વ્યારા, તા.૧૫
સોનગઢના ઘાંચીકુવા ગામના લોકો રસ્તા અને પાણી જેવી પાયાની સુવિધા વિના ભારે હાલાકી ભોગવી રહ્યા છે. અહીં આંગણવાડી કેન્દ્ર કે પ્રાથમિક શાળાના બાળકો પણ પીવાના પાણી મેળવવા વલખાં મારી રહ્યા છે, ઠેર-ઠેર હેન્ડપંપો આવેલ હોવા છતાં જે પૈકી મોટાભાગના બંધ હાલતમાં હોવાથી પાણીનો કાળો કકળાટ ઉઠવા પામ્યો છે, ત્યારે ઘાંચીકુવાને રસ્તા-પાણીની સમસ્યાના ચક્રવ્યુહમાંથી વહીવટી તંત્ર બહાર કાઢે તેવી માંગ ઉઠી છે.
- પાણીના બોર કોરાકટ બન્યા : માત્ર એક બોર પર પાણી આવતું હોવાથી લાંબી કતારો
- શાળા, આંગણવાડી કેન્દ્રોમાં પાણીની સુવિધાનો અભાવ : આંતરિક રસ્તાઓ આજસુધી બન્યા નથી
સોનગઢ તાલુકાના આંતરિયાળ વિસ્તારમાં આવેલું ઘાંચીકુવા ગામ રસ્તા-પાણીની વિકટ સમસ્યાના ઘેરામાં સપડાયેલું રહ્યું છે. ગામમાં આવેલી ધો.૧ થી ૪ પ્રાથમિક શાળાના બાળકોને પીવાના પાણીની સુવિધા અહીં શાળાના બાળકો માટે હેન્ડપંપની સુવિધા કરાઈ હતી, પરંતુ હેન્ડપંપમાંથી દુર્ગંધ મારતું દુષિત પાણી આવતું હોવાથી પીવા માટે ઉપયોગમાં લઇ શકાતું નથી. પીવાના પાણી માટે બાળકોએ ઘરે કે પછી ફળિયામાં દોડધામ કરવી પડે છે. વાલીઓ, શિક્ષકો અને બાળકો પીવાના પાણીના કકળાટને લઇ ત્રસ્ત્ થઇ રહ્યા છે. નજીક આવેલી આંગણવાડી કેન્દ્રમાં પાણીની વિકટ સમસ્યા છે. અહીંનો હેન્ડપંપ કોરોકટ બન્યો છે, જેને લઇ આંગણવાડી સંચાલિકાઓ પણ અવઢવમાં મુકાઇ છે. બંને શૌક્ષણિક સ્થળે પીવાના પાણીની અલાયદી સુવિધા ઉભી કરવાની માંગ ઉઠી છે. ગામમાં ઠેર-ઠેર હેન્ડપંપો આવેલા છે, જે પૈકી મોટાભાગના હેન્ડપંપો બગડેલી હાલતમાં છે જયારે કેટલાંક કોરાકટ બન્યા છે. ૪૦૦ થી ૫૦૦ ઘરોની વચ્ચે એકમાત્ર હેન્ડપંપ ચાલુ હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું. આ હેન્ડપંપ પર સવારથી જ મહિલાઓની ભીડ રહે છે. એકમાત્ર હેન્ડપંપ પર લોકોનો ઘસારો રહેતો હોવાથી જેમાં પણ પાણીના તળિયા ઉંડે ગયા છે, બે બેડા પાણી ભરાયા બાદ અડધો કલાકના વિરામ કરવો ફરજીયાત બને છે ત્યારપછી જ હેન્ડપંપમાંથી પાણી નીકળે છે. આ આ ઉપરાંત ગામમાં આંતરીક રસ્તા પણ વર્ષોથી ઉબડખાબડ રહ્યા છે, રહીશો મુખ્ય રસ્તા સુધી પહોંચવા માટે ભારે હાડમારી ભોગવી રહ્યા છે. ગામમાં પાણી અને રસ્તાની પાયાની સુવિધા ઉપલબ્ધ કરવા જવાબદાર તંત્ર કામગીરી કરે તેવી આદિવાસી પ્રજાની માંગ છે.
ગામમાં પાણીની ટાંકી ધોળા હાથી સમાન
ઘાંચીકુવામાં ટાંકીનું બાંધકામ અધૂરું છોડી દેવાતાં લોકોના ઘર સુધી પાણીનું ટીપુંય પહોંચ્યું નથી. હાલમાં આ ટાંકી શોભાના ગાંઠિયા સમાન બની છે, જ્યારે બીજી તરફ ગ્રામજનો પાણીના કકળાટથી ત્રાહિમામ્ પોકારી ઊઠયા છે. ત્યારે લાખો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી ટાંકીને કાર્યરત કરવા પાણી પુરવઠા વિભાગ કાર્યવાહી કરે તે જરૂરી છે.