બેલફાસ્ટ, તા. ૧૫
મેમોરિયલ શિપ બાલ્મોરલના મુસાફરોએ દરિયામાં પુષ્પાંજલિ આપી
મૃતકોની યાદમાં મૌન પાળી પ્રાર્થના કરી
ટાઇટેનિક ડૂબ્યાની ૧૦૦મી વરસીની યાદમાં વિશ્વભરમાં અલગ અલગ કાર્યક્રમ થઈ રહ્યા છે ત્યારે આ દરમિયાન તેના રૂટ પર નીકળેલું મેમોરિયલ શિપ એમએસ બાલ્મોરલ ક્રૂઝ ગઈ કાલે રાત્રે જહાજ ડૂબ્યું હતું તે સ્થળે પહોંચ્યું હતું. ટાઇટેનિક ન્યૂ ફાઉન્ડલેન્ડના કિનારેથી ૪૦૦ માઇલનાં અંતરે સમુદ્રમાં ડૂબ્યું હતું. બાલ્મોરલ અહીં બરાબર ૧૧-૪૦ વાગ્યે પહોંચ્યા બાદ તેના મુસાફરોએ દરિયામાં ફૂલ અર્પણ કર્યાં હતાં. એટલાન્ટિક મહાસાગરનાં આ સ્થળે ન્યૂયોર્કથી ઊપડેલું અન્ય એક જહાજ અજમારા જર્ની પણ પહોંચ્યું હતું. મેમોરિયલ શિપના મુસાફરોએ દરિયામાં પુષ્પો અર્પણ કરી મૃતકોની યાદમાં પ્રાર્થના કરી હતી.
ગત રવિવારે સાઉધમ્પ્ટનથી ૧,૩૦૯ મુસાફરોને લઈને ઊપડેલાં આ ક્રૂઝમાં ટાઇટેનિક દુર્ઘટનામાં માર્યા ગયેલાં લોકોનાં ૫૦ જેટલાં સગાંનો પણ સમાવેશ થાય છે.
ટાઇટેનિક જળસમાધિની શતાબ્દીની યાદમાં તેનાં નિર્માણસ્થળ બેલફાસ્ટમાં પણ લોકોએ એકત્રિત થઈ તેની સ્મૃતિમાં એક મિનિટનું મૌન રાખ્યું હતું. ટાઇટેનિકનું નિર્માણ ઉત્તર આયર્લેન્ડમાં આવેલા બેલફાસ્ટના શિપયાર્ડમાં કરવામાં આવ્યું હતું. બેલફાસ્ટના સિટી હોલમાં એક બેન્ડ દ્વારા અહીં કેટલાંક પ્રાથર્નાગીતો ગવાયાં હતાં. તો એક મિનિટનાં મૌન બાદ અહીં જાણીતું પ્રાર્થનાગીત 'નિઅરર માય ગોડ ટુ ધી...લ્લ ગાવામાં આવ્યું હતું, એવું કહેવાય છે કે જહાજનાં બેન્ડે જહાજ ડૂબતું હતું ત્યારે અંતમાં આ ગીતની ધૂન વગાડી હતી. જહાજ બનાવવામાં બેલફાસ્ટના એન્જિનિયરોનું પણ યોગદાન હતું. અહીં ટાઇટેનિકની ૧૦૦મી વરસીની યાદમાં એક ટાઇટેનિક સ્મૃતિભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં કાંસાની તકતી પર મૃતકોનાં નામની યાદી મૂકવામાં આવી છે.