નવી દિલ્હી, તા. 18
શાકભાજી, દૂધ અને માંસ, માછલીની કિમતોમાં થઈ રહેલ વઘારાને પગલે માર્ચ 2012માં છૂટક મૂલ્ય સૂચકાંક પર આધારિત ફૂગાવો 9.47 ટકા થઈ ગયો છે. જે ફેબ્રુઆરીમાં 8.83 હતો. બુધવારની રોજ સરકાર દ્વારા જારી આંકડાઓ અનુસાર, આ સમય દરમિયાન અનાજ અને તેની સાથે સંકળાયેલ ઉત્પાદનની કિંમત માર્ચ 2011ના સ્તરની સરખામણીએ 2.78 ટકા ઊંચો રહ્યો. માર્ચ 11ની સરખામણીમાં આ વર્ષે દૂધ અને દૂધઉત્પાદનોની કિંમત 15.22 ટકા વધ્યું જ્યારે ખાદ્ય તેલ 14.20 ટકા મોંધું થયું છે.
આ દરમિયાન ખાંડની કિમત 3.78 ટકા અને દાળની કિંમતો 4.89 ટકા ઊંચી રહી હતી. ઈંડા, માછલી, માંસની કિંમતો 10.06 ટકા વધ્યુ, જ્યારે આલ્કોહોલ પીણા 10.20 ટકા અને શાકભાજી 9.55 મોંઘી રહી હતી. નવા સંશોધિત આંકડાઓ પ્રમાણે ફેબ્રુઆરીમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારનો ફુગાવાનો દર ક્રમશ 8.36 ટકા અને 9.45 ટકા રહ્યો. આ તરફ અઠવાડિયામાં ઈશ્યૂ કરાયેલ આંકડાઓ પ્રમાણે જથ્થાબંધ મૂલ્ય સૂચકાંક આધારિત ફુગાવો માર્ચમાં આંશિક ઘટીને 6.89 ટકા પર રહ્યો હતો.