બારડોલી, તા. ૧પ
બારડોલી-મોતા રોડ બાબેન ગામ નજીક રાત્રિના અંધારામાં એક પ્રેમીયુગલ રોડની સાઈડે એકાંતમાં પ્રેમાલાપ કરી રહ્યું હતું તે દરમિયાન બે મોટર-સાઇકલ પર ધસી આવેલા ચાર અજાણ્યા ટપોરી તત્ત્વોએ પ્રેમીયુવકને માર મારી રોડની બાજુની ગટરમાં ફેંકી દઈ યુવતીને બાજુના ખેતરમાં ખેંચી જઈ ગેંગરેપ કરવાના પ્રયાસની ચકચારી ઘટનામાં ટપોરી તત્ત્વો દ્વારા રોડ પર છોડી જવાયેલી પાસિંગ વગરની મોટર-સાઇકલનો કબજો બારડોલી પોલીસે ૭ર કલાક પછી લઈને મોડેમોડે તપાસ શરૂ કરી છે.
મળતી વિગતો પ્રમાણે ત્રણ દિવસ પહેલા બારડોલી -મોતા રોડ પર બાબેનથી ઉમરાખ ગામ વચ્ચે એકાંત રસ્તે કોઈ પ્રેમી યુગલ રોડની સાઈડે પોતાની મોટર સાઈકલ પાર્ક કરી છનગપનિયા સાથે પ્રેમાલાપ કરી રહ્યા જે દરમિયાન રાત્રિનાં સમયે ત્યાંથી પસાર થતાં ચાર અજાણ્યા ટપોરી તત્ત્વોએ આ પ્રેમી યુગલને ઘેરી વળી ચારમાંથી બે ઈસમોએ પ્રેમી યુવકને માર મારી રોડની સાઈડની બાજુની ગટરમાં ફેકી દીધો હતો. ત્યાર બાદ ટપોરીઓ યુવતીને નજીકના ખેતરમાં ખેંચી ગયા હતાં. બનાવથી હચમચી ગયેલા પેલા યુવકે રોડ પર નીકળી બૂમાબૂમ ચાલુ કરી દીધી હતી, જેને લઈને વાહનચાલકો પણ ઊભા રહી ગયા હતા, યુવતીનો શોરબકોર સાંભળી ભેગા થઈ ગયેલા લોકો ખેતર તરફ આવતા જોઈને બે ટપોરીઓ મોટર સાઈકલ પર ભાગી ગયા હતા, જ્યારે અન્ય બે ટપોરીઓ પાસિંગ વગરની હીરોહોન્ડા મોટર સાઈકલ રોડ પર છોડી ભાગી ગયા હતા. પ્રેમી યુગલ પણ ક્યાંક અદ્રશ્ય થઈ ગયું હતું. આ મોટર સાઈકલ ઉપરનું સ્ટીકર જોતાં ઉનાઈના સ્પિડ ઓટો એજન્સી દ્વારા વિનેશભાઈ નાપરીયાભાઈ ગામીત (રહે.બજાર ફળિયા, કાગળિયામાળ, શુબીર તા.આહવા, જિ.ડાંગ)ને વેચવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. બારડોલી પોલીસે ૭ર કલાક પછી મોટર સાઈકલ બિનવારસી હોવાની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.