વડોદરા,તા.૧૫
અગાઉ પરીકથાઓમાં રાજકુંવર વિષે કહેવાતું કે રાજાનો કુંવર દિવસે ન વધે એટલો રાત્રે વધે છે. હવે આજ વાત મોંઘવારીના સંદર્ભમાં પણ લાગુ પડે છે. તેનું એક કારણ એ પણ છે કે આખરે મોંઘવારી રાજા(શાસકો)નું જ સંતાન છે. પણ સ્થિતિ એ આવી છે કે મધ્યમ અને ગરીબ વર્ગ આ મોંઘવારીમાં પીસાઇ નથી રહ્યો પણ રીતસરનો ચૂસાઇ રહ્યો છે.
- મોંઘવારી નામની રાજકુંવરી રાતે ન વધે તેટલી દિવસે વધી રહી છે
કાલ સુધી કિલોના ભાવે મળતા લીંબુ આજે નંગના ભાવે મળે છે. મરચા અને બટાકાના ભાવ એક અઠવાડિયામાં બમણાં થઇ ગયા છે. બેસન, ગરમ મસાલા, વનસ્પતિ ઘી, શુદ્ધ ઘી અને તેલના ભાવ ભડકે બળી રહ્યા છે. કાલ સુધી જે ચીજ નાસ્તાની લારી પર મફત મળતી હતી, આજે તેના એક્સ્ટ્રા ચાર્જ ચૂકવવા પડે છે. તો કેટલીક બાબતોમાં વેપારીઓએ ચાલાકી વાપરી છે. જેમ કે, ચાની પ્યાલીનો ભાવ વધારો કરવાના બદલે પ્યાલી જ નાની બનાવી નાખી. મોંઘવારીની આડ અસર એવી આવી છે કે સ્વાદ શોખીનોની મજા જ બગાડી નાખી છે. વડોદરાના જ શાયર ખલીલ ધનતેજવી આ મોંઘવારી અંગે કહે છે કે 'રગ, રગને રોમ રોમથી તૂટી જવાય છે તો પણ મજાની વાત એ છે કે જીવી જવાય છે' તો સૈૈફ પાલનપુરીનો શેર છે કે 'પૂછોના ચીજ મોંઘી કે સસ્તી છે દોસ્તો, ચૂકવી દીધા છે દામ હવે બોલવું નથી'
એક લીંબુના ૩ રૂપિયા !
લતાબેન કાલે માર્કેટમાં શાકભાજી ખરીદવા ગયા અને શાકની ખરીદી બાદ લીલો મસાલો લઇ રહ્યા હતા ત્યારે સહજતાથી જ તેઓએ શાકવાળાને કહ્યું કે અઢીસો ગ્રામ લીંબુ આપજો.... શાકવાળાએ તે વેળાએ જ લતાબેન સામે હસતાં કહ્યું કે, બેન લીંબુ કિલો નહીં કેટલા નંગ આપુ તે જણાવો. કેમ કે એક લીંબુનો ભાવ ૩ રૂપિયા છે. લીંબુના ભાવમાં તોતિંગ વધારાના પગલે હવે ખટ્ટમીઠી વાનગીઓમાંથી લીંબુનો સ્વાદ દૂર થઇ ગયો છે. વેપારીઓ તેના બદલે આમલીનો ઉપયોગ કરી રહ્યા છે. લીંબુની નાની સ્લાઇસ પણ નાસ્તાની ડિશ અને ભોજનની થાળીમાં પીરસાતી હતી તે પણ હવે ગાયબ થઇ જવા પામી છે. લીંબુનો છુટક બજારમાં ભાવ એક કિલોના રૂ.૮૫ની સપાટીને વટાવી ગયો હોવાથી આ સ્થિતિ પેદા થઇ છે.
ભજીયા, સમોસા સાથે મરચા બંધ
ફાફડા, ભજીયા,બટાકાવડા- દાળવડાં અને સમોસા એવી વાનગી છે કે જે મરચા વગર અધૂરી છે. મરચા, સંભારો અને કઢી સાથે જ આ વાનગીની મજા જામે છે. પણ છેલ્લા એક અઠવાડિયાથી કેટલાક લારીવાળાઓએ ફાફડા અને સમોસા સાથે અપાતા તળેલાં મરચા બંધ કરી દીધા છે. તેના બદલે હવે સમારેલા કાંદા અપાય છે. જ્યારે કઢીમાં પણ કરકસર કરાઇ રહી છે. અઠવાડીયા પહેલાં એવો માહોલ હતો કે ફાફડા અને સમોસા સાથે માંગો તેટલા તળેલાં મરચા અને કઢી મળતા હતા પણ આજે મરચાની માંગ કરો તો લારીવાળો ચોખ્ખી ના પાડી દે છે. મરચાનો ભાવ કિલોએ રૂ.૩૨ થઇ જતાં હવે ડુંગળી જ અપાય છે. અગાઉ જ્યારે ડુંગળીનો ભાવ વધ્યો હતો ત્યારે કોબીનું છીણ અપાતુ હતું.
સેવઉસળ સાથે એકસ્ટ્રા રસાના રૂ.૫
સેવઉસળ વડોદરાની ટ્રેડમાર્ક ડિશ છે. શહેરની એક પણ ગલી-મહોલ્લો એવો નહીં મળે કે જ્યાં સેવઉસળની લારી નહીં હોય. વડોદરામાં સર્વાધિક ખવાતી વાનગીમાં તીખા તમતમતા સેવઉસળનો સમાવેશ કરી શકાય. શ્રમજીવીથી માંડીને એક્ઝીક્યૂટિવ લોકો રોજ સવારે નાસ્તા માટે સેવઉસળ પર જ પસંદગી ઉતારે છે. તેનું એક કારણ એ છે કે સેવઉસળ સ્વાદિષ્ટ હોવાની સાથે તેની સાથે રસો અને તરી માંગો તેટલી મળે છે. એટલે એક પ્લેટ સેવઉસળમાં સવારે જેટલી ભૂખ હોય તેટલા બન (બ્રેડ) આરામથી ખાઇ શકો છો. પણ મોંઘવારીએ શેનારિઓ બદલી નાંખ્યો છે. દાળ,ગરમ મસાલો અને લીલા મસાલાના ભાવમાં વધારો થતાં હવે એકસ્ટ્રા રસો આપવો પોસાય તેમ નહીં હોવાથી લારીઓ પર 'એકસ્ટ્રા રસાના પાચ રૂપિયા' લખેલા પાટીયા લટકતાં થઇ ગયા છે.
વડાપાઉં-પફના ભાવ બમણા થયા
વિદ્યાર્થીઓ અને યુવા વર્ગમાં પ્રિય એવા વડાપાઉં અને પફને પણ મોંઘવારીએ અડફેટમાં લઇ લીધા છે. ચણાનો લોટ, તેલ અને હવે બાકી હતું તે બટાકાના ભાવમાં પણ વધારો થતાં વડાપાઉં અને પફના ભાવમાં વેપારીઓએ વધારો કરી દીધો છે. આ ભાવ વધારો લગભગ બમણો થયો છે.અગાઉ વડાપાઉં અને પફ ૮ રૂપિયાના નંગના ભાવે મળતા હતા આજે તેનો ભાવ રૂ.૧૨ થી ૧૫ થઇ ગયો છે. વડાપાઉં અને પફ કોલેજિયન અને વિદ્યાર્થીઓનો ફેવરીટ નાસ્તો છે. એટલે મોંઘવારીએ વિદ્યાર્થીઓના પોકેટમની પર સીધી અસર પાડી છે. હવે મધ્યમવર્ગના વિદ્યાર્થીના ફ્રેન્ડઝને વડાપાઉં-પફની પાર્ટી આપવી પોસાય તેમ નથી.આટલુ ઓછું હોય તેમ પફ સાથે અગાઉ ટોમેટો કેચઅપનું પાઉચ અપાતુ હતું તે પણ વેપારીઓએ બંધ કરી દીધું છે.