Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 22,2013 12:21:42 PM IST
 

માંસની નિકાસ સબસિડીના મુદ્દે મોદી-પવાર આમનેસામને

Apr 20, 2012 Ahmedabad > Ahmedabad City
 
comment     E-Mail     Print    
 
Viewed: 1134
Rate: 0
Rating:
Bookmark The Article

ગાંધીનગર, તા. ૧૯

દેશમાંથી માંસની નિકાસના મામલે લાંબા સમયથી કેન્દ્રીય નીતિ પર પ્રહારો કરતાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આણંદ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (એનડીડીબી) ખાતેના એક જાહેર સમારંભમાં કેન્દ્રીય કૃષિમંત્રી શરદ પવારની ઉપસ્થિતિમાં આ મુદ્દો છેડયો હતો. મોદીએ માંસની નિકાસની સબસિડીનો મુદ્દો છેડયો હતો. તેને શરદ પવારે એમ કહીને ફગાવી દીધો હતો કે, યુપીએ સરકારે માંસની સબસિડી કે નીતિ ચાલુ કરી નથી. આ નીતિ પંદર વીસ વર્ષથી લાગુ છે અને એમાં યુપીએ સરકારે કોઇ ફેરફાર કર્યો નથી.

  • શ્વેત ક્રાંતિના બીજા દોર સામે કેન્દ્રની માંસની નિકાસ માટેની સબસિડી ખતરોઃ નરેન્દ્ર મોદી
  • યુપીએ સરકારે નીતિ કે તેની સબસિડીમાં ફેરફાર કર્યા નથી, બે દશકાથી ચાલે છેઃ પવાર

મોદીએ કેન્દ્ર સરકારની દેશમાં બીજી શ્વેત ક્રાંતિ માટેની પહેલ સમાન નેશનલ ડેરી પ્લાન ફેઝ ૧ને આવકારીને તુરત જ જણાવ્યું હતું કે, મારે આલોચના નથી કરવી, પરંતુ એક તરફ વ્હાઇટ રિવોલ્યુશનની પહેલ થઇ રહી છે અને દિલ્હીની સરકાર પિન્ક રિવોલ્યુશનને પ્રોત્સાહન આપી રહી છે. પિન્ક એટલે માંસની નિકાસ માટે સબસિડી આપે છે આ સ્થિતિ દૂધ ઉત્પાદનથી માંડીને માનવજાત માટે જોખમી બની રહેશે. આની સામે સમારંભ બાદ પત્રકાર પરિષદમાં કેન્દ્રીય કૃષિમંત્રી શરદ પવારે સ્પષ્ટતા કરી હતી કે, માંસની નિકાસ માટેની નીતિ આજકાલની કે યુપીએના શાસનમાં લાગુ થઇ નથી. આ નીતિ છેલ્લા પંદર વીસ વર્ષથી છે અને મને ખ્યાલ છે ત્યાં સુધી યુપીએ સરકારે આ નીતિ કે સબસિડીમાં કોઇ ફેરફાર કર્યો નથી.

સમારંભમાં મંચ પરથી મોદીએ કહ્યું કે, પિન્ક રિવોલ્યુશન માટે દિલ્હીની સરકાર સબસિડી આપે છે. આના દસ્તાવેજો છે. આને લીધે સ્થિતિ એવી થાય છે કે કેવા અને કઇ ઉંમરના ઢોર કપાવા જોઇએ તેની પર કોઇ દેખરેખ રખાતી નથી. આને લીધે સ્થિતિ એવી થશે કે ગરીબ, સંભાળી નહીં શકતા માલધારીઓ પાસેથી કેટલાક તત્ત્વો દુધાળા ઢોર પડાવી લેશે અને એની કતલ થશે. તેમણે બીજો મુદ્દો રજૂ કરતાં કહ્યું કે, મારે બીજું ધ્યાન દોરવું છે કે માંસની બાંગ્લાદેશ સાથેની આપણી સરહદેથી ગાયોની મોટા પાયે દાણચારી થઇ રહી છે. મોટી સંખ્યામાં લોકો લૂંટફાટ ચલાવીને ગાયો ત્યાં વેચે છે. આ બે મુદ્દે કેન્દ્રએ ગંભીરતાથી વિચારવું જોઇએ.

મોદી પછી બોલવા ઊભા થયેલા પવારે તેમના વક્તવ્યમાં કપાસ, ખેડૂતોની પેદાશોની નિકાસનો હક્ક હોવાનો મુદ્દો તેમજ નેશનલ ડેરી પ્લાનની વિગતો આપી હતી. પરંતુ મોદીએ ઉઠાવેલા મુદ્દાઓ અંગે મૌન રહ્યા હતા. જોકે, પત્રકાર પરિષદમાં પવારે સ્પષ્ટતા કરી હતી કે, માંસની નિકાસને લાગે વળગે છે ત્યાં સુધી યુપીએની હાલની સરકારે તેને લાગુ કરી નથી કે તેમાં કોઇ સબસિડી કે નીતિવિષયક ફેરફારો કર્યા નથી. આ નીતિ પંદર વીસ વર્ષથી ચાલતી આવે છે. જોકે, તેમણે એમ પણ કહ્યું કે, દૂધાળા ઢોરની કતલ અને એના માંસની નિકાસ પર તો પ્રતિબંધ છે. પરંતુ ગૌવંશ પર તો કાયદાથી પ્રતિબંધ છે. આમ છતાં ક્યાંક ગેરકાયદેસર આવી પ્રવૃત્તિ થતી હશે તો જે તે એજન્સીને હું ધ્યાન દોરીશ. બાકી છેલ્લા સાતેક વર્ષથી કેન્દ્રીય મંત્રીમંડળમાં હોવા છતાં માંસની નિકાસનો આવો મુદ્દો મારા ધ્યાને આવ્યો નથી. શા માટે આ મુદ્દો અહીં ચર્ચાય છે એ મને ખબર નથી.

 

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com