નવી દિલ્હી, તા. ૧૮
જંગી વધારાથી પ્રવાસીઓ પર બોજો ઝીંકાયો
વેકેશનની મોસમ શરૂ થાય તે પહેલાં જ તમામ એરલાઈન્સ દ્વારા વ્યસ્ત રૂટ્સ પરનાં વિમાનીભાડાંમાં જંગી વધારો કરાયો છે, આમ વિમાનીભાડાં ૧૦થી ૨૫ ટકા જેટલાં વધારવામાં આવતાં હવાઈ પ્રવાસીઓ પરનો બોજ વધ્યો છે. ઓછી જાણીતી અને ઓછી સેવાઓ આપતી એરલાઈન્સ સહિત તમામ એરલાઈન્સ દ્વારા માંદગીમાં પટકાયેલી કિંગફિશર દ્વારા મહત્ત્વના અને વ્યસ્ત રૂટ્સ પરની ફ્લાઈટ્સ બંધ કરવામાં આવતાં તેનો ગેરલાભ ઉઠાવવામાં આવ્યો છે અને રાતોરાત ભાડાં વધારી દેવામાં આવ્યાં છે.
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા આમ તો નિયમિત ધોરણે વિમાનીભાડાંની વધઘટ પર નજર રાખવામાં આવે છે પણ આ વખતનો વધારો એરલાઈન્સ દ્વારા નક્કી કરાયેલી મહત્તમ મર્યાદાની અંદર હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. સરકારે એવી દલીલ કરી હતી કે વિમાનીભાડાં બજારનાં પરિબળો આધારિત હોય છે સરકાર દ્વારા તેને નિયંત્રિત કરાતાં નથી. અલબત્ત જો નક્કી કરાયેલી પ્રાઈસબેન્ડ કરતાં તે વધુ હોય તો સરકાર પગલાં લેતી હોય છે.
કયા રૂટ પર કેટલા ભાડાં વધ્યા-------
દિલ્હી-મુંબઈ ઈકોનોમી રિટર્ન ભાડું રૂ. ૯,૦૦૦થી ૧૦,૦૦૦ હતું જે વધીને ૧૧,૩૦૦થી ૨૨,૮૦૦ થયું
દિલ્હી-બેંગ્લોર ઈકોનોમી રિટર્ન એર ફેર રૂ. ૧૨,૦૦૦થી ૧૫,૫૦૦ હતું જે વધીને રૂ. ૧૭,૦૦૦થી ૨૩,૦૦૦ થયું
દિલ્હી-કોલકાતા રૂટનું ભાડું ૧૦,૦૦૦થી ૧૨,૦૦૦ હતું જેે વધીને ૧૫,૦૦૦થી ૧૮,૦૦૦ થયું
દિલ્હીથી શ્રીનગરનું ભાડું ૧૦,૫૦૦થી મહત્તમ ૩૪,૧૯૪ સુધી કરાયું છે.
દિલ્હીથી ચેન્નાઈનું રિટર્ન ફેર ૧૫,૦૦૦થી ૨૦,૫૦૦ વચ્ચે છે
દિલ્હીથી હૈદરાબાદનું ભાડું ૧૫,૦૦૦થી ૧૯,૦૦૦ વચ્ચે છે
ભાડાં શા માટે વધ્યા ?
વિમાની ભાડાંમાં વધારા માટે કેટલાક પરિબળો મહત્વનાં છે. જેમાં કિંગફીશર દ્વારા મહત્વનાં રૂટ્સ પરની ફ્લાઈટ્સ રદ કરવાનો એરલાઈન્સો દ્વારા ગેરલાભ ઉઠાવવામાંન આવ્યો છે. વકેશનની શરૂ થયેલી મોસમ પણ ભાડાં વધવાનું એક મહત્વનું કારણ છે. આ ઉપરાંત બજેટમાં ર્સિવસ ટેક્સમાં વધારો કરવાની અસર પણ ભાડાં વધારામાં પરિણમશે.
હવે શું ?
વિમાની ભાડાંમાં વધારો થવાથી હવે હવાઈ સફર કરનારા પ્રવાસીઓએ ઊંચા દરની ટિકિટો ખરીદીને હવાઈ પ્રવાસ કરવો પડશે. કેટલાક કિસ્સામાં વધુ ભાડું ચૂકવવા પ્રવાસી તૈયાર હોવા છતાં તેમને ટિકિટો મેળવવામાં મુશ્કેલી પડશે. આવા સંજોગોમાં તેમણે બ્લેકમાં ટિકિટો ખરીદવી પડે તો પણ નવાઈ નહીં. ર્સિવસ ટેક્સનો વધારો અમલમાં આવતા પ્રવાસીઓ પર તેનો બોજ પણ વધશે.
ઓછાં ભાડાંની ઓફર પણ સસ્તી ટિકિટ મળવી મુશ્કેલ
દિલ્હી-મુંબઈના વ્યસ્ત રૂટ પર ઈકોનોમી રિટર્ન વિમાનીભાડું ફેબ્રુઆરીમાં રૂ. ૯,૦૦૦થી ૧૦,૦૦૦ હતું જે હવે વધીને ૧૧,૩૦૦થી મહત્તમ ૨૨,૮૦૦ સુધી થઈ ગયું છે. દિલ્હી-બેંગ્લોર સેક્ટર પર ઈકોનોમી રિટર્ન એર ફેર રૂ. ૧૨,૦૦૦થી ૧૫,૫૦૦ હતું જે હવે વધીને રૂ. ૧૭,૦૦૦થી ૨૩,૦૦૦ થઈ ગયું છે. દિલ્હી-કોલકાતા રૂટનું ભાડું ૧૦,૦૦૦થી ૧૨,૦૦૦ હતું જે હવે વધીને ૧૫,૦૦૦થી ૧૮,૦૦૦ થયું છે જ્યારે દિલ્હીથી શ્રીનગરનું ભાડું ૧૦,૫૦૦થી મહત્તમ ૩૪,૧૯૪ સુધી કરાયું છે. દિલ્હીથી ચેન્નાઈનું રિટર્ન ફેર ૧૫,૦૦૦થી ૨૦,૫૦૦ વચ્ચે છે જ્યારે દિલ્હીથી હૈદરાબાદનું ભાડું ૧૫,૦૦૦થી ૧૯,૦૦૦ વચ્ચે છે. ઓછાં ભાડાંની ઓફર સાથે અનેક રૂટ્સ ચલાવાઈ રહ્યા છે પણ તેમાં ય સસ્તી ટિકિટ મળવી મુશ્કેલ છે.
મે મહિનામાં ભાડાં હજી વધવાની શક્યતા
ટ્રાવેલ એજન્ટોના જણાવ્યા પ્રમાણે કિંગફિશર દ્વારા અનેક ફ્લાઈટ્સ રદ કરાયા પછી કેટલાક રૂટ્સ પરના ભાડાંમાં બમણો વધારો કરાયો છે, હવે ઓછાં ભાડાંની ટિકિટનો કોન્સેપ્ટ લગભગ બંધ થઈ રહ્યો છે. મે મહિનામાં જ્યારે રજાઓની વ્યસ્ત મોસમ શરૂ થશે ત્યારે વિમાનીભાડાં વધુ વધશે તેવી ધારણા છે. બજેટમાં ર્સિવસટેક્સમાં વધારો કરાયા પછી ભાડાં વધશે તેવું અનુમાન અગાઉ સેવાયું હતું.
ઇન્ડિગો અને જેટ એરવેઝ મેકમાયટ્રીપ પરથી હટી ગઈ
દરમિયાન ઈન્ડિગો અને જેટ એરવેઝ દ્વારા ઓનલાઈન ટ્રાવેલ પોર્ટલ મેકમાયટ્રીપ પરથી હટી જવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને સાઈટ પરની ઈન્વેન્ટરીમાં પણ ઘટાડો કર્યો છે. ડીજીસીએ દ્વારા આવાં ભાડાં સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હોવા છતાં તેઓ એકપક્ષીય રીતે અપારદર્શક ધોરણે ઓછું ભાડું લેતાં હોવાનો તેમના પર આક્ષેપ કરાયો હતો. પોર્ટલ દ્વારા આવી એરલાઈન્સની ટિકિટો ભારે ડિસ્કાઉન્ટથી વેચવામાં આવતી હતી.