બિંબ-પ્રતિબિંબ - રજનીકાંત પટેલ
મા-બાપ બાળકના તોતડાપણા અંગેના વર્તમાન સંશોધનોને લક્ષમાં રાખી વર્તન કરે તો ભાષા વિકાસની ભાવિ ખામીઓ સારી એવી ઘટાડી કે મટાડી શકે.
શબ્દો માટે તરફડિયા મારતાં બાળકને અચકાઈને બોલતું સાંભળી કયા મા-બાપને દુઃખ ના થાય? બાળકનું તોતડાવું લાંબા સમય સુધી રહે તો તેના વ્યક્તિત્વ ઘડતરને મર્યાદિત બનાવી શકે છે!
બાળક કે મોટાની અટકીને બોલવાની તથા તોતડાવાની ખામી (સ્ટેમરીંગ એન્ડ સ્ટરીંગ) 'વાણી- ચિકિત્સા'(સ્પીચ થેરપી) દ્વારા ઘટાડી કે મટાડી શકાય છે તેની ઓછાં મા-બાપને ખબર હોય છે. તોતડા બાળકને સુધારવા કરતાં પણ તે તોતડાય જ નહીં તે માટે પૂર્વજ્ઞાન મેળવવું સૌ કોઈ માટે મહત્ત્વ ધરાવે છે. મા-બાપ બાળકના તોતડાપણા અંગેના વર્તમાન સંશોધનોને લક્ષમાં રાખી વર્તન કરે તો ભાષા વિકાસની ભાવિ ખામીઓ સારી એવી ઘટાડી કે મટાડી શકે.
ડોક્ટર વેન્ડેલ જ્હોનસને તોતડાવા અંગે વર્ષો સુધી સંશોધન કરીને ઉપયોગી પુસ્તકો પ્રસિદ્ધ કર્યાં છે. તેમના 'વાણી-ચિકિત્સા'ના કેન્દ્રોમાં સેંકડો બાળકોના તોતડાપણાનો ઇલાજ થયો છે. આ તકલીફ કે ખામીમાં રાહત મેળવી શકાઈ છે.
ડોક્ટર જ્હોનસન બાબતમાં નવાઈની હકીકત એ છે કે તેમણે શરૂઆતમાં પોતાની તોતડાવવાની ખામીને દૂર કરી હતી! તે સ્વાનુભવ પ્રાપ્ત કરી આગળ વધ્યા હતાં! ડોક્ટર જ્હોનસને કરેલી પાયાની વાત મા-બાપ તથા કેળવણીકારો કે શિક્ષકોએ ખાસ યાદ રાખવા જેવી છે. તેઓ કહે છે કે બાળકના ભાષા વિકાસના શરૂઆતના તબક્કામાં અટકીને બોલવું, કોઈ શબ્દોનું પુનરાવર્તન કરવું કે કોઈવાર તોતડાવું વગેરે બાબતો સમસ્યા છે જ નહીં. ઘણાખરા તેને સમસ્યાનું સ્વરૂપ આપી દે છે. ભાષાવિકાસની ખામીના અન્ય નિષ્ણાતો પણ એકંદરે આવા મત સાથે સહમત થાય છે.
કેટલાક શબ્દો કે શબ્દોના પહેલાં અક્ષરનું પુનરાવર્તન કરવાની ટેવ અઢીથી પાંચ વર્ષ સુધીની ઉંમરના બાળકોમાં વધારે જણાય છે. સંશોધકોના દર્શાવ્યા પ્રમાણે બાળકો હજાર શબ્દો બોલે તેમાંથી લગભગ પચાસમા પુનરાવર્તન નોંધાય છે. આ વિગત ધ્યાનમાં રાખનાર મા-બાપ તોતડાવવાની ટેવને અટકાવવામાં ઘણાં મદદરૂપ થઈ શકે છે. બાળક તોતડાય ત્યારે તેના પ્રત્યે ચિંતાયુક્ત પ્રતિભાવ આપવાના બદલે તેને સ્વાભાવિક રીતે લેવાય તો તોતડાની સંખ્યામાં ઘટાડો કરી શકાય. સંશોધનોના દર્શાવ્યા પ્રમાણે આદિવાસી કે ગ્રામ્ય પ્રજામાં બાળકના વર્તનને સ્વાભાવિક દૃષ્ટિએ જોવામાં આવે છે ત્યાં તોતડાપણું ઓછું જણાય છે.
સામાન્ય રીતે એવું જણાય છે કે કુટુંબમાં તોતડવાની સંખ્યા વધારે હોય તેવા કુટુંબનાં બાળકોમાં તોતડાની સંખ્યા વધારે હોય છે. મા-બાપ તથા ભાઈ-બહેન કે જેમની વચ્ચે ગાઢ આંતરક્રિયા હોય તેવા કુટુંબોને આ બાબત વધારે લાગુ પડે છે. આ હકીકતના આધારે પહેલાં શરીરવિજ્ઞાની તથા મનનોવિજ્ઞાની એવા મંતવ્ય પર આવેલા કે તોતડાપણું વારસાગત છે.
પરંતુ આધુનિક નિષ્ણાતો આ હકીકત ઉપરથી એવું મંતવ્ય તારવે છે કે તોતડાવું વાતાવરણને આભારી છે. ભાષા વિકાસમાં અનુકરણનો ફાળો ઘણો છે. બાળકો નજીક રહેતાં મા-બાપ અને ભાઈ-બહેન દ્વારા બોલતાં શબ્દોનું અનુકરણ સૌથી વધારે કરે છે. તેઓ સૌથી વધારે સમય સાથે હોવાની શક્યતા વધારે છે. તેથી નજીકનાં કુટુંબીમાં તોતડાની સંખ્યા વધારે હોય તેવા બાળકની તોતડાવવાની સંભાવના વધે છે.
ડોક્ટર જ્હોનસન પણ પોતાના અનુભવના આધારે વારસાને ઓછું મહત્ત્વ આપે છે તે જણાવે છે કે ખોટા હાનિકર્તા અનુકરણની ટેવ ઘટાડી દઈ તોતડાપણું અટકાવી શકાય છે. તેમણે વાણી ચિકિત્સાની મદદથી ઘણા તોતડા બાળકને સુધારી આ મતને સમર્થન આપ્યું છે.
બાળકમાં તોતડાવું, અટકાવવું એ ભાષાની અન્ય ખામીઓ પેદા થાય નહીં તે માટે મા-બાપ તેમજ અન્ય હિતેચ્છુઓ નીચેની મહત્ત્વની બાબતોને લક્ષમાં રાખે.
(૧) ભાષા શીખવાની શરૂઆતના તબક્કે પુનરાવર્તન કે અચકાઈને બોલવાની ટેવ સ્વાભાવિક છે. એમ માનીને બાળક સાથે વર્તવું. આવી ટેવ સાથે મા-બાપ તરફથી અતિ ચિંતા કે તનાવ જોડાઈ ના જાય તેની કાળજી રાખવી.
(૨) બાળકની ભાષા શીખવાની ગતિને ખોટી રીતે વધારવાના સ્પર્ધાત્મક પ્રયાસોના પરિણામે કોઈવાર કાયમી ખામીના મૂળ નંખાય છે. બાળકને ધમકાવીને કે બીજાની સાથે તેની સરખામણી કરીને ઉતારી પાડવાના પ્રયાસો આ દૃષ્ટિએ હાનિકર્તા નીવડે છે. ખીજ કે ગુસ્સાભર્યા અવાજ સાથે બાળકને કહેવામાં આવે છે કે, “સાવ ડોબો રહ્યો, તારા કરતાં ચીકો કેટલું વધારે બોલે છે.” “મોંમાં મગ ભર્યા છે. ઝડપથી વાંચતા શું થાય છે.” “મોટો ઢાંઢાં જેવો થશે પછી બરાબર બોલશે?” વગેરે પ્રકારના વાક્યો ભાષાકીય વિકાસને નિષેધક વળાંક આપે છે. આવાં વાક્યો તોતડાવાનું બીજ બની શકે છે.
(૩) બાળક ઉશ્કેરાઈ જાય ત્યારે કે અજાણ્યાની હાજરીમાં કે ભયપ્રદ વ્યક્તિ કે પરિસ્થિતિની હાજરીમાં તોતડાય એવું બનવાની શક્યતા પ્રમાણમાં વધારે હોય છે. બાળક ઉશ્કેરાઈને બોલતું હોય ત્યારે તેને શાંતિથી સાંભળીને તેની વાણીઓને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. ભયની અસરના લીધે તોતડાતા બાળકને સ્વસ્થ બનાવવાનો પ્રયત્ન કરવો જરૂરી છે.
(૪) પોતાના આત્મગૌરવ કે મિથ્યાભિમાન માટે બાળકનો અવારનવાર ઉપયોગ કરનાર મા-બાપ તથા વડીલોએ ચેતવા જેવું છે. કેટલાક મા-બાપ મહેમાનોની હાજરીમાં બાળકની આવડતનું પ્રદર્શન કરવાનો ક્ષોભયુક્ત તમાસો ગોઠવતા હોય છે. તેઓ બાળકને વંચાવે, પ્રશ્નો પૂછે કે કવિતા બોલાવે છે.
બાળક ફટાફટ બોલી જાય તો મહેમાન તરફ ગૌરવપૂર્ણ મીટ માંડે છે. બાળક ભૂલો કરે તો ચિડાઈને તેને બીજાની હાજરીમાં ઉતારી પાડે છે. બાળકના કુમળા કે સંવેદનશીલ મન ઉપર આવા વર્તનથી ખરાબ અસર પડે છે. આવી કૃત્રિમ ત્રાણની નિષેધાત્મક અસરોમાંની એક તોતડાપણું છે.
આ સામાન્ય સૂચનો કોઈ પણ ધ્યાનમાં રાખી શકે તેવાં છે. આવા ઉપાયો કામયાબ ના નીવડે ત્યારે વાણી ચિકિત્સક (સ્પીચ થેરાપીસ્ટ)ની મદદ લેવી હિતાવહ છે. તમારું કે કોઈનું બાળક 'મ... મ... મમ્મી' કે પ... પ... પપ્પા” એમ અચકાઈને તોતડાતા બોલતું હોય ત્યારે તેની મશ્કરી કરવી, તેના ચાળા પાડવા તેને ઉતારી પાડવું વગેરે પ્રકારના બાલીશ વર્તનથી દૂર રહેવું. બાળકના કોઈપણ હિતેચ્છુ પાસેથી આટલી આશા તો રાખી શકાય ને?