આપણી જિંદગીનો હિસ્સો બની ચૂકેલા ભારતીય સિનેમાને આવતી કાલે
(૨૧ એપ્રિલ, ૨૦૧૨) ૧૦૦મું વર્ષ બેસશે. સિનેમાની સદી અવસરે દિગ્ગજ હસ્તીઓ મુંબઈમાં એકઠા થઈને ભારતીય સિનેમાના વિકાસમાં યોગદાન આપનારા નામી-અનામી લોકોને યાદ કરશે. ભારતીય સિનેમાનો પાયો નાખનારા દાદાસાહેબ ફાળકેના પુણ્યસ્મરણ સાથે આ સમારોહનો પ્રારંભ થશે. આ સમારોહના આયોજકો ભારતીય સિનેમાના ૧૦૦ વર્ષના ઇતિહાસ પર બનેલી એક સુંદર ફ્લ્મિ પણ રજૂ કરવાના છે, જે સો વર્ષની યાદ તાજી કરાવીને મેજિકલ મૂવમેન્ટ ઊભી કરશે.
પહેલી ફ્લ્મિ ' રાજા હરિશ્ચંદ્ર'
ઇન્ડિયન સિનેમાની પહેલી અને ઐતિહાસક ક્લાસિક બની રહેનારી ફ્લ્મિ 'રાજા હરિશ્ચંદ્ર' ૨૧મી એપ્રિલ, ૧૯૧૩માં સિનેમાગૃહોમાં આવી હતી. બ્રિટિશ સિનેમેટોગ્રાફર દ્વારા અંજામ પામેલી હિન્દી ધાર્મિક ફ્લ્મિને જોઈએ એવી ટ્રીટમેન્ટ મળી ન હતી, છતાં 'રાજા હરિશ્ચંદ્ર' રજૂ થઈ અને દર્શકોએ તેને વધાવી પણ લીધી હતી. હિન્દી સિનેમાના લિજેન્ડ દાદાસાહેબ ફાળકે 'રાજા હરિશ્ચંદ્ર' ફિલ્મ તદ્દન સ્વદેશી ઢબે બને એવી ઇચ્છા ધરાવતા હતા. અપાર સંઘર્ષ અને ટાંચાં સાધનોથી બનેલી આ ફિલ્મે ચાતરેલી સિનેમાની કેડી આજે બોલિવૂડ નામના ગ્લેમરસ ધોરીમાર્ગમાં પરિર્વિતત થઈ ગઈ છે.
સેન્સરશિપ
ભારત જ્યારે આઝાદીના ડગ માંડી રહ્યું હતું, તેમાં હિન્દી ફિલ્મોનો પણ ભાગ હતો. સમાજ, સમાજમાં ચાલતી ઘટનાઓ, આઝાદીની લડત સાથે સંકળાયેલા કિસ્સાઓ અને આઝાદીના લડવૈયાઓ પરથી ફિલ્મો બનતી ગઈ. ફિલ્મોમાં સંદેશાઓ પણ વહેતા થયા હતા. એ એક યુગ હતો. નવાઈની વાત તો એ છે કે આજે જ્યારે અભદ્ર સંવાદો અને અશ્લીલ દૃશ્યો પર કાતર લગાવવાનું કામ ભારતીય ફ્લ્મિ સેન્સર બોર્ડ કરે છે, એણે પહેલી કાતર ફિલ્મ 'ભક્ત વિદુર' (૧૯૨૧)ના રાજકીય સંવાદવાળા દૃશ્ય પર ચલાવવી પડી હતી!
પહેલી રંગીન ફિલ્મ
પહેલી બોલતી ફિલ્મ 'આલમઆરા' (૧૯૩૧)ના નિર્માતા અરદેશર ઇરાનીએ જ પહેલી રંગીન ફિલ્મ 'કિસાન કન્યા' (૧૯૩૭) બનાવી. આ ફિલ્મ બાદ ધીરે ધીરે ભારતીય સિનેમા ઉદ્યોગમાં સમય સાથે આધુનિક રંગો ઉમેરાતા ગયા. મનોરંજન સાથે કમાણીનું સાધન બનતા ઉદ્યોગની સફરમાં ફિલ્મ મેકર વી. શાંતારામ, મહેબૂબ ખાન, બિમલ રોય, પૃથ્વીરાજ કપૂર અને કે. એ. અબ્બાસથી માંડીને યશરાજ કેમ્પ, ભટ્ટ કેમ્પ, રામ ગોપાલ વર્મા, બાલાજી પ્રોડક્શન જેવા આધુનિક ફિલ્મમેકર્સ અને પ્રોડક્શન હાઉસના નામ સહિતનું લિસ્ટ લાંબુ થતું રહ્યું.
પહેલું ગીત
આમ તો ફિલ્મોમાં ગીત મૂકવાનો પ્રયોગ 'કિસ્મત' ફ્લ્મિ પહેલાંથી શરૂ થયો,
પણ અશોક કુમારની બ્લોકબસ્ટર કિસ્મત (૧૯૪૩)ના ગીત 'દૂર હટો
એ દુનિયાવાલોં...'એ ઇતિહાસ સર્જ્યો. બ્રિટિશ ઇન્ડિયાના જુલમ પર આધારિત એ ગીતના રચયિતા પ્રદીપ હતા.
નવો ચીલો
સત્યજીત રેની ફિલ્મ 'પાથેર પંચાલી'એ ભારતીય સિનેમાને એક નવા એક્સપરીમેન્ટ તરફ દોર્યા. આજે જેને પ્રયોગાત્મક, ઓફબિટ કે પછી પેરેલલ સિનેમા જેવા શબ્દોનું ટાઇટલ મળે છે એવી વૈચારિક અને ઝરા હટકે પ્રકારની ફિલ્મો બનાવવાની શરૂઆત કરનાર હતા, સત્યજીત રે. જેને ૧૯૫૬માં બેસ્ટ હ્યુમન ડોક્યુમેન્ટ પ્રાઈઝ કાન્સમાં મળ્યું હતું.
'મુઘલ એ આઝમ' અને 'શોલે'
જેવી ફિલ્મોએ ભારતીય સિનેમાના ઇતિહાસમાં નવાં પ્રકરણો ઉમેર્યાં છે. ભારતીય સિનેમામાં લોકપ્રિય ફિલ્મની હંમેશાં બોલબાલા રહી અને લેટેસ્ટ 'થ્રી ઇડિયટ્સ' સુધી નવી ફિલ્મોએ કમાણીના નવા રેકોર્ડ્સ સ્થાપવાનો સિલસિલો જારી રાખ્યો છે.