નવી દિલ્હી 16, એપ્રિલ
દેશની આતંરિક સુરક્ષા પર કેન્દ્ર સરકારની સોમવારે મુખ્યમંત્રીઓની સાથે ચર્ચા થઇ રહી છે. આ ચર્ચા એવા સમયે થઇ રહી છે જ્યારે ઓડિશામાં નકસલીઓએ હાલમાં જ અનેક લોકોને કિડનેપ કર્યા છે. બેઠકમાં ગુપ્તચર શાખા અને આતંવકવાદ વિરોધી ક્ષમતાઓને વધુ મજબૂત બનાવવા પર ચર્ચા કરવામાં આવશે.
દિવસભર ચાલનારી આ બેઠકનું ઉદ્ધાટન પ્રધાનમંત્રી મનમોહન સિંહ કરશે, જ્યારે કેન્દ્રીય ગૃહ મંત્રી પી ચિદમ્બરમ બેઠકને સંબોધિત કરશે. બેઠકમાં જે મુખ્યમંત્રી સામેલ થશે તેમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, તામિલનાડુની મુખ્યમંત્રી જે જયલલિતા, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાનું નામ સામેલ છે.
પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી અને સત્તારૂઢ યુપીએ સરકારની મહત્વપુર્ણ સહયોગી પાર્ટી તૃણમૂલ કોંગ્રેસની અધ્યક્ષ મમતા બેનરજી આ બેઠકમાં સામેલ નહીં થાય. મુખ્યમંત્રીઓ આ બેઠકમાં રાજ્ય વિશેષના મુદ્દાઓને ઉઠાવશે. સાથે સાથે તેઓ પોલીસને આધુનિક બનાવવા માટે કેન્દ્ર પાસે જરૂરી રકમની પણ માંગણી કરી શકે છે.
ઓડિશામાં નકસલીઓ દ્વારા ગત 20 દિવસોથી બંધક બનાવવામાં આવેલા બીજુ જનતા દળ (બીજદ)ના વિધાયક ઝીના હિકાકાનો મુદ્દો ઉઠાવવાની સાથે જ આ વામ પંથી ચરમપંથ પર નિયંત્રણ લગાવવાની રીત ઉપર પણ ચર્ચા થવાની આશા છે. સૂત્રોએ જણાવ્યું કે બેઠકમાં પોલીસ સુધારો, તટીય સુરક્ષા અને કેન્દ્ર રાજ્ય સંબંધો પર ચર્ચા કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે આતંરિક સુરક્ષા પર આ બેઠક એવા સમયે થઇ રહી છે જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા પ્રસ્તાવિત રાષ્ટ્રીય આતંકવાદ નિરોધક કેન્દ્ર (એનસીટીસી) વિરૂદ્ધ અનેક રાજ્યો પોતાનો વિરોધ વ્યક્ત કરી ચૂક્યા છે. એનસીટીસી પર મુખ્યમંત્રીઓની સાથે અલગથી ચર્ચા કરવા માટે સરકારે પાંચ મે મહિનાના રોજ બેઠક બોલાવી છે.
પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજી એનસીટીસીનું હાલનું પ્રારૂપનો પ્રમુખ વિરોધ કરનારાઓમાં સામેલ છે. મમતા સિવાય તામિલનાડુ, ગુજરાત અને ઓડિશાના મુખ્યમંત્રીઓએ પણ એનસીટીસીનો વિરોધ કર્યો છે. મુખ્યમંત્રીઓના જણાવ્યા અનુસાર એનસીટીસીનું હાલનું પ્રારૂપ રાજ્યોના અધિકારોનું ઉલ્લંઘન કર્યું છે.
સૂત્રોએ જણાવ્યું કે ઓમર અબ્દુલ્લા રાજ્યોની જમીન હાલતમાં સુધારણાને ધ્યાનમાં રાખીને કેટલાંક વિસ્તારોમાં સશસ્ત્ર બળ વિશેષ શક્તિઓ અધિનિયમ (એએફએસપીએ) હટાવવાની માંગણી કરી શકે છે.
તૃણમૂલ કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ કોલકત્તામાં જણાવ્યું કે મુખ્યમંત્રીઓની બેઠકમાં મમતા સામેલ નહીં થઇ શકે છે પરંતુ એનસીટીસી પર પાંચ મે મહિનામાં થનારી બેઠકમાં હાજર રહેશે.