આદિવાસીઓ દ્વારા બોડેલી નસવાડી રોડ પર ચક્કાજામ
બોડેલી, તા. ૧૫
રેતી ભરેલા વાહનો બેફામ રીતે હાઇવે પર હંકારતા હોઇ તાંદલજામાં રોષે ભરાયેલા આદિવાસી, બારીયા સમાજના લોકો આજે બપોરે રસ્તા પર ધસી જઇ રસ્તા રોકો આંદોલન કરી હલ્લાબોલ કરતા ભારે તનાવ સર્જાયો હતો. ઉશ્કેરાયેલા ગ્રામજનો પૈકી એક જણે ટ્રક રસ્તા પર આડી મુકી દઇ રેતીના વાહનો વાળાનો ઉધડો લઇ જોવા જેવા દૃશ્યો સર્જાયા હતા. કેટલીક ટ્રકોમાંથી ડ્રાઇવર ટ્રકને રોડ પર મુકી ત્યાંથી ભાગી છુય્યા હતા. બપોરે ૩-૩૦ વાગે બોડેલી નસવાડી સ્ટેટ હાઇવે પરનો તાંદલજાનો ભાગ ચક્કાજામ થઇ ગયો હતો.
- ટ્રક ચાલકો તેમના વાહન રોડ પર મૂકી નાસી છૂટયા
રેતીના વાહનો નિરંકૂશ બની દોડતા હોવાથી તાંદલજાવાસીઓએ હલ્લાબોલ સર્જાતા ભારે તનાવ અને દહેશતભરી સ્થિતિનું સર્જન થયું હતું. હાથમાં લાઠી લઇ યુવાનોએ ટ્રકોને અટકાવી પુર ઝડપે ટ્રકો કેમ દોડાવાય છે તેમજ સામેથી આવતી ટ્રકની ઉપર કેમ ગાડી નાખવામાં આવે છે? તે કારણ આગળ ધરી વાહતુકોનો ઉધડો લઇ નાખ્યો હતો. રેતીની ટ્રકો પરના આક્રોશનો ભોગ અન્ય વાહનો વાળાને પણ બનવું પડયું હતું.
બોડેલી વિસ્તારમાં આવેલ વિવિધ રેતી લીઝો પરથી ટ્રકો ભરી આ રોડ પરથી નીકળતા રોડ પર આવેલા ગામોની પ્રજાને ભારે સહન કરવું પડે છે રેતીના વાહનો બેફામ, નિરંકૂશ દોડતા હોવાથી તેના પર કોઇનો કાબૂ રહેતો નથી. વહીવટીતંત્ર તેમને કંઇ કહેતું નથી જેથી તાંદલજા જેવા ગામના નાગરિકોને જન સલામતીનું પણ જોખમ લાગતું હતું. બાળકો, અબાલવૃધ્ધોને રોડ ક્રોશ કરવાનું ભારે પડી જાય છે. વળી અત્રે નીકળતા વાહનો સ્પર્ધા કરતા હોવાથી ઓવરટેક કરવામાં કે સાથે આવતા વાહનના વાહતુકને પીડવવા માટે ઉપર નાખી દેતા હોઇ તેનો પણ રોષ કેટલાક વ્યક્ત કરતા હતા. એક યુવાન હાથમાં જેકની ટોમી લઇ ટ્રક ચાલકોને ઉગામી પોતાનો રોષ ઠાલવતો હતો. તો બીજાના હાથમાં લાઠી હતી આમ રેતીના ટ્રક ચાલકોના અનિયંત્રિત ડ્રાયવીંગને કારણે આજે બપોરે રસ્તા રોકો આંદોલન કરવું પડયું હતું.રેતીની ટ્રકોના વારંવારે છાશવારે જીવલેણ અકસ્માતો સર્જાય છે. જેના માટે પોલીસ, આર.ટી.ઓ. અને મામલતદારના સંયુક્ત પ્રયાસોથી આવા અકસ્માતો ન થાય, નિર્દોષ માનવ જીંદગીઓ મોતના મુખમાં ન ધકેલાય તે વાસ્તે યોગ્ય વ્યવસ્થાઓ જરૃરી છે. નહીંતર તાંદલજાની જેમ બીજા પ્રાંતોમાં પણ પ્રજા કાયદો હાથમાં લઇ હલ્લોબોલ કરે તો નવાઇ નહીં.
વિજય તા. ૧૫