ઉપલેટા,તા,૧પઃ
ઉપલેટાની સરકારી હોસ્પિટલમાં સર્જનના અભાવે ઉપલેટા શહેર ઉપરાંત બાવન ગામના દર્દીઓને મુશ્કેલી પડી રહી છે. જેના કારણે દર્દીઓને નાછૂટકે ખાનગી દવાખાનામાં મોંઘીદાટ સારવાર લેવી પડે છે.
- દર્દીઓને નાછૂટકે ખાનગી દવાખાનામાં સારવાર લેવી પડે છે
ઉપલેટાની સરકારી કોટેજ હોસ્પિટલના સર્જન ડો. કુબાવતની ઉપલેટાથી બદલી થયા પછી શહેર અને તાલુકાના બાવન ગામ ઉપરાંત આસપાસના બસ્સોથી વધુ ગામના ગરીબ દર્દીઓ ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આવા દર્દીઓને ફરજીયાત નાના મોટા ઓપરેશનો અને સારવાર કરાવવા માટે ખાનગી હોસ્પિટલોનો સહારો લેવો પડે છે.
ઉપલેટાની સરકારી હોસ્પિટલનો વિશાળ સંખ્યામાં દર્દીઓ લાભ લઈ રહ્યાં છે.
ખાસ કરીને ગરીબ દર્દીઓને સર્જનના અભાવે મુશ્કેલી પડી રહી છે. બદલી થયા બાદ અન્ય સર્જનની પણ નિમણૂંક કરવામાં આવી નથી. ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા માટે ગરીબ દર્દીઓને ઉછી ઉધારી કરવી પડે છે. શહેર અને તાલુકાની પ્રજાના હિતને ધ્યાને લઈ ઉપલેટાની સરકારી કોટેજ હોસ્પિટલમાં તુરત સર્જનની નિમણુંક કરવામાં આવે તેવી લોકમાગણી ઉઠવા પામી છે.