સિનેમા
પૂર્વ મિસ વર્લ્ડ અને શો બિઝની ટોપ હિરોઇન પ્રિયંકા ચોપરાએ તેની આગામી ફ્લ્મિ 'ઝંઝીર' રૂ. ૧૧ કરોડમાં સાઇન કરી છે તો એના પછી ધકધક ગર્લ માધુરી દીક્ષિતે શો બિઝમાં તેની કમબેક ફિલ્મ સાઇન કરવાના પાંચ કરોડ માગ્યા છે. ફિલ્મ હિટ રહે તો પોતાનો ભાવ ડબલ સુધી કરવાના કિસ્સા શો બિઝમાં નવા નથી તો કોઈ હિરોઇનને રિપ્લેસ કરવા પોતાનો ભાવ પણ વધારવાની કહાની પણ અનેક છે. બોલિવૂડ ક્વીન્સ શાણપટ્ટીથી કેવી રીતે પોતાની કિંમત વધારી રહી છે, દેખે તો ઝરા...
પ્રિયંકા ચોપરા
અપૂર્વ લાખિયાએ 'ઝંઝીર'ની રિમેક માટે પ્રિયંકા ચોપરાને સાઇન કરી છે અને આ એક્શન મૂવિ માટે પ્રિયંકાને ૧૧ કરોડ રૂપિયા ચૂકવ્યા છે. આ સાથે જ પીગીચોપ્સ બોલિવૂડની સૌથી મોંઘી હિરોઇન બની છે. આ પહેલાં તે એક ફિલ્મ માટે ૩થી પાંચ કરોડ સુધી વસૂલ કરતી હતી. જોકે પ્રિયંકા મૌકા દેખ કે ચૌકા મારનારી પ્રોફેશનલ હિરોઇન છે. એકાદ મહિના પહેલાં દીપિકા પદુકોણે અને નિર્માતા રમેશ તૌરાની વચ્ચે ચકમક ઝરતાં દીપિકાએ 'રેસ - ૨'ને પડતી મૂકવાનો નિર્ણય લીધો હતો ત્યારે રાતોરાત એ રોલ માટે પીસીબેબીને સાઈન કરવા માટે 'રેસ - ૨'ના નિર્માતા નિર્દેશકોને દોડવું પડયું હતું. એ વખતે પ્રિયંકાએ 'રેસ - ૨' માટે સંકટ સમયની સાંકળ બનવાની હા તો પાડી જ હતી, પણ ફિલ્મમાં અભિનય કરવાના રૂ. પાંચ કરોડ માગ્યા હતા. એ અલગ છે કે નિર્માતા અને દીપિકા વચ્ચે પેચઅપ થઈ ગયું અને દીપિકા પાછી ફિલ્મમાં ઇન છે.
માધુરી દીક્ષિત
ધક ધક ગર્લ માધુરી દીક્ષિતના કમબેકનાં પડઘમ તો ક્યારનાં વાગે છે, પણ તેને સાઈન કરવા ઘણા બધા રૂપિયા પણ નિર્માતાએ ભેગા કરવા પડેને? માધુરી રોલ અને તેના અભિનય માટેની ફિગરમાં કંઈ પણ પ્લસ માઈનસ કરવા માટે તૈયાર નથી. ધ બઝ ઈઝ, બે પુત્રોની માતા અને મિસિસ માધુરી દીક્ષિત નેને કરિના કે કેટરિનાથી પોતાને જરા પણ ઊતરતી ન દેખાવા માટે પોતાની કિંમત રૂ. પાંચ કરોડ આંકી રહી છે. માધુરી કમબેક માટે રૂ. એકથી ત્રણ કરોડમાં જ પહેલાં ફિલ્મ સાઈન કરવા રાજી હતી, પણ યે ખબર તો પુરાની હૈ ગણવી. છેલ્લા કેટલાક સમયમાં બ્યુટી અને ફૂડ બ્રાન્ડ્સની જાહેરાતમાં બ્રાન્ડ એમ્બેસેડર બનવા સાથે ઝલક દિખલા જા- સિઝન ફોરમાં માધુરી જજ તરીકે દેખાઈ હતી. હવે કદાચ માધુરી વિશાલ ભારદ્વાજની સુપરડુપરહિટ ફિલ્મ 'ઇશ્કિયાં'ની સિકવલ 'ડેઢ ઇશ્કિયા'માં કામ કરશે અને ફિલ્મોમાં કામ કરવાની પ્રાઇઝ પાંચ કરોડથી એક પણ ઓછો રૂપિયો નહીં લે એવા અહેવાલ છે.
કરિના કપૂર
પ્રિયંકાની જેમ કરિના પણ પોતાનો કક્કો સાચો કરવા માટે પંકાયેલી છે. શો બિઝની ટોપ હિરોઈનોમાં જેનું સ્થાન મોખરાનું ગણાય છે એ કરિનાએ મધુર ભંડારકરની ફિલ્મ 'હિરોઇન' માટે પૈસાનો વરસાદ કરવા માટે કહ્યું અને મધુરની મજબૂરી કે તે માની પણ ગયા. બચ્ચનબહૂ એશ પ્રેગ્નન્ટ થતાં વાદવિવાદો બાદ મધુરે કરિના પર તેની ફિલ્મની હિરોઇન તરીકે પસંદગી ઉતારી. આ વાતનો ફાયદો ઉઠાવીને કરિનાએ
રૂ. ૮ કરોડ માગ્યા અને તેને ચૂકવાયા પણ ખરા. ત્યારથી કરિનાની રેકડની પિન રૂ. ૮ કરોડ પર ચોંટી ગઈ છે. કોઈ પણ ફિલ્મમાં કામ કરવાના તે રૂ. ૮ કરોડ બેધડક માગે છે.
ઐશ્વર્યા રાય
આ ત્યારની વાત છે જ્યારે બચ્ચનબહૂ ઐશ્વર્યા રાયના ઘરે પારણું બંધાયું ન હતું. તે પુત્રીની માતા બની ન હતી અને તે શો બિઝની નંબરવન હિરોઈન હોવાની સાથે સાથે બોલિવૂડની સૌથી મોંઘી હિરોઈન હતી. સાઉથના સુપરસ્ટાર રજનીકાન્તની ફિલ્મ 'રોબોટ'માં ભલે એશે ઝાઝું કંઈ કામ કર્યું ન હતું, છતાં તેણે એ કામ ન કરવાના રૂ. ૭ કરોડ વસૂલ્યા હતા. જોકે એક પુત્રીની મમ્મી બન્યા પછી પણ એશની કિંમત આસમાને જ છે. તે એક ફિલ્મદીઠ ૭ કરોડ વસૂલ કરવા માટે મક્કમ છે. તાજા ખબર એવા છે કે એક જ્વેલરી બ્રાન્ડ સાથે સુસ્મિતા સેનનો એડ કોન્ટ્રાક્ટ પૂરો થતાં કંપનીએ સુશની જગાએ એશને લીધી છે અને આ એન્ડોર્સમેન્ટ માટે બચ્ચનબહૂએ રૂ. ૨૦ કરોડ લીધા છે.
એક ફિલ્મ કી કિંમત તુમ ક્યા જાનો દર્શકબાબુ?
કરિના કપૂર
આશરે રૂ. ૬થી ૭ કરોડ ('હિરોઇન' માટે ૮ કરોડ)
પ્રિયંકા ચોપરા
આશરે રૂ. ૩થી પ કરોડ
('ઝંઝીર'ની રિમેક માટે ૧૧ કરોડ)
કૈટરિના કૈફ
આશરે રૂ. ૪થી ૫ કરોડ
વિદ્યા બાલન
આશરે રૂ. ૩થી ૪ કરોડ
દીપિકા પદુકોણ
આશરે રૂ. ૨.૫થી ૩.૫ કરોડ
સોનમ કપૂર
આશરે રૂ. ૧થી ૩ કરોડ
સોનાક્ષી સિન્હા
આશરે રૂ. ૧થી ૩ કરોડ