શાબ્દિક યુદ્ધ ફાટી નીકળ્યું હતું, જોકે બાદમાં રાજ ઠાકરેએ પલટી મારી હતી. એમએનએસના ઉગ્ર વલણ સામે કુમારે કહ્યું હતું કે, મુંબઈ આવવા તેમણે કોઈ વિઝાની જરૂર નથી અને બિહારદિવસ કાર્યક્રમમાં જતાં તેમને કોઈ રોકી શકે તેમ નથી જ્યારે ઠાકરેએ બાદમાં તરત જ ઠંડું વલણ દાખવતાં કહ્યું હતું કે, નીતીશકુમારના મુંબઈ આવવા સામે તેમને કોઈ વાંધો નથી.