Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 24,2013 10:14:11 PM IST
 

નિષ્ફળતાને બનાવો સફળતાની સીડી

Apr 15, 2012 Supplements > Career
 
comment     E-Mail     Print    
 
Viewed: 2696
Rate: 5.0
Rating:
Bookmark The Article

Cover Story - Khushali Dave

કરોળિયો પોતાનું જાળું ગૂંથતા કેટલી વખત પડયો એ મહત્ત્વનું નથી. અંતે તો તેણે સફળતાપૂર્વક પોતાના માટે જાળું ગૂંથી લીધું છે એ જ સકારાત્મક અંતિમ પરિણામ અને કરોળિયાની સફળતા છે. મનુષ્યએ પણ સફળતા મેળવવા કેટલો સંઘર્ષ વેઠવો પડયો અને પોતે કેટલી વખત નિષ્ફળ રહ્યો એ આંગળીના વેઢે પાક્કું કરવું જોઈએ નહીં, પણ કાર્યના પરિણામરૂપે મળેલી સફળતાના અહેસાસને પોતાનામાં હંમેશાં જીવંત રાખીને અન્ય ધ્યેય તરફ આગળ વધવું જોઈએ...

સફળતાનો અહેસાસ

યુનિવર્સિટી ઓફ મિશિગનના તજજ્ઞા અને વિદ્યાર્થીઓની ટીમે ભેગા મળીને સકસેસ મેળવવાના રસ્તા અને કોઈ પણ કાર્યમાં સફળતા હાંસલ કરવાથી મળતી ખુશીના અનુભવ ઉપર એક અભ્યાસ હાથ ધર્યો હતો. આ અભ્યાસ દ્વારા એવું તારણ મેળવવામાં આવ્યું છે કે અનેક વિઘ્નો આવ્યા બાદ જ્યારે કોઈ કાર્ય સફળ બને પછી એનો અહેસાસ કાર્ય બરાબર પાર પડયું હોવાનો સંતોષ આપે છે. યુનિવર્સિટીના સંશોધકોએ આ બાબતે કહ્યું હતું કે, ભલે કોઈ કામ પૂરું કરવા દરમિયાન વ્યક્તિએ ખરાબ અનુભવોમાંથી પસાર થવું પડયું હોય, પરંતુ જો તે કાર્ય સો ટકા સફળતા અપાવનારું બની રહે તો તે એક સુખદ અનુભૂતિ આપે છે. આ માનસિક વલણ માટે તજજ્ઞાનું માનવું હતું કે, કાર્યની સફળતા કાર્ય પાર પાડનાર વ્યક્તિ કે ટીમ માટે સકારાત્મક અનુભવ સાબિત થાય છે.

આ અભ્યાસમાં સૌથી મહત્ત્વનું તારણ એ હતું કે, વારંવારની નિષ્ફળતાથી હાર ન માનનારા લોકો માટે તેમની નિષ્ફળતા નકારાત્મક વિચારને જન્મ આપનારી નથી હોતી, પરંતુ તે માણસમાં સફળ બનવાની ભૂખ પેદા કરે છે. વળી આ અભ્યાસમાં જણાવવામાં આવ્યું હતું કે કાર્ય દરમિયાન સતત પ્રયત્ન કરવાથી હાર ન માનનારા લોકોની સફળતા પણ અદ્ભુત અને રેકોર્ડ સ્થાપિત કરી શકે એવી હોય છે.

સફળતાના અહેસાસ અંગે થયેલા આ અભ્યાસમાં પંચાવન વ્યક્તિઓને બે ભાગમાં વહેંચવામાં આવી હતી. પછી દરેકને અલગ અલગ પ્રકારની પાંચ ચોકલેટ આપવામાં આવી હતી. એ ચોકલેટ તેમને એક એક કરીને પાંચ વખત આપવામાં આવી હતી. દરેક વ્યક્તિને ચોકલેટનો સ્વાદ પારખીને તેના વિશે લખવા માટે કહેવામાં આવ્યું હતું. પાંચમી વખતમાં પહેલી ટીમને કહેવામાં આવ્યું કે તેમને આ ચોકલેટ પછી પણ એક વધુ ચોકલેટ મળવાની છે. જ્યારે અન્ય ટીમના સભ્યોને કહેવામાં આવ્યું હતું કે આ ચોકલેટ તેમની છેલ્લી ચોકલેટ છે. સંશોધકોને આ પરથી તારણ મળ્યું હતું કે, બીજા નંબરની ટીમના સભ્યો પહેલી ટીમની સરખામણીએ વધુ મજા લઈને ચોકલેટ ખાધી હતી. સંશોધકોએ સફળતાના સંદર્ભે આ ઉદાહરણ દ્વારા સમજાવ્યું હતું કે કોઈ પણ કાર્ય અંગે છેલ્લે મળેલું હકારાત્મક પરિણામ જ માનવ દિમાગ પર વધુ અસરકર્તા બને છે. આ અભ્યાસ દ્વારા માનવમનના મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ દ્વારા અન્ય કેટલાંક મુદ્દાસર તારણો અહીં ટાંકવામાં આવ્યાં છે.

નિષ્ફળતા સફળતાની ચાવી

અર્લ નાઈટિંગલે સફળતાની પ્રાપ્તિ માટે કહ્યું છે કે, દરેક યશોગાથા સાથે નિષ્ફળતા સફળતા માટેનું પ્રથમ પગથિયું છે. નિષ્ફળતા એ સફળતા પામવા માટેનો ધોરીમાર્ગ છે. નાઈટિંગલની વાત સાથે સંમત થતાં જો રાઈટ બ્રધર્સની વાત અહીં વાગોળવામાં આવે તો ૧૦ ડિસેમ્બર, ૧૯૦૩ના રોજ ન્યૂ યોર્ક ટાઈમ્સના તંત્રીલેખમાં છાપવામાં આવ્યું હતું કે, રાઈટ બ્રધર્સે હવાથી ભારે હોય તેવું એક યાન હવામાં ઉડાવવાનો પ્રયત્ન કર્યો હતો. તેમના આ વિચાર અને સંશોધન પર મળી રહેલી વારંવારની નિષ્ફળતા વિશે શંકાઓ સેવવામાં આવી હતી. આવું ક્યારેય શક્ય જ નથી એવાં નિવેદનો બાદના ગણતરીના સમયમાં જ રાઈટ બ્રધર્સની અનોખી અને ઐતિહાસિક શોધે પ્રથમ વખત કિટી હોક ખાતેથી સફળ ઉડ્ડયન કર્યું હતું. ફરી વખત મિશિગન યુનિવર્સિટીના અભ્યાસને ચકાસીએ તો રાઈટ બ્રધર્સની શોધ પરથી એ સાબિત પણ થાય છે કે સફળતાનો માર્ગ ભલે નિષ્ફળતા અને પરેશાનીઓથી કંડારાયો હોય, પરંતુ વ્યક્તિ પોતે અને લોકો કે સમાજ પણ સફળતા મળ્યા પછી નિષ્ફળતાને મહત્ત્વ આપતા નથી. સફળતા જ અંતિમ પરિણામ હોય છે.

નકારાત્મક મનોવૃત્તિ

મિશિગન યુનિવર્સિટીના મનોવૈજ્ઞાનિકોના અભ્યાસના અંતે હકારાત્મક અભિગમની ખુશીની વાત છે તો સાથે એ પણ જરૂરી છે કે નકારાત્મક અસર તમારા પર હાવી ન થવી જોઈએ. નકારાત્મક અસર માટે તમારી જ આજુબાજુ નકારાત્મક મનોવૃત્તિ ધરાવતા માણસો જવાબદાર હોય છે. નકારાત્મક મનોવૃત્તિવાળા લોકો એટલે કેવા લોકો એ જાણવા માટે એક ઉદાહરણ જોઈએ... ગરુડના ઇંડાને એક મરઘીના પાંજરામાં રાખવામાં આવ્યું. ઇડું પાકી ગયું અને એમાંથી ગરુડના બચ્ચાએ જન્મ લીધો, પણ એ બચ્ચું પોતાને મરઘીનું બચ્ચું જ સમજવા લાગ્યું અને મરઘીનાં બાકી બચ્ચાંની જેમ જ ઉછરવા લાગ્યું અને તેમનું અનુકરણ કરવા લાગ્યું હતું. તે ગરુડનું બચ્ચું મરઘીના બચ્ચાં ઊડે તેટલું જ ઊડતું હતું. ત્યાં સુધી કે જ્યારે આ ગરુડના બચ્ચાને ગરુડના ટોળા સાથે મૂકવામાં આવ્યું ત્યારે પણ તે કેટલાક સમય સુધી પોતાને મરઘીનું બચ્ચું જ સમજતું રહ્યું. તે વધુ ઊંચે ઊડતાં ડરતું હતું. આ બાબત માત્ર ગરુડના બચ્ચા માટે જ નહીં, પરંતુ માણસો માટે પણ લાગુ પડે છે કે તમે જ્યારે નિર્બળ અને નકારાત્મક મનોવૃત્તિ ધરાવતા લોકોના સંપર્કમાં રહો છો ત્યારે તેની અસર તમારા પર પણ પડે છે. જીવનની આવી દયનીય પરિસ્થિતિ વિશે મહાન વિચારક ઓલિવર વેડેલ હોમ્સે કહ્યું છે કે, ઘણાં લોકો પોતાના સામર્થ્યને ઓળખ્યા વગર અન્યોની દેખાદેખીમાં જીવનને બરબાદ કરતા હોય છે જો વ્યક્તિ પોતાની ક્ષમતાઓને ઓળખીને જીવનમાં અણધાર્યા મુકામ મેળવીને સફળતા હાંસલ કરવા માટે પણ પ્રયત્ન કરે તો તેને તેની કાબેલિયત મુજબની સફળતા મેળવતાં કોઈ રોકી શકે નહીં.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Columns/Editorial
Sulekha-Home
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com