મુંબઈ, તા. ૧૫
ઇન્ફોસિસની મૂડીનું સૌથી વધુ ધોવાણ
શેરબજારમાં નરમાઈ વચ્ચે ગયા સપ્તાહે આઈટી કંપનીઓ ઇન્ફોસિસ અને ટીસીએસનાં નેતૃત્ત્વમાં સેન્સેક્સની ટોચની છ કંપનીઓનાં સંયુક્ત બજારમૂલ્ય (એમ-કેપ)માં રૂ. ૬૪,૧૨૨ કરોડનો ઘટાડો થયો હતો. ઇન્ફોસિસે શુક્રવારે તેના ચોથા ત્રિમાસિક ગાળાના આવકના અહેવાલ જારી કર્યા અને આ નાણાકીય વર્ષ માટે તેની આવકનાં નબળાં ગાઇડન્સના અહેવાલ જારી કર્યા બાદ ઇન્ફોસિસનું બજારમૂલ્ય રૂ. ૨૫,૬૭૭ કરોડ ઘટીને રૂ. ૧,૩૮,૦૦૪ કરોડ થઈ ગયું હતું.
ઇન્ફોસિસનાં પરિણામોથી હતાશ રોકાણકારોએ મોટાપાયે વેચવાલી કરતાં તેના શેરનો ભાવ એક જ દિવસમાં ૧૩ ટકા ઘટતાં તેનું બજારમૂલ્ય રૂ. ૨૦,૦૦૦ કરોડ જેટલું ઘટી ગયું હતું. વિશ્લેષકોએ જણાવ્યું હતું કે સમગ્ર આઈટીઉદ્યોગ માટે ઇન્ફોસિસનાં ગાઈડન્સ બેન્ચમાર્ક સમાન છે ત્યારે આગામી વર્ષ માટે ઇન્ફોસિસે આવકનાં જે નબળાં ગાઈડન્સ આપ્યાં છે તે બજાર માટે સૌથી નિરાશાજનક બાબત હતી.
દેશની બીજી સૌથી મોટી આઇટી કંપની ટીસીએસનાં બજારમૂલ્યમાં પણ રૂ. ૨૧,૨૯૫ કરોડનો ઘટાડો થતાં તેની માર્કેટવેલ્યૂ રૂ. ૨,૦૯,૩૩૪ કરોડ થઈ હતી. સેન્સેક્સની ટોચની છ કંપનીઓમાં ઇન્ફોસિસ અને ટીસીએસે જ સંયુક્તપણે રૂ. ૪૬,૯૭૨ કરોડનું નુકસાન નોંધાવ્યું છે. સરકારી માલિકીની ઓએનજીસીનું મૂલ્ય પણ રૂ. ૧૦,૭૩૮ કરોડ ઘટયું છે તેથી તેની એમ-કેપ રૂ. ૨,૨૩,૧૬૯ કરોડ સુધી પહોંચી છે.
ભારતી એરટેલે પણ શુક્રવારના બજારના કડાકામાં રૂ. ૨,૮૬૭ કરોડ ગુમાવ્યા છે, તેની માર્કેટ કેપ હવે રૂ. ૧,૨૨,૪૫૧ કરોડ થઈ છે. કોલ ઇન્ડિયા લિમિટેડ અને અન્ય કંપનીઓએ પણ શુક્રવારના કડાકામાં જંગી રકમ ગુમાવી છે. શેરબજારમાં મંદી અને અન્ય અનેક પરિબળોનાં પરિણામસ્વરૂપે કંપનીઓનાં બજારમૂલ્યમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
આ કંપનીઓથી વિપરીત છેલ્લાં સપ્તાહમાં આરઆઈએલ, આઈટીસી, એસબીઆઈ અને એચડીએફસી બેન્કનાં બજારમૂલ્યમાં વધારો થયો છે. રિલાયન્સનું બજારમૂલ્ય રૂ. ૧,૩૫૯ કરોડ વધીને રૂ. ૨,૪૬,૦૦૦ કરોડ સુધી પહોંચ્યું છે જ્યારે આઈટીસીએની એમ-કેપ રૂ. ૭,૦૭૬ કરોડ વધીને રૂ. ૧,૮૪,૬૭૧ કરોડ થઈ છે. એસબીઆઈની માર્કેટવેલ્યૂૂ રૂ. ૨,૯૯૪ કરોડ વધીને રૂ. ૧,૪૦,૪૨૬ કરોડ જ્યારે એચડીએફસીની એમ-કેપ રૂ. ૮૫૫ કરોડ વધી હતી, જે રૂ. ૧,૨૪,૨૭૧ કરોડ હતી.
સેન્સેક્સમાં ટોચની છ કંપનીઓનું બજારમૂલ્ય
કંપની ઘટાડો વર્તમાન બજારમૂલ્ય
|
ઇન્ફોસિસ
|
રૂ. ૨૫,૬૭૭
|
રૂ. ૧,૩૮,૦૦૪
|
|
ટીસીએસ
|
રૂ. ૨૧,૨૯૫
|
રૂ. ૨,૦૯,૩૩૪
|
|
ઓએનજીસી
|
રૂ. ૧૦,૭૩૮
|
રૂ. ૨,૨૩,૧૬૯
|
|
ભારતી એરટેલ
|
રૂ. ૨,૮૬૭
|
રૂ. ૧,૨૨,૪૫૧
|
|
કોલ ઇન્ડિયા
|
રૂ. ૨,૪૩૨
|
રૂ. ૨,૧૩,૩૩૫
|
|
એનટીપીસી
|
રૂ. ૧,૧૧૩
|
રૂ. ૧,૩૭,૨૦૪
|
નોંધ : તમામ આંકડા કરોડમાં છે.