Target G-cet – Vidhyut
આ વખતે આપણે અહીં LOGICAL REASONINGનાં થોડાં સુંદર ઉદાહરણ જોઇએ? મેનેજમેન્ટ સ્કૂલોમાં પ્રવેશ માટે લેવાતી પરીક્ષાઓમાં અતિ મુશ્કેલ ગણાતી એક પરીક્ષાના પૂર્વ પ્રશ્નપત્રમાંથી એકપ્રશ્ન જોઈએ.
ઈલાની ઉંમર યોગેશ કરતાં ત્રણ ગણી છે. સમીરની ઉંમર વૈશાલીની ઉંમર કરતાં અડધી જ છે. યોગેશ સમીર કરતાં મોટો છે.
ઉપરોક્ત માહિતી પરથી નીચેના ચારમાંથી શું તારવી શકાય?
(૧) યોગેશ વૈશાલી કરતાં મોટો છે (૨) ઈલા વૈશાલી કરતાં મોટી છે (૩) ઈલા વૈશાલી કરતાં નાની પણ હોઈ શકે (૪) ઉપરોક્ત ત્રણ વિકલ્પોમાંથી કાંઈ પણ નહીં.
પ્રશ્ન એ થાય છે કે સૌથી નાનું કોણ ? ઈલાની ઉંમર યોગેશ કરતાં ત્રણ ગણી છે એટલે ઈલા સૌથી નાની ન હોઈ શકે. વળી, સમીરની ઉંમર વૈશાલીની ઉંમર કરતાં અડધી છે એનો અર્થ એમ થયો કે વૈશાલી પણ સહુથી નાની ન હોઈ શકે. તો સૌથી નાના માટે હવે બે જ વ્યક્તિ રહીઃ યોગેશ અને સમીર અને તેમાંય યોગેશ સમીરથી મોટો છે એમ આપેલું હોવાથી સૌથી નાનું કોણ તે પ્રશ્નનો જવાબ છેઃ સમીર.
કોઈની પણ ઉંમર તો તેને જેટલાં વર્ષ પૂર્ણ થયાં હોય તેટલી જ ગણી શકાય. સમીરની ઉંમર ઓછામાં ઓછી એક વર્ષની હોય તો વૈશાલી બે વર્ષની ગણાય. યોગેશ સમીર કરતાં મોટો છે એટલે યોગેશની ઉંમર ઓછામાં ઓછી બે વર્ષની ધારીએ તો પણ ઇલા છ વર્ષની ઢાંઢી થઈ કહેવાય. એક કોષ્ટકમાં આ બધી માહિતી મૂકીએ?
જો સમીર તો વૈશાલી તો યોગેશ ઓછામાં ઓછો તો પણ ઇલા...?
|
એક વર્ષનો
|
બે
|
વર્ષની
|
બે
|
વર્ષનો
|
છ
|
વર્ષની
|
|
બે વર્ષનો
|
ચાર
|
વર્ષની
|
ત્રણ
|
વર્ષનો
|
નવ
|
વર્ષની
|
|
ત્રણ વર્ષનો
|
છ
|
વર્ષની
|
ચાર
|
વર્ષનો
|
બાર
|
વર્ષની
|
હવે ચાર વિકલ્પો જોઈ જઈએ. પહેલો વિકલ્પ છેઃ યોગેશ વૈશાલી કરતાં મોટો છે. કોષ્ટકમાં જોઈએ તો જો સમીર એક વર્ષનો હોય તો યોગેશ ઓછામાં ઓછો બે વર્ષનો હોય અને ત્યારે વૈશાલી પણ બે વર્ષની હોઈ શકે. માટે એવું કાંઇ જરૂરી નથી કે યોગેશ વૈશાલી કરતાં મોટો જ છે. આથી પહેલો વિકલ્પ નહીં ચાલે. મૂકો એને નેવે અને લ્યો બીજો વિકલ્પઃ ઇલા વૈશાલી કરતાં મોટી છે. કોષ્ટકમાં જોઈશું તો એટલું તો સ્પષ્ટ થશે કે જ્યારે યોગેશ સમીર કરતાં માત્ર એક વર્ષ મોટો હોય ત્યારે પણ વૈશાલી કરતાં ઇલા મોટી છે. માટે જો સમીર કરતાં યોગેશ એકથી વધુ વર્ષથી મોટો હોય તો તો વૈશાલી કરતાં ઇલા ઘણી મોટી થઈ શકે. માટે સમીર અને યોગેશ વચ્ચેની ઉંમરમાં જ્યારે લઘુતમ ફરક હોય છતાં પણ વૈશાલી કરતાં ઇલા મોટી હોય તો બીજો વિકલ્પ હંમેશાં સાચો રહેવાનો. માટે બીજા વિકલ્પને પહેરાવો હારતોરા અને ત્રીજા - ચોથા વિકલ્પોને પણ મૂકો તડકે.
ઉપરોક્ત પ્રશ્નમાં આપેલ માહિતી પર આધારિત એક બીજો પ્રશ્ન આ પ્રમાણે છેઃ નીચે આપેલ કઈ માહિતી ઇલાની ઉંમર કેટલી છે તે કહેવા માટે પૂરતી છે? (૧) સમીર દસ વર્ષનો છે. (૨) યોગેશ અને વૈશાલી બંનેની ઉંમર સમીરની ઉંમર કરતાં એકસરખા વર્ષથી વધુ છે (૩) ઉપરોક્ત (૧) અને (૨) બન્ને (૪) ઉપરોક્ત ત્રણમાંથી એક પણ નહીં.
એક વસ્તુ નક્કી છેઃ ઇલાની ઉંમર ત્યારે જ ખબર પડે કે જ્યારે યોગેશની ઉંમર ખબર પડે, કારણ કે ઇલા યોગેશથી ત્રણ ગણી ઉંમરની છે તેમ આપેલ છે. વળી એમ જણાવ્યું છે કે સમીરની ઉંમર વૈશાલીની ઉંમર કરતાં અડધી જ છે. એટલે પહેલા વિકલ્પથી એટલું જાણવા મળે છે કે જો સમીર દસ વર્ષનો તો વૈશાલી વીસની. પણ તેથી ઇલાની ઉંમર ન કહી શકાય, કારણ કે જો સમીર દસનો હોય અને યોગેશ અગિયારનો તો ઇલા તેંત્રીસની અને જો યોગેશ બારનો તો ઇલા છત્રીસની.
ઇલાની ઉંમરનો અંદાજ ન આવી શકે. બીજો વિકલ્પ જોઈએ તો એક વસ્તુ નક્કી થાય છે કે યોગેશ અને વૈશાલી એક ઉંમરનાં છે, પણ વૈશાલીની ઉંમર જાણવા માટે સમીરની ઉંમર ખબર હોવી જોઇએ. તેથી પહેલો અને બીજો એમ બેઉ વિકલ્પો ભેળા કરીને જોઈએ તો સમીર દસ વર્ષનો, વૈશાલી વીસની, યોગેશ પણ વીસનો અને ઇલા (માજી) સાઠનાં પાક્કાં. એટલે ત્રીજો વિકલ્પ સાચો.
એક બીજો પ્રશ્ન મેળે ઉકેલશું? પ્રશ્ન આ માહિતી પર આધારિત છેઃ
ત્રણ કુટુંબ અડખેપડખે રહે છેઃ પટેલ, ત્રિવેદી અને દાસગુપ્તા. ત્રણેય પરિવારમાં એવી પ્રણાલી છે કે રવિવારે તો આખું કુટુંબ ભેગું બેસીને જ બપોરનું ભોજન કરે. દરેક કુટુંબ અલગઅલગ સમયે જમે છે અને અલગઅલગ વાનગી ખાય છે. દરેક કુટુંબ વિવિધ વાસણમાં જમે છેઃ એક સ્ટીલનાં વાસણમાં, તો બીજું ચાંદીનાં વાસણમાં તો ત્રીજું વળી ત્રાંબાના વાસણમાં. તદુપરાંતઃ
(૧) ત્રિવેદી પરિવાર બપોરે બારના ટકોરે જમવા બેસે છે.
(૨) જે પરિવાર રીંગણાંનો ઓળો ઝાપટે છે તે ત્રાંબાના વાસણમાં જમે છે.
(૩) પટેલ પરિવાર બપોરે બે વાગ્યે જમવાનું શરૂ કરે છે.
(૪) જે પરિવારના સભ્યો સાંભારના સબડકા લે છે તે ચાંદીના વાસણમાં
નથી જમતો.
(૫) જે પરિવાર એક વાગ્યે જમવાનું શરૂ કરે છે તે રીંગણાંનો ઓળો ખાય છે.
(૬) દાસગુપ્તા કુટુંબ સ્ટીલના વાસણમાં નથી જમતું.
(૭) જે પરિવાર છેલ્લો જમવા બેસે છે તે મકાઈના રોટલા ખાય છે.
પ્રશ્ન એમ છે કે નીચેના ચાર વિકલ્પમાંથી કયો સાચો?
(૧) પટેલ પરિવાર બપોરે બે વાગ્યે મકાઈના રોટલા ખાય છે, ત્રિવેદી પરિવાર બારના ટકોરે રીંગણાંનો ઓળો ઝાપટવા બેસી જાય છે, દાસગુપ્તા પરિવાર ચાંદીનાં વાસણોમાંથી સાંભારના સબડકા લે છે.
(૨) ત્રિવેદી પરિવારના લોકો સ્ટીલના વાસણમાંથી સાંભારના સબડકા લે છે, દાસગુપ્તા પરિવાર રીંગણાંનો ઓળો ખાવા બપોરે ૧ના ટકોરે બેસી જાય છે. પટેલ પરિવાર ત્રાંબાના વાસણમાંથી મકાઈના રોટલાની ત્રમઝટ બોલાવે છે.
(૩) ત્રિવેદી પરિવાર બપોરે બાર વાગ્યે સાંભાર સબડાવવા બેસી જાય છે, દાસગુપ્તા પરિવાર બપોરે એક વાગ્યે રીંગણાંનો ઓળો ઝાપટવા બેસી જાય છે, પટેલ પરિવાર ચાંદીના વાસણમાં મકાઈના રોટલાની ત્રમઝટ બોલાવે છે.
(૪) પટેલ પરિવાર સ્ટીલના વાસણમાં મકાઈના રોટલાની ત્રમઝટ બોલાવે છે, ત્રિવેદી પરિવાર બપોરે બારના ટકોરે રીંગણાંનો ઓળો ઝાપટવા બેસે છે, દાસગુપ્તા પરિવાર ચાંદીના વાસણમાં સાંભારના સબડકા લે છે.
query@catalysis.co.in