કવર સ્ટોરી - મહિમા પટેલ
વધતી વયની સાથે સાથે વ્યક્તિના શારીરિક બંધારણમાં ફેરફાર થાય છે અને એ અનુસાર વસ્ત્રોની પસંદગી કરવામાં આવે તો વ્યક્તિત્વ નિખરી ઊઠે છે. જેમ જુદા જુદા પ્રસંગે જુદું જુદું ડ્રેસઅપ જરૂરી બને છે એ જ રીતે ઉંમર અને શારીરિક બાંધા અનુસાર વસ્ત્રની પસંદગી કરવી જરૂરી છે. પુરુષોનાં વસ્ત્રોમાં વયનો પ્રશ્ન બહુ નડતો નથી, પણ સ્ત્રીઓએ તો પોતાનાં વસ્ત્રોની પસંદગી બાબતે વયને ધ્યાનમાં રાખીને વ્યક્તિત્વ ઉપરાંત મર્યાદાનો પણ ખ્યાલ રાખવો પડે છે. ફેશન ડિઝાઇનર કઈ ઉંમરની સ્ત્રીને કેવો પોશાક શોભશે, તેની એક ચોક્કસ ગાઇડલાઇન આપતા હોય છે. જોકે, આખરી નિર્ણય તો વ્યક્તિએ પોતે જ પોતાની ઉંમર, ફિગર (કદ-કાઠી), ત્વચાનો રંગ વગેરેને ધ્યાનમાં રાખીને કરવાનો હોય છે
રેખા, કિરણ ખેર, પ્રિયંકા ગાંધી, સોનિયા ગાંધી, ચંદા કોચર, શબાના આઝમી, શોભા ડે... આ બધામાં ઊડીને આંખે વળગતી બાબત હોય તો તે છે તેમનું ગરવાઈભર્યું ડ્રેસિંગ. આ બધી જ મહિલાઓ પોતાની ઉંમર પ્રમાણે એક આગવા ડ્રેસિંગથી સજ્જ હોય છે. ફેશનની દુનિયાને અનુસરતી યુવતીઓ તથા મહિલાઓએ પણ આ બાબત ધ્યાનમાં રાખવી જ જોઈએ કે તેમનો પોશાક તેમના વ્યક્તિત્વને નિખારતો મોટો પ્લસ પોઇન્ટ છે માટે હંમેશાં પોશાકની પસંદગી યોગ્ય રીતે જ કરવી જોઈએ. કોઈ પણ પોશાક ગમી જાય એટલે ખરીદી લેવાને બદલે સ્ત્રીઓએ પોતાની કદ, કાઠી અને વયને ધ્યાનમાં રાખીને પોશાકની પસંદગી કરવી જોઈએ. સ્ત્રીઓ માટે જિંદગીના દરેક તબક્કે વ્યવસ્થિત રીતે પ્રેઝન્ટેબલ રહેવું જરૂરી છે. એટલે સ્વાભાવિક છે કે તમે જે પોશાક ૨૦ વર્ષની વયે પહેરતા હો તે ચાળીસ કે પચાસ વર્ષની ઉંમરે ન જ પહેરી શકાય. ઘણી સ્ત્રીઓ ઉંમરલાયક હોવા છતાં આધુનિક પોશાક પહેરીને પોતે યુવાન હોવાની છાપ ઉપસાવવા માંગે છે, પરંતુ જો આઉટફિટ્સ અંગેનું તેમનૂં સિલેક્શન બરાબર ન હોય તો ફેશનમાંથી ફિયાસ્કો થતા વાર નથી લાગતી. સાથે સાથે સપ્રમાણ યુવતી પણ જો ઢંગધડા વિનાનાં કપડાં પહેરે તો હાસ્યાસ્પદ જ ઠરતી હોય છે, માટે મહિલાઓએ વયસહજ સભાનતા કેળવીને જ પોતાનું ડ્રેસઅપ કરવું જોઈએ.
આધુનિક સમયમાં સ્ત્રીઓના પહેરવેશની સાથે સાથે પાવર ડ્રેસિંગ શબ્દ ઉમેરાઈ ગયો છે. પાવર ડ્રેસિંગ એટલે કે તમારા વ્યક્તિત્વને ઓપ આપીને તમારી પાવરફુલ છબી ઊભી કરતું ડ્રેસિંગ. એક સાદું ઉદાહરણ જોઈએ તો રેખા, લતા મંગેશકર, શબાના આઝમી, કિરણ ખેર આ બધી જ સ્ત્રીઓ પોતાની વય અનુસાર વિવિધ પ્રકારના ડ્રેસિંગમાં સજ્જ જોવા મળે છે અને એ જ બાબત તેમનૂં સ્ટાઇલ સ્ટેટમેન્ટ છે. શબાના આઝમી સ્થૂળ નથી છતાં તેઓ ખૂલતા એથનિક સલવાર કમીઝ જ પહેરતાં હોય છે. રેખાનું ફિગર એકદમ સપ્રમાણ છે છતાં ભાગ્યે જ તેઓ વેસ્ટર્ન ડ્રેસીસમાં જોવા મળે છે. અત્યારની યુવતીની પસંદ પ્રિયંકા ગાંધી, સોનમ કપૂર, કરિના કપૂર પણ ઓકેઝન પ્રમાણેના ડ્રેસઅપમાં સજ્જ જોવા મળે છે. ફેશનની દુનિયામાં નિતનવા ફેરફાર થતા હોય ત્યારે ઉંમરને તથા શરીરના કદને શોભે તેવું ડ્રેસિંગ અનિવાર્ય બની રહે છે. તમે પણ જો તમારા ડ્રેસિંગમાં કેટલાક મહત્ત્વના પાસાંને ધ્યાનમાં રાખશો તો સ્માર્ટ લેડી તરીકે તમારું બજેટ અને ફેશન સ્ટેટમેન્ટ બંને જાળવી શકશો.
સ્ટાઇલ આઇકોન સોનમ કપૂર, દીપિકા પાદુકોણ, સોનાક્ષી સિન્હા ૩૦ પ્લસઃ ડ્રેસઅપ માટે થોડું વિચારવું.
સ્ત્રી જ્યારે ત્રીસેક વર્ષની થાય ત્યારે તે વીસ વર્ષની છોકરી જેવૂ બબલી ગર્લ ડ્રેસિંગ કરે તે યોગ્ય ન જ લાગે. વીસ વર્ષની વયે તમે ઓફિસ કે કોલેજમાં બબલી ગર્લ જેવા વેશમાં જાવ તો લોકો તેને વયસહજ માનશે, પરંતુ ત્રીસથી ચાલીસ વર્ષની સ્ત્રીને રૂટિનમાં એવું ડ્રેસિંગ યોગ્ય લાગતું નથી. મોટા ભાગે ત્રીસીમાં પ્રવેશેલી સ્ત્રીઓ લગ્ન કરીને બાળકો સાથે ઠરીઠામ થઈ ગઈ હોવાથી તેમના માટે સલવાર કમીઝ એકદમ યોગ્ય પહેરવેશ છે.
ત્રીસીમાં પ્રવેશેલી સ્ત્રીઓનો બાંધો સપ્રમાણ કે સ્થૂળ હોય યોગ્ય ફિટિંગના સલવાર કમીઝ તેમને શોભશે.
પાર્ટીઝમાં કે ગેટ ટુ ગેધરમાં તેઓ ફ્રોક કે અનારકલી ડ્રેસીસ, હોલ્ટર નેક ગાઉન પણ પહેરી શકે છે.
પ્રસંગ અનુસાર પહેરાતી સાડી પણ આ વયમાં યોગ્ય ડ્રેસિંગ છે.
સ્થૂળ સ્ત્રીઓ ફ્રોક પહેરવાનું ટાળે.
આ વયમાં તમે એથનિક ડ્રેસીસ અને ડિઝાઇન પહેરશો તો તમે ગરિમાસભર છાપ ઊભી કરવામાં સફળ રહેશો.
જ્વેલરીમાં મિક્સ મેચ આઇડિયા અપનાવી શકો. ખાસ કરીને તમારી પાસે પલ્સ અને જડતરની જ્વેલરીનું કલેક્શન હોવું જોઈએ.
સ્ટાઇલ આઇકોન
સોનાલી બેન્દ્રે, રવિના ટંડન, ઉર્મિલા માંતોડકર
૪૦ પ્લસ
ચાળીસી બાદ ડ્રેસઅપમાં થોડી ગરવાઈ ભળે તે સ્ત્રી માટે આવકાર્ય બાબત છે. ચાળીસ અથવા પચાસની વયે કરાતા યોગ્ય ડ્રેસિંગથી સ્ત્રીના વ્યક્તિત્વમાં એક ઠસ્સો ઉમેરાય છે. ચાળીસીમાં ડ્રેસઅપમાં વધારે પ્રયોગો કરવાને બદલે તમને જે સૂટ થતો હોય તે જ પોશાક પહેરવો જોઈએ.
એવું નથી કે તમે માત્ર આછા રંગો જ પહેરી શકો છો. તમે ડાર્ક કલરની સાથે સાથે લાઇટ યલો, પિન્ક, વ્હાઇટ, ચોકલેટ બ્રાઉન, બ્લૂ જેવા રંગનાં પરિધાન પસંદ કરી શકો છો.
સલવાર કમીઝની સાથે સાથે દુપટ્ટા સાથે વધારે પ્રયોગ કરી શકાય . સિમ્પલ સલવાર કમીઝ સાથે જ હેવી દુપટ્ટા અને એ પ્રમાણેની લાઇટ જ્વેલરી ટ્રાય કરી શકાય.
એલિગન્સ ડ્રેસઅપ માટે તમારા વોર્ડરોબમાં ટયુનિક, સાડી ને બોડીને સૂટ થતા સલવાર કમીઝ તો હોવા જ જોઈએ.
સાડી કે ડ્રેસીસ સાથે તમે બટવા, ક્લચ પર્સીસનો ઉપયોગ કરશો તો તો એ એકદમ યોગ્ય રહેશે.
ચાળીસીમાં પ્રવેશેલી સ્ત્રીને મોડર્ન લુક પસંદ હોય તો ફ્લોઇંગ ડ્રેસની સાથે બેલ્ટ પણ પહેરી શકાય.
સ્ટેન્ડ પટ્ટીના કુર્તા, ડ્રેસીસ, સ્ટેન્ડ અપ કોલર્સ, ચાઇનીઝ કોલર્સની ડિઝાઇન પણ કરાવી શકો.
ડાયમંડનું ક્લેક્શન તથા પ્લેટિનમ જ્વેલરી વયસહજ લાગશે.
સ્ટાઇલ આઇકોન
માધુરી દીક્ષિત, રેખા, શ્રીદેવી, કિરણ ખેર
અત્યારે સ્ત્રીઓ જે રીતે સજ્જ થઈ રહી છે તે જોતાં વયને અનુરૂપ ડ્રેસઅપ ખૂબ અગત્યનું બની જાય છે. વળી કયા પ્રસંગે શું પહેરવું તે નિર્ણય પણ ઘણો જ અગત્યનો બની રહેતો હોય છે. મોટા ભાગે ફેશન ડિઝાઇનર એક ચોક્કસ ગાઇડલાઇન નક્કી કરતા હોય છે કે કઈ ઉંમરની સ્ત્રીને કેવો પોશાક શોભશે. પણ એવું સમગ્રપણે ન કહી શકાય કે તે ચોક્કસ ગાઇડલાઇન પ્રમાણે સ્ત્રી તેવા પોશાકમાં શોભી જ ઊઠશે.માટે દરેક સ્ત્રીએ પોતાના ફિગર, ઉંમર, ત્વચાનો રંગ, હાઇટ વગેરે ધ્યાનમાં રાખીને જ પોશાકની પસંદગી કરવી.
ટીનેજથી માંડીને ૩૦ વર્ષ સુધી કુછ ભી પહનો!
યુવતીઓએ ફિગર અને કયા સ્થળે પોશાક પહેરવાનો છે? તે ધ્યાનમાં રાખીને પોતાનૂં વોર્ડરોબ અપડેટ કરવું જોઈએ.
સપ્રમાણ ફિગર : કોઈ ઝંઝટ નહીં
* કોલેજ ગોઇંગ ગર્લ્સ કેપ્રી, શર્ટ, સ્કર્ટ- ટોપ, ટયૂનિક અને જેગિંગ્સ કે લેગિંગ્સ, સલવાર કમીઝ તથા ડેનિમ અને ટી શર્ટ સરળતાથી પહેરી શકે છે.
* ઘણી યુવતીઓ દરેક જગ્યાએ જિન્સ ટોપમાં જ જોવા મળતી હોય છે. સામાજિક પ્રસંગોમાં આ રીતનું ડ્રેસિંગ શોભતું નથી. માટે બે ત્રણ હેવી ડ્રેસીસ વોર્ડરોબમાં જરૂર સામેલ કરવા.
* પિકનિક સ્પોટ્ પર કે ફ્રેન્ડ સાથે ગેટ ટુ ગેધરમાં જઈ રહ્યા હો તો તે જગ્યાને અનુસાર બરમૂડા અને સ્પોર્ટ્સ વેર ટ્રાય કરી શકો.
* હોલ્ટર નેક, કાઉલ નેક, ટેન્ક ટોપ સરળતાથી પહેરી શકાય.
* યુવતીઓએ કેટલાક ખાસ પ્રસંગે સાડી કે ચણિયાચોળી જેવા પરંપરાગત પોશાક પણ પહેરવા જોઈએ.
* અત્યારની ફેશન મુજબ તમે કોઇ ખાસ પ્રસંગે અનારકલી ડ્રેસીસ તો પહેરી જ શકો છો.
* ટ્રેન્ડી દેખાવા માટે તમે બે-ત્રણ જોડી સ્ટોલ જરૂર રાખો. તેને તમે ટી શર્ટ કે કુર્તા પર નાખી શકો.
* યુવાવસ્થામાં ડ્રેસિંગમાં પ્લેન કલરથી માંડીને ડાર્ક, લાઇટ કલર, પ્રિન્ટમાં વેરાઇટી જેવા ઘણા પ્રયોગો કરી શકાય છે.
* જોબ કરવાની શરૂ કરી હોય તો વર્ક કલ્ચરને ધ્યાનમાં રાખીને પોશાકની પસંદગી કરવી.
* ટ્રેન્ડી ઝોલા બેગ્સ, ફન્કી પર્સ, બેલ્ટ જેવી એક્સેસરીઝ સૂટ કરશે.
સ્ટાઇલ આઇકોનઃ સોનમ કપૂર, દીપિકા પાદુકોણ, સોનાક્ષી સિન્હા