Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 23,2013 01:30:04 AM IST
 

શાહી કારોની શાહી સવારી

Apr 16, 2012 Ahmedabad > Ahmedabad City
 
comment     E-Mail     Print    
 
Viewed: 866
Rate: 0
Rating:
Bookmark The Article

 અમદાવાદ,તા.૧૫

અમદાવાદમાં ગુજરાત વિન્ટેજ એન્ડ કલાસિક કાર કલબ દ્વારા વિન્ટેજ કાર રેલીનું આયોજન કરાયું હતું. રવિવારે વહેલી સવારે બ્રિટીશ કાળ વખતની વિન્ટેજ અને કલાસિક કાર રેલીને નિહાળવા શહેરીજનોની ભારે ભીડ ઉમટી હતી. રાજવી ઠાઠ ધરાવતી કાર રેલીની શાહી સવારીનું જયારે લો ગાર્ડન ખાતેથી પ્રસ્થાન થયું ત્યારે શહેરીજનોએ ચિચિયારીઓ પાડી ઉત્સાહમાં વધારો કર્યો હતો.

  • બિટલથી માંડીને મોરિસ માઇનોર નિહાળી શહેરીજનો રોમાંચિત થઇ ઉઠયાં
  • અમદાવાદમાં બ્રિટિશ કાળમાં રાજવી ઠાઠ ધરાવતી કારો જોઇ જૂના જમાનાનાં દ્રશ્યો તાદ્રશ્ય થયાં
  • વિન્ટેજ કારોનું કલેકશન નિહાળવા લોકો સપરિવાર આવ્યાં
  • કલાસિક કારોની રેલીનાં પ્રસ્થાન વખતે લૉ ગાર્ડન ખાતે ભારે ઉત્સાહ
  • શહેરીજનોની ચિચિયારીઓથી સીજી રોડ ગૂંજી ઉઠયો : રેલીના રૂટ પર ભારે ભીડ   

વિતેલા દાયકામાં રાજા મહારાજા અને રાજવી પરિવારોની સ્ટેટસ સિમ્બોલ સમાન કારોને નિહાળવાનો લ્હાવો જ કઇંક અલગ હતો. શહેરના લૉ ગાર્ડન પાસે સમર્થેશ્વર મહાદેવ પાસેના પ્રાંગણમાં ૧૯૩૪ની મોરિસ માઇનોર, ૧૯૬૩ની શેવરોલે ઇમ્પાલા, ૧૯૨૯ની એસ્ટીન, ૧૯૬૮ની ફોક્સવેગન બિટલ સહિતની ૩૦ વિન્ટેજ અને કલાસિક કારો મુકાઇ હતી. આ કારોએ અમદાવાદીઓમાં આકર્ષણ જન્માવ્યું હતું. કારો જોવા માટે વહેલી સવારના સાત વાગ્યાથી શહેરીજનો ઉમટી પડયાં હતાં. વિન્ટેજ કારો જોવા માટે અમદાવાદીઓ કેટલાં ઉત્સાહી છે તે ભારે ભીડ પરથી પ્રર્દિશત થતું હતું. સૌ કોઇ વિન્ટેજ કાર પાસે આગવી અદામાં ગોઠવાઇને તે ક્ષણને કેમેરામાં કંડારવા મુશગુલ બન્યાં હતાં. મોટાભાગના લોકો બાળકો સાથે સપરિવાર આવ્યાં હતાં. બિટલથી માંડીને મોરિસ માઇનોર વિશે માત્ર જાણકારી જ નહિ પણ કારમાલિકો પાસેથી કારની વિશેષતાની પણ ઝીણવટભરી માહીતી મેળવીને રોમાંચ અનુભવ્યો હતો. લોકોની ભીડ જોઇને કારધારકો પણ તેઓ અમુલ્ય ખજાનાના માલિક છે તેવો ગર્વ અનુભવી રહ્યાં હતાં.

સાડા આઠ વાગે રેલીના પ્રસ્થાન થવાનો સમય નિર્ધારિત હતો પણ ભીડ એટલી હતી કે, રેલીનું નવ વાગ્યે પ્રસ્થાન કરાયું હતું. તે વખતે એક પછી એક વિન્ટેજ કારોનો શાહી કાફલો રવાના થયો ત્યારે લૉ ગાર્ડન અને સીજી રોડની બંન્ને બાજુએ લોકો ગોઠવાઇ ગયાં હતાં. જેમ જેમ મહારાજા ઠાઠ ધરાવતી કારો પસાર થતી ત્યારે લોકો ચિચિચારી પાડીને તેને વધાવી લેતા હતા.

સૌથી જૂની કાર-૧૯૨૯ની એસ્ટિન ઓસ્ટિન

વર્ષ ૧૯૨૯ની એસ્ટિન ઓસ્ટિન કાર અમદાવાદમાં છે. કારના ઓનર હિતેન વસંત કહેછેકે,આ કાર કચ્છના મહારાજાના નામે રજીસ્ટ્રેશન થયેલી છે અને નાયબ સુબેદારના સહીસિક્કા સાથેની આરસી બુક છે. આજથી નવ વર્ષ અગાઉ કચ્છના એક જૈન કુંટુબ પાસેથી એસ્ટિનની ખરીદી કરાઇ હતી.૩૦ કિમીની ઝડપે દોડતી એસ્ટિનને જોવા ભારે ભીડ જામે છે.વર્ષમાં એકાદ વાર જ તેમાં ફરવાનું થાય છે.

આખા વિશ્વમાં હાલ માત્ર ચાર જ મોરિસ માઇનોર કાર છે

આખાયે વિશ્વમાં આજે માત્ર ચાર જ મોરીસ માઇનોર કારો અસ્તિત્વમાં રહી છે તેમાંથી ભારતમાં બે કારો છે. અમદાવાદમાં પાર્થસારથી મોરિસ માઇનોર કાર ધરાવે છે.તે કહે છેકે, મોરિસ માઇનોર માત્ર અમદાવાદમાં મારી પાસે છે અને બીજી કાર જોધપુરના મહારાજા પાસે છે. આવી વિન્ટેજ કારની જાળવણી કરવી ઘણી અઘરી છે. સ્પેર્પાર્ટસના અભાવે તેમાં સુધારા કરવા પણ મુશ્કેલ છે

વીતેલા દાયકાની ટુ સીટર સ્પોર્ટ્સ કારનો દબદબો હતો

એક જમાનામાં રેસિંગ કારમાં મોરિસ માઇનોર કારનો ભારે દબદબો હતો. ટુ સિટર સ્પોર્ટસ કારે ખાસ કરીને યુવાઓમાં આકર્ષણ ઉભુ કર્યું હતું. ૧૯૨૯ની મોરિસ માઇનોર કારના ઓનર વરુણ ગજજર કહે છેકે,ઇંગલેન્ડ બનાવટની ૧૦૦૦ સીસીની આ કારની પ્રતિ કલાક ૭૦- ૮૦ની ઝડપ હતી. વરુણ નવ વિન્ટેજ કારો ધરાવે છે. એક સમયે આ ગાડીઓ માર્ગો પર ફરતી ત્યારે લોકો તેને નિહાળવા થંભી જતા હતા.

આર્મ્ડ વાહનો બનાવતી કંપનીની સનબિમ ટેલબોટ કાર

ભારતમાં ૧૯૪૭ની સનબિમ ટેલબોટ કાર ધરાવનારાંઓની સંખ્યા જુજ છે. વર્ષો અગાઉ યુધ્ધમાં વપરાતી ટેન્કો બનાવનારી કંપનીએ સનબિમ ટેલબોટ કાર બનાવવાનું શરુ કર્યું હતું. અમદાવાદમાં ચાર સિલિન્ડરની આ વિન્ટેજ કાર માત્ર સલીલ ગૌરાંગ શેઠ ધરાવે છે. તેઓ કહે છેકે, મારા પિતાએ ૨૫ વર્ષ પહેલાં ખરીદી હતી. હવે મને પણ વિન્ટેજ કારોનો શોખ જાગ્યો છે.આજે વિશ્વમાં ૧૫૦થી ઓછી કારો હશે.

એ સમયે સ્વ. સંજય ગાંધીની કાર હતી

શહેરના રાજેશનાથ ૧૯૬૮ની ફોક્સવેન બિટલ કારના માલિક છે. આ કાર ૧૨૦૦સીસી અને ચાર સિલિન્ડર ધરાવે છે. રાજેશનાથના મતે, એક સમયે આ કાર સ્વ. સંજય ગાંધીની હતી. સમય જતાં આ કાર સ્વ. ઇન્દિરા ગાંધીએ તેમના પર્સનલ ફોટોગ્રાફરને ભેટરૂપે આપી દીધી હતી. આ ફોટોગ્રાફરે મુંબઇના કલેકટરને બિટલ કાર વેચી દીધી હતી તેમની પાસેથી આ કાર ખરીદાઇ હતી. રાજેશનાથે અત્યાર સુધીમાં ૪૦થી વધુ વિન્ટેજ કારોનું રિપેરિંગ કર્યું છે.

અન્ય વાહનો ઘૂસી જતાં વિન્ટેજ કારોનો કાફલો અટક્યો

રાજામહારાજા અને બ્રિટીશ શાસકોના સમયની કારોને શહેરના માર્ગો પર મહાલતી જોઇને લોકોના મનમાં જુના જમાનાની યાદો તાજા થઇ હતી. આ વખતે ટ્રાફિક ચક્કાજામ થયો હતો. શાહી કારોનો કાફલો સીજી રોડ થઇ મીઠાખળી, સ્વસ્તિક ચાર રસ્તા, ઉસ્માનપુરા, આરટીઓ, ડફનાળા થઇને એલિસબ્રિજ જીમખાના સુધીના અંતિમ ચરણમાં પહોંચ્યો હતો. શહેરના માર્ગો પર વિન્ટેજ કારો પસાર થતી હતી ત્યારે લોકોમાં ઉત્તેજનાસભર માહોલ સર્જાયો હતો. નોંધનીય છે કે, કાર રેલી જયારે સાબરમતી સર્કલે પહોંચી ત્યારે ટ્રાફિક નિયમનના અભાવે વિન્ટેજ કાર ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો કેમ કે, વચ્ચે અન્ય વાહનો ઘુસી જતાં કારચાલકોએ અટકી જવુ પડતું હતું.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com