Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 22,2013 12:51:20 AM IST
 

૧૦૦ વર્ષ બાદ ભારતીય સિનેમાનું આ છે પોસ્ટર (ચીની કમ)

Apr 21, 2012 Supplements > Columnist
 
comment     E-Mail     Print    
 
Viewed: 14187
Rate: 3.4
Rating:
Bookmark The Article

ભારતમાં પહેલી ફિલ્મ તા.૭ જુલાઇ ૧૮૯૬માં મુંબઇની વોટસન હોટલમાં દર્શાવવામાં આવી હતી. પરંતુ એ ફ્રેન્ચ ફિલ્મ હતી. પ્રવેશ ફી વ્યક્તિદીઠ એક રૂપિયો હતી. તે પછી તા.૨૧મી એપ્રિલ, ૧૯૧૩ના રોજ દાદાસાહેબ ફાલકેએ બનાવેલી પ્રથમ ભારતીય સાયલેન્ટ ફિલ્મ 'રાજા હરિશ્ચંદ્ર' રજૂ થઇ. આ ઘટનાને આજે ૧૦૦ વર્ષ પૂરા થાય છે. તે પછી તા.૧૪ માર્ચ ૧૯૩૧ના રોજ ભારતની પ્રથમ બોલતી ફિલ્મ 'આલમ આરા' રજૂ થઇ. આજે ભારતનું ફિલ્મ માર્કેટ ૮૭.૫ બિલિયન રૂપિયાનું છે. ૨૦૦૧થી ૨૦૧૦ સુધીમાં બધી ભાષાઓમાં કુલ ૧૦ હજાર ફિલ્મો ભારતમાં બની. વર્ષે દહાડે સરેરાશ ૧૧૦૦ ફિલ્મો બને છે. ૨૦૧૦માં ૨૧૫ હિન્દી ફિલ્મો બની હતી. ભારતમાં ફિલ્મ એ લોકોના સમાજનો એક ભાગ છે. ગરીબો અને તવંગરો એ બધાને જ ફિલ્મો જોવી ગમે છે.

સિરિયસ ડ્રીમ્સ

ભારતીય ફિલ્મ ઉદ્યોગ તેનાં ૧૦૦માં વર્ષમાં પ્રવેશી રહ્યો છે. આટલી લાંબી દડમજલ દરમિયાન બોલીવુડે અનેક આરોહ અવરોહ પસાર કર્યા છે. ભારતમાં ફિલ્મોની શરૂઆત થઇ ત્યારે સારાં પરિવારો તેમનાં સંતાનોને ફિલ્મમાં કામ કરવામાં બદનામી સમજતાં હતાં. શરૂઆતમાં તો કેટલાંક સ્ત્રી પાત્રો માટે મુંબઇના 'રેડ લાઇટ' એરિયાની પ્રોસ્ટીટયુટસને બોલાવવામાં આવતી હતી. હવે ફિલ્મ કે સિરિયલમાં કામ કરવું તે નામના અને પ્રતિષ્ઠા ગણાય છે. હવે પરિસ્થિતિ બદલાઇ ગઇ છે. આ દેશમાં જન્મતી ૧૦૦માંથી ૭૦ ટકા યુવતીઓ કિશોરાવસ્થામાં જ ફિલ્મ કે ટીવી સિરિયલ્સની અભિનેત્રી બનવાનાં સ્વપ્ન સેવે છે. એકમાત્ર પશ્ચિમ બંગાળમાં જ ૩૦૦ જેટલી એક્ટીંગ સ્કૂલ્સ ખૂલી ગઇ છે, તેમાંથી ૧૫૦ જેટલી એક્ટીંગ સ્કૂલ્સ કોલકત્તામાં છે. આશ્ચર્યની વાત એ છે કે ઉચ્ચ મધ્યમ વર્ગથી માંડીને ઉચ્ચ વર્ગના માતા-પિતા પણ તેમના પુત્ર-પુત્રીઓ ફિલ્મ કે ટેલીવિઝનના પરદે નિહાળવા માંગે છે. પરદા પર ચમકવું તેને પ્રતિષ્ઠા સમજે છે. એકટીંગ સ્કૂલની ફી રૂ.૧૦ હજારથી માંડીને રૂ. બે લાખ છે. આ ફી કોર્સ અને તેની અવધિ પર અવલંબે છે. તેમાં રૂપિયા અને શરીર સૌષ્ઠવ પ્રાપ્ત કરવા માટે જીમ, બ્યુટી ટ્રીટમેન્ટ, બુટિક્સ એ બધું આવી જાય છે. 'ઇન્ડિયન આઇડોલ' કે 'ડાન્સ ઇન્ડિયા ડાન્સ' કે 'ઇન્ડિયન આઇડોલ' માટે જ્યારે પણ મોટાં શહેરોમાં ઓડિશન કાર્યક્રમો થયા છે ત્યારે ૨૦ થી ૨૫ હજાર યુવક-યુવતીઓ લાઇન લગાવી દે છે. સહુથી નોંધનીય વાત એ છે કે, કેટલાક પ્રતિષ્ઠીત પરિવારો તેમની દિકરીને રૂપાળી બનાવવા કોસ્મેટિક સર્જરી પાછળ રૂ.૫૦ હજારથી રૂ.એક લાખ ખર્ચી નાંખે છે. કોલકત્તાના અનિરુદ્ધ બોઝ નામના એક કોસ્મેટિક સર્જન કહે છે : 'હું દર મહિને આવી ૧૫૦ કોસ્મેટિક સર્જરી કરું છું.'

કેટલાક માતા-પિતા 'બાલિકા વધુ' જોયા પછી તેમના નાના બાળકોને લઇને સ્ટુડિયોનાં ચક્કર મારતાં રહે છે. કોઇપણ રીતે તેઓ તેમના બાળકોને સિરિયલમાં ચમકાવવા માંગે છે. કેટલાંક પરિવારોને તો તેમના સંતાનોના શિક્ષણ બગડવાની પણ ચિંતા નથી. કેટલાક બાળકો તો કિશોરાવસ્થામાં જ એક્ટર બનવા ઘર છોડી મુંબઇ ભાગી જાય છે.

કાસ્ટિંગ કાઉચ
-નો પ્રોબ્લેમ

પરંતુ મુંબઇ, હૈદરાબાદ, ચેન્નાઇ કે કોલકત્તાનું ફિલ્મ અને ટેલિવીઝન સિરિયલોનું જગત બહારથી જેટલું ગ્લેમરસ દેખાય છે તેથી વિપરીત અંદરથી 'મર્કી' છે. મનિષા કોઇરાલાને હિન્દી ફિલ્મ જગતમાં સ્ટારડમ મળ્યું પછી કેટલીયે નેપાળી છોકરીઓ અભિનેત્રી બનવાના સ્વપ્નો જોતી મુંબઇ આવી હતી. તેમાંથી કેટલીક કાસ્ટિંગ કાઉચનો ભોગ બની તો કેટલીક રૂપજીવીનીઓ બની ગઇ. કેટલીક હતાશ થઇ કોઇના ઘરની નોકરાણીઓ પણ બની ગઇ. વિમી નામની એક પૂર્વ અભિનેત્રીએ વિનોદ ખન્ના સાથે કામ કર્યું હતું. પરંતુ પાછળથી તે પ્રોસ્ટીટયુટ બની ગઇ હતી. એ એક આશ્ચર્યની વાત છે કે ફિલ્મમાં કામ કરવા માટે યુવતીઓએ તમામ સમાધાનો કરવા પડે છે તે વાતની ખબર હોવા છતાં મોટાં ભાગના માતા-પિતા હવે તેમની દીકરીઓ માટે એ વાતની ચિંતા કરતા નથી. ફિલ્મોની ચમકદમકથી અંજાયેલા માતા-પિતા તેમની દીકરીઓને છૂટથી અજાણ્યા યુવકો સાથે ભળવા દે છે. 'કાસ્ટિંગ કાઉચ' નો ભય હવે તેમને રહ્યો નથી. કોલકત્તાના મનોચિકિત્સક ડો. રીમા મુકરજી કહે છે કે, "નામના અને પૈસો હવે આગળ નીકળી ગયો છે, નૈતિકતા હવે બેકસીટ પર છે." ટૂંકમાં પોતાની કુંવારી છોકરીનો કોઇ ઉપભોગ કરી જાય તો વાંધો નહીં, તેને ફિલ્મ કે સિરિયલમાં કામ મળવું જોઇએ તે એક નવો અભિગમ છે. અલબત્ત બંગાળી ફિલ્મોના એક પ્રોડયુસર સુપ્રિયા ચેટરજી કહે છે : "આવું માત્ર ફિલ્મ કે ટીવીની સિરિયલોમાં જ નથી. શિક્ષણના ક્ષેત્રમાં પણ કેટલાક પ્રાધ્યાપકો એવા છે જે તેમના માર્ગદર્શન નીચે પીએચ.ડી.કરતી વિદ્યાર્થીનીઓ સાથે સુઇ જાય છે. ટૂંકમાં આ ટ્રેન્ડ બીજા ક્ષેત્રોમાં પણ છે.

ચુંબન ના જોઇએ પણ...

એ તો ઠીક પરંતુ હિન્દી ફિલ્મ જગતમાં ૧૦૦ વર્ષમાં જે બદલાયું છે તેમાં ઘણી બધી જૂની રૂઢીઓ ધ્વસ્ત થઇ છે. ફિલ્મોની શરૂઆત હોલીવુડથી થઇ પરંતુ આંકડાની દૃષ્ટિએ બોલીવુડ સહુથી વધુ ફિલ્મો બનાવે છે. હોલીવુડના ચુંબન દૃશ્ય સામે તો પશ્ચિમના સમાજને કદી વાંધો નહોતો. ભારતમાં ચુંબન દૃશ્ય દર્શાવવું કે નહીં તેનો વિવાદ વર્ષો સુધી ચાલ્યો. સમય એવો બદલાયો કે ચુંબન દૃશ્ય બતાવવાની વાતો વાતો જ રહી ગઇ અને બેડરૂમ દૃશ્યો તથા બિભત્સતાની નજીક કહી શકાય તેવાં દૃશ્યો આગળ નીકળી ગયાં. ડર્ટી પિકચરના સંવાદો પિતા અને પુત્રી સાથે બેસીને સાંભળી શકે તેવા નહોતા છતાં ફિલ્મે વિક્રમસર્જક કમાણી કરી. ભારતીય ફિલ્મ સેન્સર બોર્ડની એ નીતિ સમજાતી નથી કે હવે બનતી ફિલ્મોમાં પરદા પર ધૂમ્રપાન દર્શાવવાની મનાઇ છે પરંતુ સેક્સ દર્શાવવા સામે કોઇ જ પ્રતિબંધ નથી.

વિવાદાસ્પદ પોસ્ટર્સ

ઘણાં ઓછાં લોકોને એ વાતની ખબર છે કે ભારતમાં બી-ગ્રેડની કેટલીક ફિલ્મો બને એ પહેલાં એક માત્ર પોસ્ટરના કારણે જ વેચાઇ જાય છે. આ એક નવો ટ્રેન્ડ છે. બોલીવૂડની કેટલીક ફિલ્મો હોટ પોસ્ટરોનાં કારણે જ વેચાઇ જાય છે. આમાનું એક દૃષ્ટાંત છે. આ ફિલ્મના એક વિવાદાસ્પદ પોસ્ટરમાં એક રહસ્યમય યુવતી એક પુરૂષના બે પગ વચ્ચે બેસી ગઇ છે. નથી તો પુરુષનો ચહેરો દેખાતો કે નથી કે યુવતીનો. હિરોઇનની પીઠ ઉઘાડી છે તેની પર ટેટુ ચિતરેલા છે. હિરોઇનના બટસની ઉપરના સ્ટ્રેટેજીક પોઇન્ટ પર રિવોલ્વર મૂકેલી છે. આ પોસ્ટર ફિલ્મની કથા કે વિષય પર કોઇ જ વિગતો આપતું નથી. લોકોને પણ આ હિરો કે હિરોઇન કોણ છે તેની પરવા નથી. પોસ્ટર ખુદ 'હિરો' છે. પોસ્ટર ખુદ 'હિરોઇન' છે. ફિલ્મ રજૂ થાય ત્યારે જ એનું રહસ્ય ખુલશે, ત્યાં સુધી એ યુવતી કોણ છે અને તેમ કેમ બેઠી છે તેનું રહસ્ય જાળવી રાખવામાં આવશે. આ ફિલ્મના ડાયરેકટર નિખિલ અગ્નિહોત્રી છે. આશ્ચર્યની વાત એ છે કે આ ફિલ્મના પોસ્ટર પર જ તેના બહારના હક્કો રૂ. ૩૦ કરોડમાં વેચાઇ ગયા છે. હકીકતમાં આ પોસ્ટરો પ્રેક્ષકોને ગેરમાર્ગે દોરનારાં છે.

બોલીવુડ હવે સોફટ પોર્ન પર જઇ રહ્યું છે. આમ તો ઘણાં વર્ષો પહેલા બી.આર.ઇશારાએ બનાવેલી ફિલ્મ 'ચેતના' એક પોસ્ટર પર જ ચાલી હતી. જેમાં એક સ્ત્રીના બે ઉઘાડા પગની પાછળ એક પુરુષનો ચહેરો દર્શાવાયો હતો. એ વખતે વિવેચકોએ એ પોસ્ટરની ખૂબ ટીકા કરી હતી. એ પોસ્ટર સમય કરતાં વહેલું હતું. હવે, 'બ્લડ મની', કે 'ભીંડી બજાર', 'ડર્ટી પિકચર', 'રંગ રસિયા' જેવી ફિલ્મોના પોસ્ટરો ફિલ્મના પ્રમોશન માટે વપરાય છે. મહેશ ભટ્ટ પણ 'જિસ્મ-૨' ફિલ્મ આવા પોસ્ટર દ્વારા જ વેચવા માંગે છે. એક્ટર જીતેન્દ્રની પુત્રી એકતા કપુર 'ડર્ટી પિકચર' દ્વારા તેમનો પોતાનો જ જીવન મંત્ર રજૂ કરે છે : "ફિલ્મ એટલે એન્ટરટેઇન્મેન્ટ, એન્ટરટેઈન્મેન્ટ અને એન્ટરટેઇન્મેન્ટ." અલબત્ત, એકતા કપુરના એન્ટરટેઇનમેન્ટની વ્યાખ્યા છે : "સેલીંગ ઓફ સેક્સ." એકતાની "ક્યાં સુપર કુલ હૈ હમ"   એક સેકસ કોમેડી છે. એકતાએ 'ડર્ટી પિકચર' રૂ. ૧૮ કરોડમાં બનાવ્યું પણ તેના ટાઇટલ અને પોસ્ટર દ્વારા રૂ.૧૧૭ કરોડનો ધંધો કર્યો. તેની જ 'ક્યા સુપરકુલ હૈ હમ' ના હક્કો એકમાત્ર પોસ્ટરે શરૂઆતના તબક્કામાં જ રૂ. ૧૫ કરોડ કમાઇ આપ્યા છે. ફિલ્મ તો હજુ ઓગસ્ટમાં રજૂ થવાની છે.

- આ છે ભારતના ફિલ્મ જગતે છેલ્લા ૧૦૦ વર્ષમાં હાંસલ કરેલી સિદ્ધી (?)

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com