વૉશિંગ્ટન, તા. ૧૫
શરીરમાં રાસાયણિક પ્રક્રિયાનું સંતુલન જળવાય છે
જો તમારે હાર્ટએટેક અને ડાયાબિટીસ તેમજ મેટાબોલિક સિન્ડ્રોમથી બચવું હોય તો દરરોજ કાજુ, બદામ અને અખરોટ તેમજ પિસ્તા ખાવા જોઈએ તેવું એક નવા અભ્યાસનાં તારણ પરથી જાણવા મળ્યું છે. બ્રાઝિલ નટ્સ, હેઝલ નટ્સ પાઇન નટ્સ જેવાં નટ્સ પણ આવા રોગો સામે રક્ષણ આપે છે. આવાં નટ્સ શરીરમાં થતા રાસાયણિક પરિવર્તનોનું સંતુલન પણ જાળવે છે.
આવાં નટ્સ ખાવાથી લિપોપ્રોટિન અને કોલેસ્ટરોલનું પ્રમાણ જળવાઈ રહે છે અને શરીરમાં એસિટિક અસરો ઓછી થાય છે જેને પરિણામે હાર્ટના રોગોથી બચી શકાય છે.
કાજુ, બદામ, અખરોટ અને પિસ્તા ખાવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તેને કારણે શરીરમાં ખોટી ચરબી જમા થતી નથી અને વજન પણ વધતું નથી, આ ઉપરાંત બૉડી માસ ઇન્ડેક્સ ઓછો રહે છે તેમ લુઇસિઆના યુનિર્વિસટીના પ્રોફેસર કેરોલ ઓ નીલે જણાવ્યું હતું. આવાં નટ્સ લેનાર લોકોનું વજન ૪.૧૯ પૌંડ ઓછું રહે છે જ્યારે બૉડી માસ ઇન્ડેક્સ ૦.૯ કેજી-એમ-૨ રહે છે અને કમરનો ઘેરાવો ૦.૮૩ ઈંચ ઓછો રહે છે.
સંશોધકો દ્વારા ૧૯ વર્ષથી વધુ વયનાં ૧૩,૨૯૨ લોકોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. સંશોધકોનાં તારણ મુજબ નટ્સ ખાવાથી મેટાબોલિક સિન્ડ્રોમમાં ૫ ટકાનો ઘટાડો થાય છે, જો મેટાબોલિક સિન્ડ્રોમ વધે તો હાર્ટના રોગો અને સ્ટ્રોક તેમજ ટાઇપ-૨ ડાયાબિટીસનું જોખમ વધે છે.
કાજુ, બદામ, અખરોટ અને પિસ્તા ખાવાના ચાર ફાયદા છે, તેનાથી કમરનો ઘેરાવો વધતો નથી, હાઈ બ્લડપ્રેશર અંકુશમાં રહે છે, બ્લડસુગર વધતું નથી. લિપોપ્રોટિન અને કોલ્સ્ટરોલનું પ્રમાણ વધતું નથી.